સ્પોર્ટસ

બોલો, બીજી ટેસ્ટ હાર્યા પછી ઇંગ્લૅન્ડના ક્રિકેટરો કેમ ભારતમાંથી જતા રહ્યા?

રાજકોટ: ક્રિકેટ મૅચો હવે તો આખું વર્ષ રમાતી હોવાથી અમુક ખેલાડીઓ સતતપણે રમતા રહેતા હોવાથી મહિનાઓ સુધી ઘર-પરિવારથી દૂર થઈ જતા હોય છે. મોટા ભાગે ટૂર્નામેન્ટ કે દ્વિપક્ષી શ્રેણીના શેડ્યૂલ એટલા બધા બિઝી હોય છે કે બે મૅચ વચ્ચે ખેલાડીઓને જાણે શ્ર્વાસ લેવાની પણ ફુરસદ નથી હોતી. ક્યારેક એવું પણ બનતું હોય છે કે ટેસ્ટ-મૅચ જો બે-ત્રણ દિવસમાં પૂરી થઈ જાય તો બન્ને ટીમના ખેલાડીઓને આરામ માટે વધુ બે-ત્રણ દિવસ મળી જાય છે. જોકે બે મૅચ વચ્ચે લાંબુ અંતર હોય એવું બહુ ઓછું બનતું હોય છે.

ભારતમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા આવેલી ઇંગ્લૅન્ડની ટીમ હમણાં મોટી ફુરસદમાં છે. વિશાખાપટ્ટનમમાં ભારત સામેની બીજી ટેસ્ટ ચોથા દિવસે (સોમવાર, પાંચમી ફેબ્રુઆરીએ) પૂરી થઈ ગઈ. હવે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ છેક 15મી ફેબ્રુઆરીએ શરૂ થશે. આ બે મૅચ વચ્ચે 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી (વૅલેન્ટાઇન્સ ડે) સુધીનો એટલે કે 9 દિવસનો લાંબો ગેપ છે.

સ્વાભાવિક રીતે ભારતના કેટલાક ખેલાડીઓ બે-ચાર દિવસ માટે પરિવાર પાસે પહોંચી ગયા હશે, પરંતુ બેન સ્ટૉક્સના નેતૃત્વવાળી ઇંગ્લૅન્ડની ટીમના પ્લેયરો અબુ ધાબી પહોંચી ગયા છે. ત્યાં તેઓ ખાસ તો ગૉલ્ફ રમશે અને થોડી રિક્રીએશનલ ઍક્ટિવિટિઝમાં પણ ભાગ લેશે જેમાં તેઓ 100 ટકા ફિટનેસ પાછી મેળવવાનો પ્રયત્ન કરશે, થાક પૂરેપૂરો ઉતારશે, મનોરંજનના કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને થોડી ક્રિકેટની પ્રૅક્ટિસ પણ કરી લેશે.

તેઓ આ લાંબા બ્રેકમાં ખાસ તો રિલેક્સેશન પર ધ્યાન આપશે કે જેથી ત્રીજી ટેસ્ટમાં સારી રીતે કમબૅક કરીને ભારત સામેની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી શકાય. હા, તેઓ રાજકોટમાં 15મીએ શરૂ થનારી ત્રીજી ટેસ્ટની પહેલાં જ પાછા આવી જશે જેથી કરીને એ મૅચ માટે રાજકોટમાં થોડા દિવસ પ્રૅક્ટિસ કરી શકાય.

કૅપ્ટન બેન સ્ટૉક્સ અને કોચ બ્રેન્ડન મૅક્લમનું એવું માનવું છે કે તેમની ટીમ 2012નું 2024માં પુનરાવર્તન કરી શકે એમ છે. 2012માં ઍલસ્ટર કૂકની ટીમે ભારતમાં ભારતને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યું હતું.

અહીં ખાસ જણાવવાનું કે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ગયા મહિને ભારત આવતાં પહેલાં અબુ ધાબીમાં ગયા હતા જ્યાં તેમણે કૅમ્પમાં સઘન પ્રૅક્ટિસ કરી હતી. એમાં તેમણે ખાસ કરીને ભારતીય સ્પિનરોનો કેવી રીતે સામનો કેવી રીતે કરવો એની ખાસ પ્રૅક્ટિસ કરી હતી. તેઓ હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતી ગયા, પરંતુ બીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના રિવર્સ સ્વિંગ સામે અને કુલદીપ યાદવના સ્પિનના જાદુ સામે તેમણે ઘૂંટણિયા ટેકવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button