નેશનલ

કેન્દ્ર સરકારની ગ્રાહકોને મોટી રાહત, માત્ર આટલી કિંમતે મળશે ‘Bharat Rice’

નવી દિલ્હી: બજારમાં ચોખાના છૂટક ભાવમાં વધારો થઇ રહ્યો છે જેને કારણે સામાન્ય નાગરીકોના ખિસ્સા પર વજન વધી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર તરફથી ગ્રાહકોને મોટી રાહત મળવા જઈ રહી છે. સરકાર આજથી બજારમાં ‘ભારત રાઈસ’ લોન્ચ કરવા જઈ રહી છે. આ સબસિડીવાળા ચોખા 5 કિલો અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ હશે અને માત્ર 29 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચવામાં આવશે.

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તે પહેલા સસ્તા દરે ચોખાનું વેચાણ કરીને સરકાર મતદારોને ખુશ કરવા ઈચ્છે છે. અહેવાલ મુજબ એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં લગભગ 15 ટકાનો વધારો નોંધાયો છે. દરમિયાન સસ્તા ભાવે ‘ભારત દાળ’ અને ‘ભારત આટા’ બાદ હવે કેન્દ્ર સરકાર મોટી રાહત આપતા ભારત ચોખાનું વેચાણ કરવા જઈ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ખાદ્ય પ્રધાન પીયૂષ ગોયલ આજે 6 ફેબ્રુઆરી 2024ના રોજ દિલ્હીમાં ડ્યૂટી રોડ પર ભારત રાઈસ લોન્ચ કરશે.


ભારતમાં રાઈસના વેચાણના પ્રથમ તબક્કામાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) બે સહકારી મંડળીઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) સાથે મળીને કેન્દ્રીય ભંડારને 5 લાખ ટન છૂટક ચોખા વેચાણ માટે આપશે. આ સ્ટોક ગ્રાહકોને પાંચ અને 10 કિલોના પેકિંગમાં વેચવામાં આવશે અને તેની કિંમત 29 રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે.


અહેવાલ મુજબ, ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMMS) દ્વારા ફ્લેટ રેટ પર ચોખાના વેચાણ દરમિયાન મળેલા નબળા પ્રતિસાદ પછી, કેન્દ્ર સરકારે FCI પાસેથી ખરીદેલા ચોખાના છૂટક વેચાણનો નિર્ણય લીધો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને એટલો જ સારો પ્રતિસાદ મળશે જેટલો ભારત આટા અને ભારત દળને મળ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button