સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી બે વર્ષમાં ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર વીજળી ખરીદી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બિનપરંપરાગત ઊર્જા માટે સોલાર પાવર પોલિસી અન્વયે ગુજરાત સરકારે ખાનગી ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૨૨માં ૬૦૫૯ મિલિયન યુનિટ વીજળી ૪.૭૬ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૭૦૧૪ મિલિયન યુનિટ વીજળી ૪.૨૯ રૂપિયાના ભાવે યુનિટ દીઠ સરેરાશ ખરીદી છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન રાજય સરકાર દ્વારા ૧૩૦૭૩ મિલિયન યુનિટ સોલાર પાવર પોલિસી હેઠળ ખાનગી ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં પાટણ કૉંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે છેલ્લા બે વર્ષમાં વર્ષવાર બિનપરંપરાગત ઊર્જા અંગેની સોલાર પાવર પોલિસી અન્વયે ખાનગી ઉત્પાદકો પાસેથી કેટલી વીજળી ક્યાં ભાવે ખરીદવામાં આવી છે? જેના જવાબમાં રાજ્યના ઊર્જા પ્રધાને જણાવ્યું હતું.
કૉંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ફિક્સ પગારનો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો, જેમાં કેટલી અરજીઓ યુનિયન અને વ્યક્તિગત મળી છે, તેની વિગતો માગી હતી.
આ અંગેનો જવાબ આપતા નાણાપ્રધાને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં કુલ યુનિયન દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારા માટે કુલ ૧૭ અરજીઓ મળી હતી, જ્યારે વ્યક્તિગત અરજીઓ ૮૮૦ મળી હતી. તેવી જ રીતે વર્ષ ૨૦૨૩માં ફિક્સ પેના વર્ગ ત્રણના કર્મચારીઓના પગાર વધારા માટે યુનિયન દ્વારા કુલ ૩૮ વખત અરજી કરી છે, જ્યારે વ્યક્તિગત અરજીઓ ૯૨૧ મળી છે.
જોકે, આ અરજીઓ ધ્યાને રાખીને ઓક્ટોબર ૨૦૨૩માં રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કર્યો હતો.
રાજ્યના ૧૦૦ વર્ષ જૂના ડેમો ડેમ સેફટી એક્ટ હેઠળ પાણી સંગ્રહિત કરી શકાય છે કે કેમ અને તેની ચકાસણી કરવામાં આવે છે કે કેમ? તે પ્રશ્ર્ન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ઉઠાવ્યો હતો. રાજ્યના જળસંપત્તિ પ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૦૦ વર્ષ જૂના ૨૯ ડેમો છે. ૨૯ ડેમોની સેફટી એક્ટ હેઠળ ચકાસણી કરી દેવામાં આવી છે. તમામ ૨૯ ડેમો જળ સંગ્રહ માટે સમક્ષ છે.