પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલી આરોપી યુવતી પરેલમાં ઝડપાઈ
બાથરૂમની બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને યુવતી ભાગી ગઈ હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયેલી લૂંટના કેસની આરોપી યુવતીને ક્રાઈમ બ્રાન્ચે પરેલ વિસ્તારમાંથી પકડી પાડી હતી. પૂછપરછ દરમિયાન બાથરૂમમાં ગયેલી યુવતી બારીમાંથી બહાર નીકળી પાઈપથી નીચે ઊતરીને ભાગી ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ પકડી પાડેલી આરોપીની ઓળખ શગુન દિલીપ યાદવ ઉર્ફે રાણી (20) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને સાકીનાકા પોલીસના તાબામાં સોંપાઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર લૂંટના કેસમાં રાણીની ધરપકડ કરવામાં આવ્યા પછી તેને સાંતાક્રુઝ લૉકઅપમાં રાખવામાં આવી હતી. કેસ સંબંધી પૂછપરછ માટે ગુરુવારની સવારે તેને સાકીનાકા પોલીસ સ્ટેશને લવાઈ હતી. પહેલા માળે આવેલી લેડીઝ રૂમમાં પૂછપરછ દરમિયાન બપોરે 12.20 વાગ્યે રાણીએ બાથરૂમ જવાનું બહાનું કર્યું હતું.
બાથરૂમના દરવાજાને અંદરથી કડી લગાવી રાણીએ પાણીનો નળ ચાલુ કર્યો હતો, જેથી પાણીના અવાજને કારણે બાથરૂમ બહાર ઊભેલી મહિલા કોન્સ્ટેબલને બારીના કાચ કાઢવાનો અવાજ ન સંભળાય. પછી બારીના કાચ કાઢી ડ્રેનેજ પાઈપથી રાણી નીચે ઊતરીને ફરાર થઈ ગઈ હતી. આ પ્રકરણે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપી યુવતી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી ન હોવાથી તેને ટ્રેસ કરવું મુશ્કેલ હતું. ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમે વિવિધ સ્થળે લાગેલા 60 જેટલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. યુવતી દાદર રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરી હોવાનું નજરે પડતાં પોલીસે દાદર, પરેલ અને હિંદમાતા પરિસરમાં તેની શોધ હાથ ધરી હતી. આખરે રવિવારે યુવતીને પરેલની ટાટા હૉસ્પિટલ નજીકથી તાબામાં લેવાઈ હતી.