શ્વાસની સમસ્યા સર્જતા અસ્થમાને ઓળખીએ
સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક
શિયાળાનું ધુમ્મસભર્યું કે ઠંડું વાતાવરણ હોય, ચોમાસાનું ભેજવાળું વાતાવરણ હોય અથવા પ્રદૂષણને કારણે બગડેલી હવા હોય; આ બધા સંજોગોમાં જે લોકો સૌથી વધુ સહન કરે છે, તે છે અસ્થમાના દર્દીઓ. અસ્થમા, જેને આપણે ગુજરાતીમાં દમ અથવા શ્વાસની બીમારી તરીકે પણ ઓળખીએ છીએ. અસ્થમા એ વૈશ્વિક સ્તરે બાળકો અને કિશોરોમાં સૌથી સામાન્ય ક્રોનિક રોગ છે અને પુખ્ત વયના લોકોમાં સૌથી સામાન્ય ક્રોનિક રોગોમાંનો એક છે. અસ્થમાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વ્હુ) અને અન્ય હિતધારકો દ્વારા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ગરીબીના કારણ અને અસર બંને તરીકે ઓળખવામાં આવે છે. અનિયંત્રિત અસ્થમાવાળાં બાળકો અને કિશોરો શિક્ષણથી ચૂકી જાય છે, પુખ્ત વયના લોકો કામની તકો ગુમાવે છે અને આ બધાને શ્વસન સંબંધી લક્ષણો, આરોગ્ય અને સુખાકારી પર પ્રતિકૂળ અસરો, દવાઓના ખર્ચ અને કટોકટી વિભાગની મુલાકાતો, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ સાથે સંકળાયેલાં કેટલાંક સંયોજનો દ્વારા અસર થાય છે. લગભગ 96 ટકા વૈશ્વિક અસ્થમા મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોમાં થાય છે.
ભારતમાં અસ્થમાનો દર ઊંચો અને વધતો: ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ રિપોર્ટ 2019 મુજબ, ભાર, વિકલાંગતારૂપ જીવન વર્ષો અને અસ્થમા સંબંધિત મૃત્યુની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પહેલા નંબર પર છે! ભારતમાં 34 મિલિયનથી વધુ લોકોને અસ્થમા છે, અને જો કે આ વિશ્વની માત્ર 13 ટકા વસ્તી છે, પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે વૈશ્વિક અસ્થમાના 42 ટકા મૃત્યુ ભારતમાં થાય છે. ગ્લોબલ અસ્થમા રિપોર્ટ 2018 અનુસાર ભારતની કુલ વસ્તીમાંથી લગભગ 6% બાળકો અને 2% વયસ્કો અસ્થમાથી પીડાય છે. જળવાયું પરિવર્તનને કારણે બદલાતા હવામાનને કારણે, ઉપરાંત માનવ સર્જિત કારણોને કારણે પણ, ભારતનાં શહેરોમાં અસ્થમાની સમસ્યા સામાન્ય બની ચુકી છે અને વકરી રહી છે.
શું છે અસ્થમા?
અસ્થમા એ ફેફસાનો રોગ છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમાના કિસ્સામાં, શ્વસન નળીઓમાં સોજો આવે છે જેના કારણે શ્વસન માર્ગ સાંકડો થઈ જાય છે. શ્વસન માર્ગમાં સંકોચન થવાને કારણે દર્દીને શ્રઅવાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેતી વખતે અવાજ આવવો, છાતી જકડાઈ જવી, ઉધરસ વગેરે શરૂ થાય છે. લક્ષણોના આધારે અસ્થમાના બે પ્રકાર છે – બાહ્ય અને આંતરિક અસ્થમા. બાહ્ય અસ્થમા એ બાહ્ય એલર્જન, જેમ કે ફૂલોની પરાગ, પ્રાણીઓ અથવા ધૂળ માટે પ્રતિરક્ષા પ્રતિભાવ છે. આંતરિક અસ્થમા અમુક રાસાયણિક પદાર્થો જેમ કે સિગારેટનો ધુમાડો, રંગની વરાળ વગેરે શ્વાસમાં લેવાથી થાય છે.
અસ્થમાના પ્રકારો
અસ્થમાનાં કારણો, ઉપરાંત વય અને વ્યવસાયને આધારે અસ્થમાને તે મુજબ વર્ગીકૃત કરાય છે. જેમકે,
એલર્જીક અસ્થમા : કોઈ ખાસ વસ્તુની એલર્જી હોય છે, જેમ કે ધૂળના સંપર્કમાં આવતા જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા હવામાનમાં ફેરફાર પણ અસ્થમાનું કારણ બની શકે છે.
બિન-એલર્જીક અસ્થમા : આવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ તણાવમાં હોય અથવા તેને ઘણી શરદી કે ઉધરસ હોય.
મિશ્ર અસ્થમા : આ પ્રકારનો અસ્થમા કોઈપણ કારણોસર થઈ શકે છે. ક્યારેક આ અસ્થમા એલર્જીના કારણે હોય છે તો ક્યારેક બિન-એલર્જીક કારણોસર. એટલું જ નહીં, આ પ્રકારના અસ્થમાનાં કારણોને શોધવાનું પણ થોડું મુશ્કેલ છે.
કસરત પ્રેરિત અસ્થમા : ઘણા લોકોને વ્યાયામ અથવા વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે અસ્થમા થાય છે, જ્યારે ઘણા લોકો જ્યારે તેમની ક્ષમતાથી વધુ કામ કરવાનું શરૂ કરે છે ત્યારે અસ્થમાનો શિકાર બને છે.
