બિહારમાં ‘સત્તાની સાઠમારી’: ૧૨મીએ સરકારની કસોટી
કૉંગ્રેસે ‘પક્ષપલટા’ના ભયથી વિધાનસભ્યોને હૈદરાબાદ મોકલ્યા
પટણા: બિહારમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાનસભામાં પોતાની સરકારની બહુમતી ૧૨ ફેબ્રુઆરીએ સાબિત કરવાની છે, પણ તેની પહેલા જ ‘ખુરશીની ખેંચતાણ’ અને ‘રાજકીય રમત’ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસ પક્ષ પોતાના વિધાનસભ્યો બીજા કોઇ વિરોધી કે હરીફ પક્ષની લાલચમાં આવીને પોતાની પક્ષ પ્રત્યેની વફાદારી છોડી ન દે, તે માટે પોતાના વિધાનસભ્યોને બિહારથી હૈદરાબાદ લઇ ગયો છે.
નીતીશ કુમાર પાસે હાલમાં બહુમતી માટે જરૂરી વિધાનસભ્યોની સંખ્યા કરતાં છ વિધાનસભ્ય વધુ છે, પરંતુ તેજસ્વી યાદવે ‘હજી રાજકીય ખેલ બાકી છે’ એવું કહેતું નિવેદન કરીને રાજકીય ગૂંચવણ વધારી દીધી છે.
દિલ્હીમાં બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની એક બેઠક થઇ હતી. તેમાં પક્ષના ૧૯ વિધાનસભ્યમાંથી ૧૭ હાજર રહ્યા હતા અને તેઓને હૈદરાબાદ મોકલવાનો નિર્ણય લેવાયો હતો.
કૉંગ્રેસના નેતાઓ સંપત કુમાર, હરકારા વેણુગોપાલ અને માલરેડ્ડી રામરેડ્ડી બિહાર કૉંગ્રેસના વિધાનસભ્યોની સાથે સંકલન કરી રહ્યા છે.
અગાઉ, નીતીશ કુમારે ૨૮ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યે આઠ પ્રધાનની સાથે મુખ્ય પ્રધાનના હોદ્દા અને ગુપ્તતાના શપથ ફરી લીધા હતા. બિહારના નવા પ્રધાનમંડળમાં બે નાયબ મુખ્ય પ્રધાનો – વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી, વિજયકુમાર ચૌધરી, ડૉ. પ્રેમકુમાર, બ્રિજેન્દ્રપ્રસાદ યાદવ, સુમિતકુમાર સિંહ, સંતોષકુમાર અને શ્રવણકુમારનો સમાવેશ કરાયો છે.
બિહાર વિધાનસભાના નવા સ્પીકર (અધ્યક્ષ)ની ચૂંટણી પણ ૧૨ ફેબ્રુઆરીએ જ થવાની છે.
બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ બેઠક છે, તેમાં વિપક્ષો – રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના ૭૯, કૉંગ્રેસના ૧૯, માર્ક્સવાદી લેનિનવાદી પક્ષના ૧૨, સામ્યવાદી પક્ષના બે, માર્ક્સવાદી પક્ષના બે, એઆઇએમઆઇએમના એક વિધાનસભ્ય છે, જ્યારે એનડીએમાં ભાજપના ૭૮, જનતા દળ (યુનાઇટેડ)ના ૪૫, હિંદુસ્તાની અવામ મોરચાના ચાર અને અપક્ષના એક વિધાનસભ્ય છે.
અગાઉ, ઝારખંડના ૩૭ વિધાનસભ્યને પણ હૈદરાબાદ લવાયા હતા. બાદમાં તેઓને હૈદરાબાદના શમશાબાદ વિમાનમથકેથી ખાસ વિમાનમાં પાછા ઝારખંડ લઇ જવાયા હતા. ઝારખંડની સરકાર માટે વિધાનસભામાં બહુમતી સાબિત કરવા સોમવાર અને મંગળવારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવાયું છે અને પાંચમીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે મતદાન થવાનું છે. (એજન્સી)