ઈન્ટરવલ

તમે રાજયપાલ બનો એ માટે કપાળે કોઇ કંકુ-ચોખા ચોડવા આવ્યું હતું?!

વ્યંગ -ભરત વૈષ્ણવ

કોઇ ખેતરમાં ખેડૂતનું આખું કુટુંબ કામ કરતું હોય છે. ખેતર ખેડવા, વાવણી કરવા, નિંદામણ કરવું, ખાતર નાંખવું, આંતરખેડ કરવી, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, પાણી આપવું, પાક તૈયાર થાય એટલે પાકની લણણી કરી ખળામાં મુકવો, ઘઉં હોય તો થ્રેસરની મદદથી ઘઉંની ડૂંડીઓમાંથી ઘઉં અને કૂચા છૂટા પાડવા, પાક તૈયાર થયે ઘરે લાવવો, પાકને ટ્રેકટરમાં એપીએમસી-માર્કેટમાં લઇ જઇ પાકનું વેચાણ કરવું…. આ બધી ખેડૂતની મુખ્ય પ્રવૃત્તિ છે.

ખેડુત કુટુંબના એક કે બે સભ્યને ખેતીની પ્રકૃતિમાંથી ખસેડી લેવામાં આવે તો કૃષિ ઉત્પાદન કે ઉત્પાદકતામાં વધારો કે ઘટાડો થતો નથી. ટૂંકમાં હટાવેલા સભ્યોનું ઉત્પાદન કે ઉત્પાદકતા મૂલ્ય શૂન્ય છે…અર્થશાસ્ત્રની ભાષામાં એને ‘પ્રચ્છન્ન બેરોજગારી’ કહેવામાં આવે છે!

આવી જ દશા આપણે ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નેક (નેક એટલે ગરદન સમજવું નહીં..) નેક નામદાર એટલે ‘હીઝ હાઇનેસ’ સમજવાનું. (બીજી કોઇ ગરબડ ન કરવા તાકીદ છે, નહીંતર જો કોઈ સરકારી એજન્સીને તમારા પર ત્રાટકે તો તેની જવાબદારી તમારી રહેશે!)
ક્યાંક ફૂલ સાઇઝના રાજયપાલ હોય તો ક્યાંક હાફ સાઇઝના એટલે લેફટનન્ટ ગર્વનર હોય છે. સાદી ભાષામાં રાજકારણમાંથી લગભગ પરવારી ગયેલા કે પરવારું પરવારું થઇ રહેલા ખખડી ગયેલાને રાજ્યપાલના નવા નામાભિધાન સાથે સહનશીલ પ્રજાના માથે મારવામાં આવે છે…
દિલ્હી જેવા પૂર્ણ કક્ષાનું રાજ્ય ન હોય ત્યાં ઉપ -રાજયપાલો વહીવટમાં સરળતા અને ઝડપ -સ્પિડ લાવવાને બદલે સ્પિડ બ્રેકરનું કામ કરે છે. ઉપરથી મળેલા આદેશ મુજબ મુખ્યમંત્રી સાથે બે બે હાથની ‘ઢિસ્સુમ …ઢિસુમ ’ કરે છે.

પશ્ર્ચિમ બંગાળમાં રાજયપાલ જાણે મુખ્યમંત્રી હોય તેમ સરકસના રીંગ માસ્ટરની જેમ સત્તાની ચાબુક અનધિકૃત વીંઝતા હોય છે. રાજયપાલ કચેરીમાં ફેકસ ચાલુ ન હોવાના ઉપજાવી કાઢેલા બહાના હેઠળ ચૂંટાયેલી મુફતી સરકારને ભીના કે કોરા કચરાની જેમ ઇતિહાસની કચરાપેટીને હવાલે કરવામાં આવ્યાના દાખલા છે.

