ધર્મતેજ

સફેદ ચહેરો (ભાગ-૧૭)

‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી. એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
છનાભાઇ તથા વિદ્યા તો હવે મૃત્યુ પામ્યાં છે. એટલે હવે પૂરી જાગીર બેમાંથી કોણે સંભાળી લેવી એ વિશે તેઓ બંને અત્યારે ચર્ચા કરતા હોય એવું લાગે છે.’
‘તો બાપદાદાની મિલકતનો ઝઘડો છે એમને?’

‘જરા પણ નહિ.’ કદમ બોલ્યો, ‘સાચું પૂછો તો આ જાગીરમાં આવકને બદલે નુકસાન જ વધારે છે. કોઇ જ ઊપજ કે આવક નથી, અને એટલા માટે જ તેઓ બંને ઇચ્છે છે કે જાગીર નામની આ બલા પોતાના ગળામાં ન વળગી તો સારું…’
‘મને તો તેનો એ ભાઇ સહેજ વિચિત્ર લાગ્યો છે.’

‘વિચિત્ર તો છે જ! એ દીનદુ:ખીઓને મદદ કરે છે. એક પણ પૈસો વ્યાજ લીધા સિવાય જરૂરિયાતવાળાએ ધંધો કરવા માટે નાણાં આપે છે. અઠંગમાં અઠંગ બદમાશો કે જેમના પર એમના કુટુંબીજનો પણ ભરોસો નથી કરતા, એવા માણસોને પણ તે નાણાની મદદ આપે છે અને શિખામણ પણ…! ભાઇઓ સુધરી જાઓ! ચોરી-જુગારનો અંત ખૂબ જ ખરાબ આવે છે. સીધી રીતે મહેનતની રોટી કમાઇને ખાશો તો મીઠાઇ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ લાગશે. એની પ્રેમભરી વાણી સહાનુભૂતિ અને સલાહથી કેટલાએ લોફરો સુધરી ગયા છે અને તેમાંથી ઘણાખરા એક શરીફ માનવીની જેમ જિંદગી ગુજારતા થઇ ગયા છે. રમણદેસાઇને લોકો મહાત્મા ગાંધી જેવા માને છે. એ કહે છે માણસો બદમાશ કે ચોર છે જ નહિ. સંજોગો જ એને એવા બનાવે છે. એમને આકરી સજાથી નહિ માયાળુ વર્તન અને પ્રેમની જરૂર છે.‘ દો આંખે બારહ હાથ’ નામની ફિલ્મમાં જે અભિનેતા જેલના કેદીઓેને સુધારવાનો પ્રયાસ કરે છે, એવો જ પ્રયાસ આ રમણદેસાઇ પણ કરે છે. ચોર, ડાકુ અને લૂંટારાઓને પ્રેમથી, લાગણીથી સાચી સલાહથી અને બે મીઠા બોલથી જ બદલી શકાય છે. જેલમાં પુરવાથી નહિ! એમ તેનું
માનવું છે.’

‘વેરી ગુડ!’ ધીરજની આંખોમાં રમણદેસાઇ પ્રત્યે, પ્રશંસા ચમકી ઊઠી
તે વધુ કંઇ બોલે તે પહેલાં જ રમણદેસાઇ બહાર નીકળ્યો.

એણે બંનેને અભિવાદન કર્યું પછી તે રીક્ષા તરફ આગળ વધ્યો એની પાછળ દેસાઇભાઇ પણ હતો.

એ કહેતો હતો, ‘રમણભાઇ! તમારી વાતોથી તો મારું માથું પાકી ગયું છે, હવે પછી તો તમે તને માફ જ કરજો.’
રમણદેસાઇ ચુપચાપ રીક્ષામાં બેઠો અને મધરાતના સન્નાટાને તોડતી- ગજાવતી રીક્ષા જબરો શોર મચાવતી ત્યાંથી સ્ટાર્ટ થઇને આગળ વધી ગઇ.

