મેરઠમાંથી પાકિસ્તાનનો એજન્ટ પકડાયો
લખનઊ: ઉત્તર પ્રદેશની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ રશિયાના મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરવાની સાથે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ)ના એજન્ટ તરીકે પણ કામ કરતી એક વ્યક્તિની મેરઠમાંથી ધરપકડ કરી હતી.
મોસ્કોમાંની ભારતીય એલચી કચેરીમાં કામ કરતી આ વ્યક્તિએ ભારતના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતના લશ્કરની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસૂસી
સંસ્થાને પહોંચાડી હોવાનું કહેવાય છે.
હાપુડ જિલ્લાના પોલીસ સ્ટેશન હેઠળના શાહમોહિઉદ્દીનપુરના રહેવાસી જયવીર સિંહના દીકરા સત્યેન્દ્ર સિવાલની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ ધરપકડ કરી હતી.
સત્યેન્દ્ર સિવાલ ભારતના વિદેશ મંત્રાલયમાં કામ કરતો હતો અને તે રશિયામાં મોસ્કો ખાતેની ભારતની એલચી કચેરીમાં ફરજ બજાવતો હતો.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ભારતના વિદેશ મંત્રાલયમાંના અમુક લોકોને લાલચ આપીને સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી તેઓ પાસેથી મેળવતી હોવાની જાણકારી મળ્યા બાદ આ ધરપકડ કરાઇ હતી.
અગાઉ, સત્યેન્દ્ર સિવાલને મેરઠમાંની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ તે સવાલોના સંતોષકારક જવાબો આપી નહોતો શક્યો અને બાદમાં તેણે ગુનો કબૂલ કર્યો હતો.
સત્યેન્દ્ર સિવાલની સામે લખનઊમાં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાયો હતો. તે રશિયાના મોસ્કોમાંની ભારતીય એલચી કચેરી માટે ‘ઇન્ડિયા બેઝ્ડ સિક્યોરિટી આસિસ્ટન્ટ’ તરીકે ૨૦૨૧થી ફરજ બજાવતો હતો. (એજન્સી)