મહારાષ્ટ્રમાં અહર્નિશ બંધારણીય ફરજ બજાવવાના પ્રતિબદ્ધતાના ભાગરૂપે રાજયપાલ સાહેબે ‘ગવર્નમેન્ટ એટ મીડનાઇટ નહીં’ પરંતુ , ‘ગવર્નમેન્ટ એટ અર્લી મોર્નિંગ’ ની રચના કરી હતી. જહાંગીર બાદશાહે પ્રજાજનોને ન્યાય મળે એ માટે મહેલમાં સંભળાય અને ગમે ત્યારે સંભળાય તેવો ઘંટ ઝુંલાવ્યો હતો તે ન્યાયે રાષ્ટ્રપતિ પણ મહારાષ્ટ્રના રાજ્યપાલના ફેકસની પ્રતીક્ષા કરતા જાગતા હતા… જે નેતાને મુખ્યમંત્રી તરીકેના ઉતાવળે ઉતાવળે ઉદ્વેગ ચોઘડિયે શપથ લેવડાવ્યા હતા એમને ચલ અને અમૃત ચોઘડિયું હોવા છતાં ટૂંક સમયમાં જ ના-રાજીનામું આપવું પડ્યું હતું…
કર્ણાટકમાં બહુમતીની ખાતરી કર્યા વગર અમુક નેતાને સરકાર રચવા રાજયપાલે પ્રેયસી પ્રિયતમને પ્રેમ કરવા ઇજન આપે તેમ ઇન્વિટેશન આપેલ. અલબત,પછી બહુમતીના અભાવે ‘મેરે શૈયાજીસે બ્રેકઅપ હો ગયા’ ગીત જેવી આપત્તિજનક હાલત થયેલી. આવા તો અનેક ઉદાહરણ છે.આઝાદી મળ્યા પછી જેટલી વાર પણ રાજ્ય સરકારોનું પતન થયું એ માટે રાજયપાલે મોગેમ્બોની ભૂમિકા ભજવી તેના રાજકીય આકાઓને ખુશ કર્યા છે.

સરકાર તૈયાર કરેલ પ્રવચન, ભાષણ, અભિભાષણ, ઉદ્બોધન, વ્યાખ્યાન, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ એટલે રોબોટની જેમ રાજયપાલે વાંચી જવાનું હોય. પછી વિધાનસભા કે સંસદ ભાષણ પર આભાર પ્રસ્તાવ પણ પસાર કરે છે. આ ભાષણ તોફાન જોઇને રેતીમાં શાહમૃગ રેતીમાં માથું ખોસે તે પ્રકારનું હોય છે. પ્રજાના પ્રશ્રો સાથે લેવાદેવા હોતી નથી .
તમિલનાડુના રાજયપાલે એક વાર ‘આઉટ ઓફ સિલેબસ’ બકી નાંખ્યું, જેમાં તમિલનાડુના લોકનાયકોની બાદબાકી કરી અને સરકારે કોઈ નિર્ણય કર્યો ન હોવા છતાં તમિલનાડુનું નામ બદલવાનું એલાન કરીએ નાખ્યું હતું !

એક રાજયપાલનું અવસાન હેલિકોપ્ટર અકસ્માતમાં થયેલું. ક્રેશ થયેલા હેલિકાપ્ટરમાંથી મોતી વેરાણા ચોકની જેમ ચાલીસ કરોડ રૂપિયા હેલિકોપ્ટરમાંથી વેરાયાની ઘટના જાણીતી છે.. એક વયોવૃદ્ધ -માત્ર છયાંશી વરસના રાજયપાલે પોર્ન સ્ટારની જેમ એડલ્ટ ફિલ્મો જેવાં દૃશ્યો ક્રિએટ કરેલા. હમણા એક રાજયપાલે હોશિયારીની ફિશિયારી કરેલી કે શિવાજી ઓલ્ડ આઇકોન છે ને એમણે જેને આઇકોન ગણેલાં એનાં રાતોરાત પૂતળા લાગી ગયા!

રાજયપાલ પદની મુદત પૂરી થાય કે નામદાર રાજયપાલ ‘હાશ આઝાદ થયો… હવે પક્ષીની જેમ ગગનમાં મુક્ત રીતે સ્વેચ્છાએ ઉડયન કરીશ’એવો વાહિયત બકવાસ કરે છે…. અલ્યા ભાઇ, તને રાજયપાલ બનવા માટે કોઇએ લમણા પર ગન મુકેલી ? શેરબજારના ગગડતા શેર જેવા કપાળમાં કોઇ કંકુ ચોખા ચોડવા આવેલ? ભાઇ, તને જ રાજયપાલ બનવાની ચળ એટલે કે ખણ-ખંજવાળ આવતી હતી એના માટે કેટલા પાપડ વણ્યા હતા- કેટલું પેટ્રોલ ગાળેલું એ બધું શું પ્રજા નથી જાણતી ? બીજું બધું જે કંઇ કરવું હોય પણ દંભ અને દોગળાપણું ન કરો… પ્રજા તમે માનો તેવી બુદ્ધુ નથી !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button