બિહારમાં ગેરકાયદે રેતી ખનન કેસમાં ઇડીની મોટી કાર્યવાહીઃ જેડીયુના નેતાની 26 કરોડની સંપત્તિ જપ્ત
નવી દિલ્હીઃ બિહારમાં કથિત ગેરકાયદે રેતી ખનનના કેસમાં તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાજ્ય વિધાન પરિષદના સભ્ય અને જેડીયુ (જનતા દળ યુનાઈટેડ)ના નેતા રાધા ચરણ સાહની 26 કરોડ રૂપિયાની કિંમતની બે સ્થાવર મિલકતો જપ્ત કરી છે, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
બિહાર પોલીસે ‘બ્રોડ સન કોમોડિટી પ્રાઈવેટ લિમિટેડ’ અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને બિહાર મિનરલ (પ્રિવેન્શન ઓફ કન્સેશન, ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો 2019ની વિવિધ કલમો હેઠળ કુલ 19 એફઆઈઆર નોંધી હતી. જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી.
ઇડીએ દાવો કર્યો હતો કે તપાસમાં બહાર આવ્યું હતું કે રેતીના ગેરકાયદે વેચાણ અને તેના ખનન પર મુખ્યત્વે એક ગેંગનું નિયંત્રણ હતું અને આ ગેંગના સભ્ય રાધા ચરણ ‘સાહ બ્રોડ સન કોમોડિટીઝ પ્રાઈવેટ લિમિટેડ’ના માધ્યમથી કમાણી કરી રહ્યા હતા.
ઇડીએ જણાવ્યું હતું કે રાધા ચરણ સાહે ગુનાની આવક છૂપાવી હતી અને હવાલા નેટવર્કનો ઉપયોગ કરીને તેમના પુત્ર કન્હૈયા પ્રસાદની મદદથી નાણાંની લોન્ડરિંગ કરી હતી.
ઇડીએ જણાવ્યું હતું કે ‘બ્રોડ સન કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ’ બિહારની માઇનિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ વિભાગીય પ્રી-પેઇડ ટ્રાન્સપોર્ટ ઇ-ચલણનો ઉપયોગ કર્યા વિના ગેરકાયદેસર રેતી ખનન અને રેતીના વેચાણમાં સામેલ છે અને તેનાથી સરકારી તિજોરીને 161.15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ઈડીએ ગયા વર્ષે સાહ, તેમના પુત્ર કન્હૈયા પ્રસાદ અને બ્રોડ સન કોમોડિટીઝના ડિરેક્ટર મિથિલેશ કુમાર સિંહ, બબન સિંહ અને સુરેન્દ્ર કુમાર જિંદાલની ધરપકડ કરી હતી અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં છે.