કફ વેરિઅન્ટ અસ્થમા : ઘણી વખત અસ્થમાનું કારણ ઉધરસ હોય છે. જ્યારે તમે સતત ઉધરસથી પીડાતા હોવ અથવા ઉધરસ દરમિયાન અતિશય કફ બહાર આવે છે, ત્યારે તમને અસ્થમાનો હુમલો આવે છે.
વ્યવસાયિક અસ્થમા: ફેક્ટરીઓમાં કે જ્યાં પ્રદૂષિત અથવા ધૂળભર્યું વાતાવરણ નિર્માણ થતું હોય ત્યાં કામ કરતા લોકોને થતો અસ્થમા આ વર્ગમાં ગણાય છે. અસ્થમાનો આ હુમલો કામ દરમિયાન અચાનક આવે છે. જો તમે એક જ પ્રકારનું કામ નિયમિતપણે કરો છો, તો તમને વારંવાર અસ્થમાનો હુમલો આવવા લાગે છે અથવા તમારા કાર્યસ્થળનું વાતાવરણ તમને અનુકૂળ નથી હોતું જેના કારણે તમે અસ્થમાના શિકાર બનો છો.
નોકટેર્નલ અથવા રાત્રિનો અસ્થમા : આ એક પ્રકારનો અસ્થમા છે જે માત્ર રાત્રે જ થાય છે, એટલે કે જ્યારે તમને ઘણીવાર રાત્રે અસ્થમાનો હુમલો આવવા લાગે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમે નોકટેર્નલ અસ્થમાના શિકાર છો.
મિમિક અસ્થમા : જ્યારે તમને ન્યુમોનિયા, કાર્ડિયાક રોગો જેવા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ રોગ હોય, ત્યારે તમે મિમિક અસ્થમાનો અનુભવ કરી શકો છો. મિમિક અસ્થમા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે સ્વાસ્થ્ય વધારે બગડે છે.
બાળકમાં શરૂઆતનો અસ્થમા : આ અસ્થમાનો પ્રકાર છે જે ફક્ત બાળકોમાં જ થાય છે. જેમ-જેમ બાળક મોટું થાય છે, તેમ-તેમ બાળક આ પ્રકારના અસ્થમામાંથી જાતે જ બહાર આવવા લાગે છે. તે બહુ જોખમી નથી પરંતુ તેની સમયસર સારવાર જરૂરી છે.
પુખ્ત વયનો અસ્થમા : આ અસ્થમા યુવાનીમાં થાય છે. એટલે કે અસ્થમા ઘણીવાર 20 વર્ષની ઉંમર પછી જ થાય છે. આ પ્રકારના અસ્થમા પાછળ ઘણા બધા એલર્જીક કારણો છુપાયેલાં છે. જોકે તેનું મુખ્ય કારણ પ્રદૂષણ, પ્લાસ્ટિક, વધુ પડતી ધૂળ અને પ્રાણીઓ સાથે રહેવું હોય છે.
અસ્થમાનાં કારણો
અસ્થમાનાં ઘણાં કારણો છે.
વારસાગત: અસ્થમાનું મહત્ત્વનું કારણ આનુવંશિકતા છે. જો ઘરમાં કોઈને અસ્થમા હોય તો અન્ય સભ્યોને પણ અસ્થમા થવાની શક્યતા રહે છે.
એલર્જી: અસ્થમાનું મુખ્ય કારણ એલર્જી છે. જો તમને કોઈ વસ્તુથી એલર્જી હોય અને વારંવાર તે વસ્તુના સંપર્કમાં આવો અથવા એલર્જીક વસ્તુઓનું સેવન કરો તો લોહીમાં કેટલાક ઘટકો વધી જાય છે. તેમાં `આઇસોનોફિલ’ નામનું તત્ત્વ વધે છે. જેના કારણે વાયુમાર્ગમાં સોજો આવે છે.
પર્યાવરણીય પરિબળો: પર્યાવરણ અને અસ્થમા વચ્ચે ઊંડો સંબંધ છે. શિયાળો કે ઠંડું વાતાવરણ, ધૂળ અને પ્રદૂષિત વાતાવરણ પણ અસ્થમા માટે અનુકૂળ છે.
વાયુ પ્રદૂષણ: વાયુ પ્રદૂષણથી અસ્થમા પણ થાય છે. આ સિવાય બ્રોન્કાઈટિસ, લાંબી ઉધરસને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
ધૂમ્રપાન: ધૂમ્રપાનથી અસ્થમા થાય છે.
વાઇરલ ઇન્ફેક્શન: આ સિવાય નિયમિત વાયરલ ઇન્ફેક્શન (સ્વાઇન ફ્લૂ અને હવે કોવિડ-19) શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી રહ્યાં છે.
ધૂમ્રપાન સાથે સતત સંપર્ક: જે વ્યક્તિ સતત ધુમાડાના સંપર્કમાં રહે છે, પેઇન્ટિંગના વ્યવસાય અથવા સ્પ્રે પેઇન્ટમાં કામ કરે છે, ખાણોમાં કામ કરે છે, બાંધકામનું કામ કરે છે તેને અસ્થમા થવાની સંભાવના છે. જો કે, તેઓ આ બધાના સંપર્કમાં કેટલો સમય રહે છે, તેની ફેફસાં પર કેટલી અસર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ કેવી છે, તેની પણ દૂરગામી અસર પડે છે.