કાંદા નહીં, પણ લસણ રડાવે છે: 500 રૂપિયા કિલોનો થયો ભાવ ન છૂટકે કાંદા-લસણ છોડવાનો વારો આવ્યો મધ્યમ વર્ગને
નવી દિલ્હી: માત્ર કાંદા જ ગૃહિણીઓને રડાવે છે એવું નથી, શાકભાજીના આસમાને આંબતા ભાવ પણ ગૃહિણીઓના આંખેથી આંસુ વહાવડાવે એવા થઇ ગયા છે. થોડા વખત પહેલા કાંદાના ઊંચા ભાવોના કારણે સામાન્ય જનતા પરેશાન હતી, પણ હવે લસણના ભાવો અધધ વધી રહ્યા છે.
હજી ત્રણ દિવસ પહેલા લસણના ભાવો મુંબઈ શહેરમાં 400 રૂપિયા કિલોના ભાવે પહોંચ્યા હતા અને હવે દેશના અનેક શહેરોમાં લસણના ભાવ 500 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે.
એક તો શિયાળાની ઋતુ ચાલી રહી છે અને લસણનો ઉપયોગ થાય તેવી વાનગીઓ લોકો બનાવતા હોય છે, પરંતુ લસણના ઊંચા ભાવોના કારણે આ વાનગીઓ બનાવવાથી પણ લોકો અચકાય છે. તે પણ કોલકતાથી માંડીને અમદાવાદ સુધી કોઇપણ શહેર લઇ લો, તેના ભાવો સામાન્ય જનતાની પહોંચથી બહાર થઇ ગયા છે.
લસણના ભાવો વિવિધ શહેરોમાં 450 રૂપિયા કિલોથી માંડીને 500 રૂપિયા કિલો ચાલી રહ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાતના શહેરોમા લસણની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે.
છેલ્લાં પંદર જ દિવસમાં લસણના ભાવોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. 200 રૂપિયે કિલો મળતું લસણ હવે અચાનક 500 રૂપિયાનું થઇ ગયું છે. થોડા સમય પહેલા કાંદાના ભાવો આસમાને પહોંચ્યા હતા. જોકે છેલ્લાં બે મહિનામાં કાંદાના ભાવોમાં 75 ટકા ઘટાડો થયો છે.