‘હા… કહો માનવંતા મહેરબાનો!’ રીક્ષા ગયા પછી દેસાઇભાઇ એ બંને તરફ ફરીને બોલ્યો, ‘ફરમાવો! હવે મધરાતે તમને લોકોને એવો તે ક્યો સવાલ પૂછવાનો યાદ આવ્યો કે અહીં દોડી આવ્યા? એક કામ કરો તમે! જે પૂછવું હોય તેટલું એક ડાયરીમાં યાદ કરી કરીને લખી લો.’
‘દેસાઇભાઇ!’ ધીરજ તીખા અવાજે બોલ્યો, ‘બીજાઓની જેમ મને બેવકૂફ માનવાની ભૂલ કરશો નહિ. તપાસ કરતાં મને જાણવા મળ્યું છે કે એ લાકડાંની કોટડી જેવા મકાનમાં જે છોકરીઓ કેદ હતી એની પાછળ એક છૂપો માર્ગ અમે શોધી કાઢ્યો છે. એ માર્ગ ખાડીના કિનારે જ જાય છે અને એ યુવતીને એ જ છુપા માર્ગેથી ચુપચાપ ખસેડી છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તો એનું અપહરણ કરવામાં આવ્યું છે. ખાડીના માર્ગે જ તેને ક્યાંય લઇ જવાય છે અને… તમે પણ એ જ માર્ગેથી અહીં રંગપુરમાં આવ્યા છો. અમે તમને થોડા સવાલો પૂછવા માગીએ છીએ.

’‘ગેટ આઉટ…’ દેસાઇભાઇ એકદમ બરાડ્યો, ‘તમે પોલીસ અધિકારી છો એથી શું થયું? આમ આ રીતે અર્ધી રાત્રે એક શરીફ અને ઇજ્જતદાર માણસને પરેશાન કરવાનો તમને કશો જ અધિકાર નથી. હું એક સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક છું. તમારે લોકોને જે પૂછવું હોય તે હવે સવારે આવીને પૂછજો. અત્યારે મને ઊંઘ આવે છે, આજનો આખો દિવસ મેં સતત પરિશ્રમ અને દોડધામમાં વિતાવ્યો છે. મારા પર કૃપા કરીને અત્યારે તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ. મારી પાંપણો પર મણમણનો બોજો પડ્યો હોય એમ ભારે બની ગઇ છે. જો ક્યાંય આડાઅવળા જવાબો આપી બેસીશ તો પછી તમે લોકો નાહકના જ અર્થનો અનર્થ કરી નાખશો. માટે હવે પધારો અને મને ઊંઘી જવા દો. ગુડનાઇટ…!

વાત પૂરી કર્યા પછી તરત જ જવાબની રાહ જોયા વગર વીજળીક ગતિઓ પાછો ફર્યો અને આંખના પલકારામાં અંદરના એક અન્ય નાનકડા ખંડમાં પ્રવેશીને અદશ્ય થઇ ગયો…
‘હરામી…. પોતાની જાતને કોણ જાણે શું માની બેઠો છે?’

ફટાક કરતી એ હોલમાં પડતી બાજુના ખંડની એક બારી ઉઘડી અને દેસાઇભાઇનો રમતિયાળ ચહેરો એમાંથી બહાર ડોકાયો.

‘હરામી! આહા ચોક્કસ કોઇક બીજો માથાફરેલો એ નામની પણ ફિલ્મ ઉતારીને જ રહેશે. પાપી, ધર્મા અને હવે હરામી…! ચાલો, એ ઊતરશે તો તે પણ જોઇ નાખીશું.’

‘તમે એને જોવા નહિ પામો દેસાઇભાઇ!’ ઇન્સ્પેકટર કદમ બરાડી ઊઠયો, એ ફિલ્મ કદાચ જ્યારે રિલીઝ થશે ત્યારે તમે જેલના સળિયા ગણતા હશો.’
જવાબ આપ્યા વગર દેસાઇભાઇએ જોરથી બારી બંધ કરી દીધી…

‘એણે ઊંઘ આવવાનું બહાનું કાઢ્યું છે.’ ધીરજ હળવા અવાજે બોલ્યો, ‘એના પર અત્યારથી જ નજર રાખવાની જરૂર છે. આવા ફરંદા માણસો દિવસે જ ઊંઘે છે, રાતે નહિ…’
એની શંકા સાચી જ હતી.

દેસાઇભાઇ સૂવા જવાને બદલે પાછલા દ્વારમાંથી પલાયન થઇને ઝડપભેર પગ ઉપાડતો ખાડી તરફ આગળ વધતો હતો.

થોડીવાર પછી એ લોકોને બારણું ખખડાવ્યું. પરંતુ જ્વાબ ન મળ્યો. તપાસ કરતાં પાછળના ભાગનું બારણું ઉઘાડું દેખાયું. ત્યારબાદ તેઓએ પૂરી ઇમારતની તલાશી લીધી. દેસાઇભાઇ તો ઠીક ચકલુંયે ના મળ્યું.

‘એ નાસી ગયો છે.’
ઇન્સ્પેકટર ક્રોધથી ધૂંવાપૂંવાં થતો બોલ્યો.

