અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતાં ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ ક્રમશ: બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરને પાણી પૂરું પાડતા ત્રણ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ આગામી ત્રણ દિવસ તબક્કાવાર બંધ રહેશે. રાસ્કા, જાસપુર, કોતરપુર ટ્રિટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પેનલ ઇન્ટરકનેકશન કરવાની કામગીરી કરવામાં આવશે. અંદાજિત બે હજાર કિ.વોટની સોલાર પેનલ ઇન્ટરકનેક્શન માટે છ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે, જેના પગલે રાસ્કા, જાસપુર અને કોતરપુર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ રખાતા પાણીના ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી અપાશે. આગામી સાતથી નવ ફેબ્રુઆરી અને ૧૩ ફેબ્રુઆરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ ૫થી ૬ કલાક બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપા દ્વારા વીજળી બિલમાં જંગી ઘટાડો કરવાની નેમ સાથે ત્રણ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ખાતે બે હજાર કિ. વોટની કેપેસિટીની લગાવેલ સોલાર પેનલના ઇન્ટરકનેક્શન માટે ૫થી ૬ કલાક માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે, જેના કારણે શહેરના સાતેય ઝોનમાં જુદા-જુદા દિવસે પાણી ઉપલબ્ધ જથ્થાને આધારે પાણી પૂરું પાડવામાં આવશે. તા. ૬ઠ્ઠીથી તા.૯મી ફેબ્રુઆરી અને ૧૩ ફેબ્રુઆરીના રોજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ રાખવામાં આવશે. તેના કારણે એક-એક દિવસ પાણી કાપની અસર જોવા મળશે. વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બંધ રહેવાથી સાત ઝોનમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મોકલી શકાશે નહીં. બીજી બાજુ દરેક વોર્ડમાં બનાવેલી પાણીની ટાંકીઓ અગાઉથી ભરી રાખવા અને જરૂર પડે તો બોરવેલ ચલાવીને પણ નાગરિકોને પાણી પૂરું પાડવાની સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ મનપા વોટર કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવા તથા ગટના પાણીના નિકાલ માટે મોટા પ્રમાણમાં વીજનો ઉપયોગ થાય છે. જેની કોસ્ટ પણ સતત વધી રહી છે. ત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં જમીન પર લગાવેલ સોલાર પેનલથી એએમસી વર્ષે ૧૬થી ૨૦ લાખ વીજ યુનિટની બચત થશે અને કાર્બન ઉત્સર્જમાં ઘટાડો થશે.