રોહિતની જગ્યાએ કેમ હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાયો?: કોચ બાઉચરે કર્યો મોટો ખુલાસો
મુંબઈ: જે કૅપ્ટને ટીમને પાંચ-પાંચ ટાઇટલ અપાવ્યા હોય અને તેની જગ્યાએ બીજી જ કોઈ ટીમના કૅપ્ટનને (ભલે તે ખૂબ સફળ રહ્યો છે તો પણ…) ઓચિંતો જ પોતાની ટીમમાં સમાવવાનો ચોંકાવનારો નિર્ણય લેવામાં આવે તો કોઈ પણ ક્રિકેટચાહકને નવાઈ લાગે જ. મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના કિસ્સામાં આવું જ બન્યું છે. રોહિત શર્માએ એવું તે શું ખોટું કર્યું કે તેની પાસેથી એમઆઇની કૅપ્ટન્સી પાછી લઈ લેવામાં આવી અને ગુજરાત ટાઇટન્સ (જીટી) પાસેથી ટ્રેડ વિન્ડોમાં મેળવવામાં આવેલા હાર્દિક પંડ્યાને સોંપી દેવાઈ?
ભારતીય ક્રિકેટમાં જ નહીં, ફ્રૅન્ચાઇઝી આધારિત લીગ ટૂર્નામેન્ટોના ઇતિહાસમાં પણ આ તૂફાન લાવનારો નિર્ણય કહી શકાય. જોકે જીટીને એક ચૅમ્પિયનની અને એક રનર-અપની ટ્રોફી અપાવનાર સુકાની હાર્દિકની નિયુક્તિની જાહેરાત થઈ એના ગણતરીના દિવસોમાં તે ગંભીર રીતે ઈજા પામ્યો, ભારતીય ક્રિકેટ ટીમથી કામચલાઉ રીતે દૂર થઈ ગયો એટલે ફરી વાતો વહેતી થઈ કે આઇપીએલ-2024માં એમઆઇનું સુકાન રોહિત જ સંભાળશે. સ્ટોરીમાં નવી ટ્વિસ્ટ આવી અને હાર્દિકે પ્રૅક્ટિસ શરૂ કરી એટલે ફરી ચર્ચા થવા લાગી કે એમઆઇના કૅપ્ટનપદે હાર્દિક જ જોવા મળશે અને 36 વર્ષનો રોહિત માત્ર પ્લેયર તરીકે રમશે.
એમઆઇના કરોડો ફૅન્સની મૂંઝવણ વચ્ચે અને આ બધા વળાંકો વચ્ચે સાઉથ આફ્રિકાના મહાન વિકેટકીપર-બૅટર અને એમઆઇના કોચ માર્ક બાઉચરની સ્મૅશ સ્પોર્ટ્સ પૉડકાસ્ટ પર સ્પષ્ટતા આવી છે કે ‘હું માનું છું ત્યાં સુધી આ પૂર્ણપણે ક્રિકેટલક્ષી જ નિર્ણય હતો. અમે તો હાર્દિકને માત્ર ખેલાડી તરીકે એમઆઇમાં પાછો લાવવા ટ્રેડ વિન્ડો તરફ નજર દોડાવી હતી. મારા મતે આ પરિવર્તનનો સમયગાળો છે.
ભારતમાં ઘણા લોકો આ નિર્ણયને બરાબર સમજી નથી શક્યા. લોકો ભાવુક થઈ જતા હોય છે. જોકે આ નિર્ણય ભાવનાઓમાં વહી જવાની કોઈ વાત નથી. ફક્ત ક્રિકેટ સંબંધિત પગલું છે જેનાથી રોહિતમાંથી પ્લેયર તરીકેનો બેસ્ટ પર્ફોર્મન્સ પાછો જોવા મળશે. હેતુ માત્ર એટલો જ છે કે રોહિત મોટી જવાબદારીની બહાર જાય, ક્રિકેટ એન્જૉય કરે અને મોટા સ્કોર્સ નોંધાવે. બીજી રીતે કહીએ તો આઇપીએલના સંદર્ભમાં બીજું ઘણું બધુ હોય છે. એન્ડોર્સમેન્ટ્સને લગતા કામ પણ હોય, ફોટોશૂટ માટે પણ સમય ફાળવવાનો હોય અને માનસિક સ્વસ્થતા પણ હોવી જરૂરી છે.’