પાકિસ્તાનની પોલ ખૂલી, ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર થયો આતંકવાદી હુમલો
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે.
ડેરા ઈસ્માઈલ ખાને જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેમાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને ડેરા ઈસ્માઈલ ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનામાં પોલીસ સ્ટેશન પર સવારે 3ના સુમારે ઘણા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આતંકીઓ તેમના કેટલાક સાથીઓને છોડાવવામાં પણ સફળ રહ્યા હતા.તેમજ પરત જતી વખતે તેઓએ પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા હતા. આ હુમલા બાદ હવે એ પ્રશ્ર્ન થાય છે કે જ્યાં પોલીસ સુરક્ષિત નથી ત્યાં સામાન્ય પ્રજા કેવી રીતે સુરક્ષિત રહી શકે છે.
તેમાં પણ ખાસ બાબત એ છે કે જ્યારા પણ ચૂંટણી આવે છે તે પહેલા આવા આતંકવાદી હુમલાઓ પાકિસ્તાનમાં એક સામાન્ય બાબત બની ગઈ છે. પાક પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તેમજ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ સાથે રેપિડ એક્શન ફોર્સ પણ સ્થળ પર તહેનાત કરવામાં આવી છે..
મોડી રાત્રે જ્યારે પોલીસ સ્ટેશનના મોટાભાગના પોલીસકર્મીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ હુમલા પહેલા સ્નાઈપર ફાયરિંગ કર્યું અને પછી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં તહેનાત પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
હુમલા બાદ તરત જ દક્ષિણ વઝીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ ટેન્ક અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ઘણી ટીમો મોટા પાયે આતંકવાદીઓને શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જૂથનો હાથ હોઈ શકે છે, જો કે હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે તેની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આવા આતંકવાદી હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદીઓનું પ્રિય સ્થળ છે.