ઈન્ટરવલ

વડોદરા (સેવાસી)ની સાતમાળની ‘વિધાધર વાવ’ કલાનો ઉત્તમ નમૂનો છે

તસવીરની આરપાર -ભાટી એન.

વડોદરા સિટી કલાનગરી છે….! ત્યાંના રાજવી ગાયકવાડે કલાને ભરપૂર પ્રોત્સાહિત કરેલ છે. ત્યાંની સુંદરતા નયનમાં ખુશી આપી દે છે. વડોદરા (બરોડા) વિકસિત સિટી છે. અગાઉ મુસ્લિમ રાજાઓએ વડોદરામાં સુનયન કાર્યો કરેલ છે. તેના બનાવેલ સ્મારકો અડીખમ ઊભા છે. ‘વિધાધર વાવ’ (સેવાસી વાવ)ની વાવ એકસ્ટ્રા ઓર્ડિનરી વાવ છે. ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં વિશેષ પ્રમાણમાં જોવા મળતી વાવમાં મુખ્યત્વે ચાર પ્રકારની વાવ હોય છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા. વાવ એટલે એક તળાવ જે જમીનની સપાટીથી ઊંડાઇ પર પાણીનો સંગ્રહ કરવો અને એ પાણી સુધી પહોંચવા ત્યાં સુધી સીડી, પગથિયાં હોય, વાવ એટલે કૂવાનો એક પ્રકાર છે…! વાવમાં ગરગડી ઉપરાંત પગથિયા પણ હોય જેથી તળિયા સુધી જઇને તમે પાણી ભરી શકો. જૂના જમાનામાં લોકો પગપાળા ચાલીને કે ગાડામાં અથવા ઘોડા પર બેસીને પ્રવાસ કરતા ત્યારે પાણીની તરસ છીપાવા વાવ એક અગત્યનું સ્થાન હતું. (૧) નંદાવાવ: જેને એક જ પ્રવેશદ્વાર હોય, (૨) ભદ્રા: જેને બે પ્રવેશ દ્વાર હોય. (૩) જયા જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય (૪) વિજયા જેને ચાર પ્રવેશ દ્વાર હોય આ મુખ્ય ચાર પ્રકારની વાવના પ્રકાર સિવાય ત્રણ બીજા પ્રકાર છે. (૫) બત્રીસ હાથ લાંબી દીધીરકા વાવ (૬) ભોલરી વાવ-અંદરના પહોળા ભાગવાળી (૭) જીવતી વાવ-અખૂટ પાણીવાળી વાવ.

વડોદરા શહેરથી પશ્ર્ચિમમાં ૬ કિલોમીટર દૂર સિંધરાટે રોડ પર સેવાસી ગામના મુખ્ય બસ સ્ટેન્ડ ગામમાં પ્રવેશતા જ એક વાવ આવેલી છે.

‘વિધાધર વાવ’ને અત્યાર લોકો સેવાસી વાવ તરીકે ઓળખાય છે. આ વાવ હવે તો વડોદરા શહેરના વધતા જતા શહેરીકરણને લીધે વડોદરામાં જ ગણી શકાય. પ્રમાણમાં ઓછી જાણીતી આ વાવ પણ ઐતિહાસિક શિલ્પકામ ધરાવતી બેનમૂન વાવ છે! ઐતિહાસિક પાર્શ્ર્વભૂમિકા: આ વાવ પર કયાંય કોઇ લખાણ કે શિલાલેખ નથી તથા શિલ્પકામ પર કોઇ ઘરેણાં કે શૃંગાર યુક્ત કલા કોતરણી નહીં હોવાથી વાવની તવારીખ નક્કી કરવી મુશ્કેલ છે. વાવનો ચોક્કસ સમય નક્કી કરવા તેની સ્થાપત્ય કળા, બાંધકામની રીતભાત જોતા અમદાવાદની દાદા હરિની વાવની પદ્ધતિ તેની સરખામણીએ મળતી આવે છે. તેના પરથી અનુમાન થાય છે કે સુલતાન મહંમદ બેગડાના સમયમાં ૧૬મી સદી આશરે ૫૦૦ વર્ષ અગાઉ બંધાઇ હોય તેમ કહેવાય છે.

‘વિધાધર વાવ’ના એક મોભ પર અંક્તિ માહિતી અનુસાર આ વાવનું નિર્માણ ગુજરાતના સલ્તનતના સુલતાન મહંમદ બેગડા દ્વારા વિ. સં. ૧૫૪૯ એટલે કે ઇ. સ. ૧૪૯૨માં કરવામાં આવ્યું હતું. આ વાવ વડોદરા નજીક આવેલા સેવાસી ગામના આધ્યાત્મિક સંત માટે આરાધના અર્થે બનાવામાં આવી હતી. સાત માળની ઊંડાઇ ધરાવતી આ વાવ ઇંટ અને નક્કર ભૂખરા પથ્થરના ચણતરથી તૈયાર કરવામાં આવી છે. પૂર્વ-પશ્ર્ચિમ મુખ પૃષ્ઠ ધરાવતી આ વાવ પુષ્પાવલી તથા પ્રાણીઓના સ્વરૂપથી સુશોભિત છે.

બીજા માળનો આકાર પાંદડા જેવો છે. તેમાં શિલ્પકામ કોતરણી જોવા મળે છે. કેટલીક દીવાલો પર લોકો દ્વારા ઉજવાતા તહેવારોનાં ચિત્રો આંકવામાં આવ્યાં છે. પ્રવેશ પર બે વાઘ અને બે હાથી કોતરવામાં આવેલ છે. વાવ પર પાંચ મંડપ રહેલા છે. કૂવાની આસપાસ કઠેડો બાંધેલો છે. આ વાવ ખરેખર વડોદરાનું આભૂષણ છે. તેની ડ્રોન તસવીર અત્રે પ્રસ્તુત છે. વડોદરા જાવ તો આ વાવ જોવા જજો.
આલેખન તસવીર: ભાટીએન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button