‘વૈષ્ણવ જન’ અને ગીતામાં ભક્તના લક્ષણ

વિશેષ -રાજેશ યાજ્ઞિક
અગાઉ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રમાણે ચાર પ્રકારના ભક્ત વિશે જાણ્યું. હવે આપણે આગળ જાણીએ કે ભગવાને શ્રી ગીતાજીમાં ભક્તમાં કેવા લક્ષણો હોય છે તે માટે શું કહ્યું છે. અને કઈ રીતે નરસિંહ મહેતાના પદ વૈષ્ણવ જનમાં તેનું પ્રતિબિંબ ઝીલાયું છે.
સંતો વિશે વારંવાર એમ કહેવાય છે કે તેઓ અભણ હતા. પણ હકીકત એ છે કે તેમની પાસે માત્ર અક્ષરજ્ઞાન ઓછું હતું, પણ તેઓ જ્ઞાની તો હતાં જ. આપણા સંતોના ભજનો, પદોમાં જે ફિલસૂફી, તત્ત્વજ્ઞાન, ધર્મની વાતો ગૂંથાયેલી છે તેમને સમજ્યા પછી પણ તેમને અભણ કહેનારના પોતાના જ્ઞાન પર શંકા કરવા જેવું છે. તેનું ઉત્તમ ઉદાહરણ એટલે નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન પદ. આ પદમાં “વૈષ્ણવના જે લક્ષણો ગાયા છે એ શ્રી ગીતાજીના બારમા અધ્યાયમાં સ્વયં ભગવાન કૃષ્ણે અર્જુનને કહેલા લક્ષણો છે. તેનાથી જ સમજી શકાય છે કે આપણા ભક્ત કવિઓ અને સંતોનું જ્ઞાન કેટલું અગાધ અને ઊંડું હતું.
ગીતાના અધ્યાય ૧૨ ના ૭ શ્ર્લોક ૧૩ થી ૧૯ માં, ભગવાને ભક્તો (મનુષ્ય) ના ૩૯ લક્ષણો આપ્યા છે જે ભગવાનને પ્રિય છે. ઉદાહરણ તરીકે, શ્ર્લોક ૧૩-૧૪માં ૧૨ લક્ષણોનો ઉલ્લેખ છે, શ્ર્લોક ૧૫માં ૬ લક્ષણોનો ઉલ્લેખ છે, ૬ લક્ષણોનો ઉલ્લેખ શ્ર્લોક ૧૬માં છે, ૫ લક્ષણોનો શ્ર્લોક ૧૭માં ઉલ્લેખ છે અને ૧૦ લક્ષણોનો ઉલ્લેખ શ્ર્લોક ૧૮-૧૯માં છે. આપણે આ લક્ષણોને પાંચ અલગ અલગ વિભાગો હેઠળ ધ્યાનમાં લઈ શકીએ છીએ. જો કોઈ વ્યક્તિ (ભક્ત) માં આ પાંચ વિભાગોની તમામ ૩૯ વિશેષતાઓ હોય, તો તે ખૂબ જ ઉચ્ચકક્ષાનો સિદ્ધ અને ભગવાનને ખૂબ જ પ્રિય છે. પરંતુ જો સાધક આ ૫ વિભાગોમાંથી એક પણ લક્ષણ પોતાની અંદર આત્મસાત્ કરે અને તેને પોતાના વર્તનમાં લાવે તો તે ભગવાનને પણ પ્રિય બને છે તેમ ભગવાને વિવિધ શ્ર્લોકોમાં લક્ષણો અપનાવવા વિશે કહ્યું છે. પાંચ અલગ અલગ સમયે તેવા ભક્તને ભગવાને પોતાનો પ્રિય કહ્યો છે. તો, નરસિંહ મહેતાએ કેવા વ્યક્તિને “વૈષ્ણવ જન કહ્યા છે? ભક્ત કવિએ પોતાના પદમાં પણ વૈષ્ણવ જનના ૧૭ લક્ષણો જણાવ્યા છે.
