સ્પોર્ટસ

વર્લ્ડ કપ પછી ભારતની ‘બી’ ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે જશે

હરારે: આગામી જૂનના છેલ્લા અઠવાડિયામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાનારો ટી-20 વર્લ્ડ કપ પૂરો થયા પછી થોડા જ દિવસમાં ઝિમ્બાબ્વેમાં ભારતની પાંચ મૅચની ટી-20 સિરીઝ યોજાશે અને એ માટે ભારતનો કાર્યક્રમ અત્યારથી તૈયાર થઈ રહ્યો છે.

થોડા વર્ષોથી ભારત પોતાની ‘બી’ ગ્રેડની ટીમને ઝિમ્બાબ્વે મોકલી રહી છે અને જુલાઈમાં પણ એવું જ બનશે.
છઠ્ઠી જુલાઈએ ઝિમ્બાબ્વેમાં ભારત-ઝિમ્બાબ્વેની શ્રેણી શરૂ થશે જે 14મી સુધી ચાલશે. એ સિરીઝની પાંચેય ટી-20 મૅચ હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાશે.

આ કાર્યક્રમની જાહેરાત બીસીસીઆઇ તેમ જ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે દ્વારા મંગળવારે કરવામાં આવી હતી. આ શ્રેણી યોજવા પાછળનો બન્ને બોર્ડનો મુખ્ય ઉદ્દેશ ક્રિકેટમાં બેઉ રાષ્ટ્રો વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવાનો અને ક્રિકેટની ભાવનાને જાળવી રાખવાનો છે.

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ‘જાગતિક ક્રિકેટલક્ષી સમુદાયમાં યોગદાન આપવાની બાબતમાં ભારત હંમેશાં પ્રણેતા રહ્યું છે. અમે જાણીએ છીએ કે ઝિમ્બાબ્વેમાં ક્રિકેટ નવસર્જિત સમયકાળમાં છે અને એ સંદર્ભમાં ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડને ભારતના સપોર્ટની જરૂર છે.’

ભારતીય ટીમ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરે ત્યારે ઝિમ્બાબ્વેના આખા વર્ષ જેટલી ટીવી પ્રસારણની આવક એના બોર્ડને થઈ જતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button