Harda Firecracker Factory Blast: મધ્યપ્રદેશના હરદામાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગને પગલે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 90થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ આંકડો હજુપણ આગળ વધી શકે છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇન્દોર (Indore), નર્મદાપુરમ (Narmadapuram) અને ભોપાલ (Bhopal)ની હોસ્પિટલોમાં મોકલી દેવામાં આવ્યા છે.
સીએમ મોહન યાદવે (Mohan Yadav) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ રાહતકાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે ઇમરજન્સી બેઠક બોલાવીને અમુક પ્રધાનોને હરદા રવાના થવાનો આદેશ આપી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મધ્યપ્રદેશની સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારના ભરણપોષણની જવાબદારી, તેમજ તેમના બાળકોના ભણતરની જવાબદારી સરકાર ઉઠાવશે તેવી મોહન યાદવ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે.
મહત્વનું છે કે પીએમ મોદીએ પણ સમગ્ર દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. અસર પામેલા તમામને સ્થાનિક તંત્ર મદદ કરી રહ્યું છે. વડા પ્રધાન રાહત નિધિમાંથી દરેક મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય અપાશે.”
દુર્ઘટના અંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાનો શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ અને કમલનાથ, તથા કેબિનેટ પ્રધાન પ્રહલાદ પટેલ સહિત તમામ અગ્રણી નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. દિગ્વિજય સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજ્ય સરકારે દરેકનો સહકાર લેવો જોઈએ અને બને તેટલા અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવી જોઈએ. હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
સીએમ મોહન યાદવે પણ Xની પોસ્ટમાં કહ્યું હતું કે સરકાર સતત રાહત અને બચાવ કાર્યોમાં લાગેલી છે. દરેક પરિવારને રાજ્ય સરકાર તરફથી 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે. ગૃહ સચિવ પોતે તપાસ કરીને અહેવાલ રજૂ કરશે. જે કોઇપણ દોષિત હશે તેને બક્ષવામાં નહી આવે. દુર્ઘટનાની તપાસ અંગે સમિતિની પણ રચના કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે.
દુર્ઘટના એટલી મોટી અને ભયાનક છે કે સતત બ્લાસ્ટ પર બ્લાસ્ટ થવાને પગલે ફેક્ટરીની બહાર રસ્તા પર જે વાહનો હતા તે પણ ઉછળીને દૂર પડી ગયા. તે સમયે રસ્તા પર જે લોકો હતા તેઓ પણ આગની અડફેટે આવી જતા મોતને ભેટ્યા. હરદા કલેક્ટર મુજબ ઓછામાં ઓછા 20થી 25 લોકો તે સમયે જ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. NDRF-SDRFની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગની જ્વાળાએ ફેક્ટરીની આસપાસના અંદાજે 60 ઘરોને લપેટામાં લીધા હતા, સ્થાનિક તંત્રએ 100થી વધુ ઘરોને ખાલી કરાવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
હરદાથી ભોપાલ વચ્ચે ગ્રીન કોરિડોર બનાવીને ઇજાગ્રસ્તોને સતત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. AIIMS ભોપાલમાં પણ અમુક દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા. હરદામાં એમ્બ્યુલન્સોની અછત સર્જાવાને પગલે ભોપાલ, ઇન્દોર, નર્મદાપુરમ તમામ જગ્યાએથી વધારાની એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. ભોપાલ અને ઇન્દોરની મેડિકલ કોલેજને પણ તૈયાર રહેવા જણાવાયું હતું.
આ દુર્ઘટના મુદ્દે હરદાના ધારાસભ્ય રામ કિશોર ડોગણેના નેતૃત્વમાં 2 સભ્યોની તપાસ સમિતિની રચના કરાઇ છે. આ સમિતિના સભ્યો દુર્ઘટનામાં નુકસાનની તપાસ કરશે અને 3 દિવસમાં તેનો રિપોર્ટ આપશે.