શ્રી ગીતાજીના બારમા અધ્યાયના શ્ર્લોક ૧૩ અને ૧૪માં ભગવાન કહે છે,
અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર: કરુણ એવ ચ
નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી
સંતુષ્ટ: સતતં યોગી યતાત્મા દૃઢનિશ્ર્ચય:
મય્યર્પિતમનોબુદ્ધિર્યો મદ્ભક્ત: સ મે પ્રિય:
ઉપરોક્ત પંક્તિઓમાં, ભગવાને તેમના પ્રિય ભક્ત (મનુષ્ય) ના નીચેના ૧૨ લક્ષણોનું વર્ણન કર્યું છે.
૧. જે વ્યક્તિ તમામ ભૂત-પ્રેત પ્રત્યે દ્વેષથી મુક્ત હોય છે એટલે કે તેને કોઈના પ્રત્યે દ્વેષ નથી હોતો.
૨. નિ:સ્વાર્થ હોય, એટલે કે, તમે તમારી ફરજ નિ:સ્વાર્થપણે જન કલ્યાણને ધ્યાનમાં રાખીને બજાવો.
૩. દરેકના પ્રેમી હોય એટલે કે તમે દરેક સાથે પ્રેમથી વર્તે.
૪. દયાળુ હોય, એટલે કે તમે દરેક પ્રત્યે અને ખાસ કરીને દુ:ખી પ્રત્યે દયા રાખે.
૫. આસક્તિથી રહિત હોય એટલે કે દુનિયાની કોઈપણ વસ્તુ કે પોતાના શરીર વગેરેમાં આસક્તિ કે હુંપણું કે મારાપણું ન રાખે.
૬. અહંકારથી મુક્ત હોય એટલે કે કર્તા હોવાનો અહંકાર પણ ન હોવો જોઈએ.
૭. સુખ અને દુ:ખની પ્રાપ્તિમાં સમાન ચિત્તવાળા હોય.
૮. ક્ષમાશીલ હોય, એટલે કે, જો કોઈ વ્યક્તિ નુકસાન કરે છે અથવા ગુનો કરે છે, તો પણ તમારામાં તે વ્યક્તિને માફ કરવાની લાગણી રહે.
૯. સતત સંતુષ્ટ રહે છે.
૧૦. તમે મન અને ઇન્દ્રિયો સહિત તમારા શરીરને નિયંત્રિત કરો છો. એટલે કે જેનું મન અને ઇન્દ્રિયો તેના નિયંત્રણમાં છે.
૧૧. જેને ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા છે એટલે કે જેને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેને દુનિયા કે ભૌતિક વસ્તુઓ પ્રત્યે કોઈ લગાવ નથી.
૧૨. જેણે પોતાનું મન અને બુદ્ધિ ભગવાનને સોંપી દીધી છે, એટલે કે જેનું મન અને બુદ્ધિ ભગવાનના ચિંતનમાં મગ્ન રહે છે.
વૈષ્ણવ જનની વ્યાખ્યા કેવી મળતી આવે છે. નરસિંહ મહેતા કહે છે, “સમદ્રષ્ટિ હોય અને “જે પીડ પરાયી જાણે રે…, વૈષ્ણવ જન “સકળ લોકમાં સહુને વંદે, અને “પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે અર્થાત્ ભગવાને ગીતાજીમાં કહ્યું છે તેમ પ્રત્યેક કર્મ ભગવાનનું કર્મ સમજીને કરે જેથી નિરાભિમાની રહી શકાય. નરસિંહ મહેતા કહે છે તેમ, “સમદ્રષ્ટિ હોય, સુખ અને દુ:ખમાં સમાન ભાવ રાખે. “નિશ્ર્ચલ રહે. વૈષ્ણવ જનને પણ “મોહ-માયા વ્યાપે નહીં એમ નરસિંહ મહેતા કહે છે. જેણે “ક્રોધ નિવાર્યો હોય અને જે જે “તૃષ્ણા ત્યાગી છે તે વૈષ્ણવ જન એમ ભક્ત કવિ કહે છે.
