સરકારી પરીક્ષામાં ગેરરીતિ: ખરડો લોકસભામાં રજૂ
નવી દિલ્હી: કેન્દ્રે સરકારી પરીક્ષામાં પેપર ફોડવા, ખોટી વૅબસાઇટ્સ બનાવવા સહિતની આચરવામાં આવતી ગેરરીતિ રોકવાની જોગવાઇ ધરાવતો ખરડો સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો.
ખરડામાં ગુનેગારોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા એક કરોડ સુધીના દંડની જોગવાઇ છે.
કેન્દ્ર સરકાર અને તેની વિવિધ એજન્સી દ્વારા યોજાતી સાર્વજનિક પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનારાઓને સજા કે દંડ અથવા તે બન્ને કરવાની જોગવાઇ ધરાવતો કોઇ ચોક્કસ કાયદો હાલમાં નથી.
કેન્દ્રના સરકારી કર્મચારીઓ માટેના મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે `સાર્વજનિક પરીક્ષા (ગેરરીતિ રોકવી) ખરડો, 2024′ લોકસભામાં રજૂ કર્યો હતો. તેમાં પ્રશ્નપત્ર કે તેના જવાબને પરીક્ષાની અગાઉથી જાહેર કરવાના, પરીક્ષાર્થીને સીધી કે આડકતરી રીતે ખોટી સહાય કરવાના, સંબંધિત કમ્પ્યૂટર નેટવર્ક કે કમ્પ્યૂટર સ્રોત અથવા કમ્પ્યૂટર સિસ્ટમ સાથે ચેડાં કરવાના ગુનામાં દોષિત વ્યક્તિ કે સંસ્થાઓને સજા અને દંડ કરવાની કડક જોગવાઇ છે.
નાણાં કમાવવા ખોટી વૅબસાઇટ બનાવવાના, પરીક્ષા માટેના ખોટા પ્રવેશપત્ર (એડમિટ કાર્ડ) કે ઑફર લૅટર આપવાના, પરીક્ષાર્થીના લાભાર્થે પરીક્ષાની તારીખો બદલવાના ગુના બદલ પણ સજા અને દંડની જોગવાઇ સંબંધિત ખરડામાં કરાઇ છે.
સરકારી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા ગુનેગારોને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદની જોગવાઇ આ ખરડામાં છે, પરંતુ આ સજા પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
ખરડામાં યુનિયન સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રિક્ૂટમેન્ટ બૉર્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ બૅન્કિંગ પર્સનેલ સિલેક્શન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સહિતની પરીક્ષાને આવરી લેવાઇ છે. (એજન્સી)