ED raid in Delhi: EDની મોટી કાર્યવાહી, કેજરીવાલના પર્સનલ સેક્રેટરી અને AAP નેતાઓના ઘરે દરોડા
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મંગળવારે કથિત દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં મની લોન્ડરિંગ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDના અધિકારીઓએ તપાસના ભાગ રૂપે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમાર અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કેટલાક લોકોના ઘર પર દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી સરકારના પ્રધાન આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર 12થી વધુ સ્થળો પર EDની તપાસ ચાલુ છે. દિલ્હી, ચંદીગઢ અને વારાણસીમાં AAPના કેટલાક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED અધિકારીઓ બિભવ કુમાર, દિલ્હી જલ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શલભ કુમાર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ નારાયણ દાસ ગુપ્તા સહિત અન્ય કેટલાક લોકોના ઘરની તપાસ કરી રહ્યા છે.
ED દિલ્હી જલ બોર્ડની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અંગે તપાસ કરી રહી છે. ED CBIની FIR અને દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ના આધારે કાર્યવાહી કરી રહી છે. CBIની FIRમાં આરોપ છે કે દિલ્હી જલ બોર્ડના અધિકારીઓએ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટરના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ટેન્ડર આપતી વખતે એક કંપનીની તરફેણ કરી હતી.
આ દરોડા પર દિલ્હી સરકારના પ્રધાન આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે અમે ડરવાના નથી. હજુ સુધી એક રૂપિયો પણ રિકવર થયો નથી. હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. આરોપીઓને સરકારી સાક્ષીઓ તરીકે ઉપયોગ કરીને સમગ્ર ED કેસ ચલાવી રહી છે. આજે હું ખુલાસો કરવા જઈ રહી છું કે EDએ આ તમામ નિવેદનો છેતરપિંડીથી લીધા હતા. એક સાક્ષીએ કહ્યું કે EDના લોકોએ તેને એટલી જોરથી થપ્પડ મારી કે કાનનો પડદો ફાટી ગયો. એક સાક્ષીએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે જો તમે નેતાઓ વિરુદ્ધ નિવેદન ના આપો તો તમારી દીકરી કોલેજ નહીં જઈ શકે. લોકોને ડરાવી-ધમકાવીને ખોટા નિવેદનો પર સહી કરાવવામાં આવી હતી.