![Indian cricket team England Series Shubman Gill KL Rahul Virat Kohli](/wp-content/uploads/2024/02/india-vs-england-test.webp)
ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. હજુ સુધી રમાયેલી બે મેચમાંથી બંને ટીમે 1-1 મેચમાં જીત મળેવી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી જ્યારે બીજી મેચમાં ભારતીય ટીમે 106 રને જીત મેળવી હતી. સિરીઝની ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે, બંને ટીમને લગભગ 9 દિવસનો વિરામ મળ્યો છે. પરંતુ આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો નિર્ણય લેવાનો છે.
ચીફ સિલેક્ટર અજીત અગરકરના નેતૃત્વમાં આગામી ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની પસંદગી થવાની છે. સુત્રોના જણાવ્યા મુજબ આજે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે. જેમાં તમામની નજર રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, શુભમન ગિલ અને કેએલ રાહુલ પર રહેશે.
અહેવાલો મુજબ વિરાટ કોહલી, કેએલ રાહુલ અને શુભમન ગિલ છેલ્લી ત્રણ મેચો માટે ટીમમાં હશે. વિરાટે અંગત કારણોસર પ્રથમ બે મેચમાંથી બ્રેક લીધો હતો. જ્યારે રાહુલ ઈજાના કારણે બીજી મેચ રમ્યો ન હતો. પરંતુ તેની ઈજાને વધારે ગંભીર નથી, તેણે 2023માં જાંઘની સર્જરી કરાવી હતી અને એટલે આ દુ:ખાવો થયો છે. રાહુલ જલ્દી સ્વસ્થ થઈ જશે એવી આશા છે અને 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.
બીજી ટેસ્ટમાં સદી ફટકારનાર શુભમન ગિલને બીજા દિવસે ફિલ્ડિંગ કરતી વખતે જમણા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ગિલને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને બીજી ઈનિંગમાં બેટિંગ કરી. પરંતુ તે બીજી ઇનિંગ્સમાં ફિલ્ડિંગ માટે આવ્યો ન હતો. તેમની જગ્યાએ સરફરાઝ ખાન મેદાનમાં ઉતાર્યો હતો. પરંતુ મેચ બાદ શુભમને કહ્યું કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. આવી સ્થિતિમાં તે આગામી ટેસ્ટમાં રમે તેવી આશા છે.
બીજી તરફ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. હૈદરાબાદ ટેસ્ટ મેચમાં જાડેજાને હેમસ્ટ્રિંગની સમસ્યા હતી. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો હતો. સામાન્ય રીતે હેમસ્ટ્રિંગની સમસ્યાને ઠીક થવામાં ઓછામાં ઓછા 4 થી 8 અઠવાડિયાનો સમય લાગે છે.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ વર્લ્ડ કપ 2023થી પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, શમી હજુ સુધી ફિટ નથી. શમી લંડનમાં છે અને તેની સર્જરી અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. શમીને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગી શકે છે. હવે શમી હવે IPL 2024 સીઝનમાં બોલિંગ કરતો જોવા મળી શકે છે.