નવી દિલ્હીઃ રાજકીય પક્ષોની જેમ ચૂંટણી પંચે (Election commision)2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમવારે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં બાળકો અને સગીરોને સામેલ ન કરવા સૂચના આપી છે. કમિશને કડક સૂચના આપી છે અને કહ્યું છે કે સામાન્ય ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને પ્રચાર પેમ્ફલેટ વહેંચતા, પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા પક્ષના ઝંડા અને બેનરો લઈને નીકળતા જોવા મળવા જોઈએ નહીં.
ચૂંટણી પંચનું કહેવું છે કે બાળકોને ચૂંટણી સંબંધિત કામ અથવા ચૂંટણી પ્રચારની પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનું સ્વીકાર્ય કે સહ્ય નથી. પંચે આપેલી માર્ગદર્શિકામાં બાળકોને કોઈપણ રીતે રાજકીય પ્રચારમાં સામેલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં બાળકો દ્વારા બોલવામાં આવતી કવિતા, ગીતો, સૂત્રો અથવા કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવારના ચિહ્નો દર્શાવવાનો સમાવેશ થાય છે.
પંચે કહ્યું કે જો કોઈ પક્ષ તેના ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને સામેલ કરતો જોવા મળશે તો બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે કાર્યવાહી કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, રાજકીય નેતાની નજીકમાં બાળકની સાથે તેના માતા-પિતા અથવા વાલીની હાજરી હોય તો તેને ચૂંટણી પ્રચાર માનવામાં નહીં અને તેને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન પણ માનવામાં આવશે નહીં.
પોતાની માર્ગદરર્શિકામાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને, પંચે કહ્યું કે સુધારેલા અધિનિયમ, 2016 મુજબ, તમામ રાજકીય પક્ષોએ એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે તેમના પક્ષના ચૂંટણી પ્રચારમાં બાળકો સામેલ ન હોય.
Taboola Feed