કોહલી ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે?: રોહિતની આગરકર સાથે લાંબી ચર્ચા

નવી દિલ્હી: ભારતીય ટીમ અત્યારે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની લાંબી ટેસ્ટ-સિરીઝ રમે છે અને મુખ્ય બૅટર વિરાટ કોહલી દેશની બહાર છે. તે પહેલી બે ટેસ્ટમાં નથી રમ્યો અને હવે મનાય છે કે કદાચ ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમે.
બાકીની ત્રણ ટેસ્ટ માટેની ટીમની જાહેરાતની ચર્ચા વચ્ચે કોહલીના રમવા વિશેના કોઈ સમાચાર ગઈ કાલે સાંજ સુધી નહોતા. તેની ગેરહાજરીમાં ભારતે હૈદરાબાદમાં પહેલી ટેસ્ટમાં હાથમાં આવેલી બાજી ગુમાવવી પડી, જ્યારે બીજી મૅચમાં જસપ્રીત બુમરાહના તરખાટે અને શુભમન ગિલની લાંબા સમયગાળા પછીની સેન્ચુરીએ ટીમને શ્રેણી 1-1થી સમકક્ષ કરી આપી.
રજત પાટીદારને કોહલીની ગેરહાજરીમાં ટેસ્ટમાં ડેબ્યૂ કરવા મળી ગયું, પણ તેને હજી પૂરી કાબેલિયત પુરવાર કરવા થોડી ટેસ્ટ રમવા મળે એ જરૂરી છે.
સોમવારે વિશાખાપટ્ટનમમાં ભારતે બીજી ટેસ્ટ ચોથા દિવસે જીતી લીધી ત્યાર બાદ રોહિત શર્માએ મેદાન પર જ ઘણી વાર સુધી ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે ચર્ચા કરી હતી. એ વખતે હેડ-કોચ રાહુલ દ્રવિડ પણ હાજર હતો. રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઈજાને કારણે બીજી ટેસ્ટમાં નહોતા રમ્યા. હવે સિરીઝમાં ઇંગ્લૅન્ડ આગળ ન વધી જાય એની તકેદારી રાખવા આગરકર અને તેની સિલેક્શન કમિટીએ મજબૂત સ્ક્વૉડ રોહિતને આપવી પડશે.
કૉમેન્ટેટર કેવિન પીટરસને કહ્યું હતું કે કોહલીને ટીમમાં પાછા લાવવા ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે ડ્રેસિંગ-રૂમમાં દ્રવિડે ઘણી વાર સુધી શ્રેયસ ઐયર સાથે ચર્ચા કરી હતી. એવું મનાય છે કે જો કોહલી કમબૅક કરશે તો શ્રેયસને બેસાડી દેવામાં આવશે.