ભગવાન આગળના શ્ર્લોક ૧૫માં કહે છે,
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતેચ ય:
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો ય: સ ચ મે પ્રિય:
૧. જે જીવને કારણે કોઈ ક્યારેય ઉદ્વેગ ન અનુભવે અર્થાત્ જેના કારણે કોઈ કયારેય ઉશ્કેરાઈ ન જાય, એટલે કે આવા સાધકના વર્તનથી કોઈ દુ:ખી, વ્યથિત કે ભયભીત ન થાય તેનું તે હંમેશાં ધ્યાન રાખે છે.
૨. અન્ય કોઈ જીવના કારણે જે ભક્ત પોતે ઉદ્વેગનો અનુભવ ન કરે. એટલે કે વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિ તરફથી કોઈ દુ:ખ કે નુકસાન થાય તો તે તેને પોતાનું ભાગ્ય અને ઈશ્ર્વરની ઈચ્છા સમજીને દુ:ખી થતો નથી અને જે વ્યક્તિએ દુ:ખ પહોંચાડ્યું હોય તેના પ્રત્યે તે કોઈ કુભાવ રાખતો નથી, સમાન સ્થિતિમાં, સ્થિર રહે છે અને કોઈપણ પરિસ્થિતિમાં ઉત્તેજિત થતો નથી.
૩. તે હર્ષથી વંચિત રહે, એટલે કે અનુકૂળ સંજોગો ઊભા થાય ત્યારે પણ તે સમાન ભાવ ધારણ કરતો રહે છે.
૪. ખરાબ ઈરાદાઓથી મુક્ત હોય. એટલે કે જો બીજાને પૈસા, માન, કીર્તિ વગેરે મળે તો અજ્ઞાનતાના કારણે સામાન્ય માણસ દુ:ખી થઈ જાય છે અથવા ઈર્ષ્યા કરવા લાગે છે. પણ સાધક (ભક્ત)ને એવી લાગણી હોતી નથી.
૫. ભયમુક્ત હોય એટલે કે તે દરેક વસ્તુમાં એક જ ભગવાનને જુએ છે અને તમામ સંજોગોને ભગવાને મોકલેલા માને છે, એટલે કે તે હંમેશાં ભયમુક્ત છે.
૬. ચિંતા વગેરેથી મુક્ત રહે. એટલે કે તે તમામ વિકારોથી મુક્ત રહે છે, કોઈ પણ પરિસ્થિતિને લઈને તેના મનમાં કોઈ હલચલ નથી થતી, તેનું મન શાંત રહે છે.
“વૈષ્ણવ જન પણ કેવો હોય? તેને પણ “મોહ-માયા વ્યાપે નહીં, અને “દ્રઢ વૈરાગ્ય હોવાથી તે કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતો નથી. પ્રત્યેક સંજોગો પરમાત્માની ઈચ્છાને આધીન સમજે એટલે જ “રામ નામ શું તાળી રે લાગી. વૈષ્ણવ જન “વણલોભી અને “તૃષ્ણા ત્યાગી હોવાથી અન્યનો વૈભવ જોઈને ઈર્ષા કે દુ:ખની લાગણીથી પર રહે છે.
“સમદ્રષ્ટિ હોવાથી દરેક પરિસ્થિતિ, પછી તે સુખની હોય કે દુ:ખની, તેને એક સમાન રીતે જુએ છે. સુખમાં છકી જતો નથી અને દુ:ખમાં હતાશ થઇ જતો નથી. આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને આધારે આગળના શ્ર્લોકોમાં વર્ણવેલ ભક્તના લક્ષણો પર આગળ વધુ ચર્ચા ચાલુ રાખીશું.