‘ફિકર કરવાની જરૂર નથી…’ ધીરજે તેને આશ્ર્વાસન આપ્યું…
તેઓ રંગપુર પોલીસ સ્ટેશને પાછા ફર્યા અને ત્યાર બાદ ત્યાંથી લાઇટનિંગ કોલ અને ડિમાન્ડ કોલ માગવામાં આવ્યા. મુંબઇ હેડ ક્વાર્ટર્સ, એરપોર્ટ… પોર્ટ ઓફિસર…
ચારે તરફ કોલ પ ર કોલ કરવામાં આવ્યા…
ધીરજે હોસ્પિટલમાં ફોન જોડ્યો અને દિવાકર વિશે પૂછપરછ કરી.

‘તેઓ હવે ખતરાની બહાર છે સાહેબ!’ સામેથી જવાબ આવ્યો. અલબત્ત, તેઓ ભાનમાં ક્યારે આવશે તે હજુ પણ નક્કી કહી શકાય તેમ નથી, એમની પલ્સ અને શ્ર્વાસ બરાબર છે, ટેમ્પરેચર નોર્મલ છે…’
‘થેકયુ ડોકટર!’ ધીરજે રિસીવર મૂકી દીધું.


તે એક બેહદ ખૂબસૂરત રળિયામણી સવાર હતી. વાતાવરણમાં ઠંડક અને તાજગી હતી. દરિયો શાંત હતો. સાગરની મુસાફરી માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ હતું. કોઇ બીજો સમય હોત તો સુનીલ ચોક્કસ જ આ મુસાફરીનો ભરપૂર આનંદ ઉઠાવત પરંતુ અત્યારે તો તે કેદી જેવી સ્થિતિમાં હતો અને ઇશ્ર્વર જાણે હજુ કેટકેટલી આફતો એની રાહ જોતી હતી!

પોતાનું એ પછીનું પગલું કયું ભરવું એ વિશે તેને પ્લાન બનાવી કાઢ્યો હતો. અગાઉ અત્યાર કરતાં પણ તે વધુ કફોડા સંજોગોમાં ઘેરાઇ ગયો હતો અને દરેક વખતે તેમાંથી સહીસલામત બહાર નીકળી ગયો હતો.
પણ આ વખતે?
બની ગયેલા એકેએક બનાવો પર તેણે ફરીથી વિચાર કર્યો અને એક જ નિર્ણય એના દિમાગમાં સ્થિર થયો. દેસાઇભાઇનું માથું ફરી ગયું છે. આ બધું શું થઇ ગયું છે? એ અપંગ જેવા નિરાધાર અને અસહાય આધેડાવસ્થામાં પ્રવેશી ચૂકેલા છનાભાઇ તથા વિદ્યાવતીનાં ખૂનો થઇ ગયાં. ત્રીજો માણસ હોસ્પિટલમાં બેહોશાવસ્થામાં જીવન-મૃત્યુ વચ્ચે લટકી રહ્યો છે અને બે વ્યક્તિઓને કેદ કરીને – એટલે કે પોતાને તથા ડેનીને કોણ જાણી ક્યાંય લઇ જવામાં આવતાં હશે! ઉફ…! આ દેસાઇભાઇ તો ઇન્સાન છે કે ઇન્સાનના રૂપમાં જાનવર?

જો એણે જ પોતાનાં ભાઇ-બહેનોનાં ખૂનો કર્યા હોય તો એવા બેરહેમ ઇન્સાન માટે પોતાને તથા ડેનીને મારી નાખવામાં કોઇ જ આંચકો નથી આવવાનો! તે પોતાને પેલી ભયાનક આગમાં પણ બેહોશ કરીને ફેંકી શક્તો હતો. તો પછી એમ ન કરતાં તે શા માટે પોતાને જહાજમાં લઇ જાય છે? ક્યાં લઇ જાય છે? આ જ્હાજ માલવાહક પણ હતું અને પેસેન્જર શીપ પણ હતું. બંને રીતે ઉપયોગમાં લઇ શકાય એવી તેની રચના હતી. સુખ અને આરામથી રહેવાની બધી જ સગવડો તેમાં હતી. કદાચ દેસાઇભાઇએ પોતાની સગવડ ખાતર જ તેને બંને રીતે ઉપયોગમાં લઇ શકાય તેમ બનાવ્યું છે. જ્હાજની સ્પીડ પણ ઘણી હતી. આખી રાત એનાં એન્જિનો ગર્જના કરતાં રહ્યાં હતાં. (વધુ આવતી કાલે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button