મુંબઈ એરપોર્ટ ખાતે સર્જાઈ મોટી ચૂક, જાણો સમગ્ર મામલો?
મુંબઈ: દુબઇથી મુંબઈ આવેલી વિસ્તારા ફ્લાઇટના પ્રવાસીઓને કોઇ પણ જાતના ઇમિગ્રેશન પ્રોસેસ વિના જ મુંબઇ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ખાતે લઇ આવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી.
ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એમાટે સુરક્ષા બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવવામાં આવશે, એમ એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું. વિદેશથી ભારત આવતા પ્રવાસીઓએ ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કરવી અત્યંત જરૂરી છે અને હાલમાં બનેલી ઘટનાએ દેખીતી રીતે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન ગણાય.
આ મુદ્દે કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમુક પ્રવાસીઓને ભૂલથી ઇન્ટનેશનલ એરાઇવલના સ્થાને ડોમેસ્ટિક એરાઇવલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. ત્યાર પછી આ પ્રવાસીઓને સંબંધિત ટર્મિનલ ખાતે ઇન્ટરનેશનલ અરાઇવલની ઔપચારિકતા પૂરી કરવા માટે ઇન્ટરનેશનલ અરાઇવલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોથી ફેબ્રુઆરીના રોજ દુબઇથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઇટ યુકે 202ના અમુક પ્રવાસીઓને ભૂલથી ઇન્ટરનેશનલ એરાઇવલ્સના સ્થાને ડોમેસ્ટિક એરાઇવલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યોરિટી (બીસીએએસ) દ્વારા આ અંગે તાત્કાલિક ધોરણે કોઇપણ પ્રકારનું નિવેદન બહાર પાડવામાં આવ્યું નહોતું.
જોકે, પછીથી પથી જ ઔપચારિકતા અને સુરક્ષા તપાસ પૂરી થાય એ માટે સુરક્ષા એજન્સીઓ અને અન્ય ટીમોએ સાથે મળીને કામ કર્યું હોવાનું એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ભવિષ્યમાં આ પ્રકારની ચૂક ન થાય એ માટે સ્ટેન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર વધુ ચુસ્ત બનાવવામાં આવી રહી હોવાનું એરલાઇને જણાવ્યું હતું.