અર્થથી પર, અનર્થથી પણ પર
ચિંતન -હેમંતવાળા
અસ્તિત્વ શું છે અને શું નથી તે માટે જુદા જુદા અભિપ્રાય અપાતા રહ્યા છે. તેમાં પણ જ્યારે બે વિરોધીમાંથી એકની પસંદગી કરવામાં આવે તો અસ્તિત્વના એક વિશાળ પાસાની જાણે આપમેળે બાદબાકી થઈ જાય છે. સમગ્રતાને સમજવા માટે આ જોખમી સ્થિતિ છે.
અસ્તિત્વમાં જો અપાર સંભાવનાઓ રહેલી હોય તો કોઈ પણ પ્રકારની બાદબાકી ન થવી જોઈએ. જો ઈશ્ર્વર નિરાકાર હોય અને સર્વથા સમર્થ હોય તો તે સાકાર સ્વરૂપ પણ ધારણ કરી જ શકે. અને જો ઈશ્ર્વર સાકાર સ્વરૂપમાં જ સ્થિત હોય તો પણ તેનો વ્યાપ્ય નિરાકાર સ્વરૂપે સમગ્રતામાં પ્રસરેલો હોવો જ જોઈએ. માત્ર નિરાકાર અસ્તિત્વનો જ સ્વીકાર કરવો એ સંકુચિત સમજ ગણાય અને માત્ર સાકાર સ્થિતિ માટેની જ સ્વીકૃતિ રાખવી એ ઈશ્ર્વરમાં આરોપાયેલું મર્યાદિતપણું કહેવાય. સાકાર અને નિરાકાર એ બંને પ્રકારની સંભાવનાનો સ્વીકાર એટલે જ અસ્તિત્વની સાચી સ્વીકૃતિ. આકાર અને નિરાકારનો સંતુલિત સમન્વય એટલે અસ્તિત્વની ઓળખ.
વિરોધાભાસી જણાતી કોઈપણ બાબત પરસ્પર વિરોધી હોતી નથી. ગરમી અને ઠંડી એ વિરોધી બાબત નથી. હકીકતમાં ઠંડીનું અસ્તિત્વ જ નથી. ઠંડી એટલે ઓછી માત્રામાં ગરમી. ગરમીમાં ઉષ્ણતામાનનો આંક ઊંચો હોય જ્યારે ઠંડી માટે નીચે રહે. ઉષ્ણતામાનનો આંક નીચે રહેવો એ કંઈ ઠંડીના અસ્તિત્વની સાબિતી નથી. હકીકતમાં બન્ને પરિસ્થિતિમાં ગરમી જ અસ્તિત્વમાં હોય છે, માત્ર તેનું પ્રમાણ વધઘટ રહે.
અંધારું એ પ્રકાશની ઓછી માત્રાનું પરિણામ છે. અંધારામાં પ્રકાશ એટલી ઓછી માત્રામાં હોય છે કે જેની ઇન્દ્રિયોની મર્યાદિતતાને કારણે નોંધ નથી લઈ શકાતી. આ પ્રશ્ર્ન ઇન્દ્રિયોનો છે, અંધારું તો અસ્તિત્વમાં જ નથી. માત્ર ઓછી કે નહિવત પ્રકાશ-સ્થિતિને તે નામ આપવામાં આવ્યું છે.
સત્ય અને અસત્યની પૂર્વધારણાને પણ આ રીતે સમજી શકાય. સત્ય એટલે એવી ઘટના કે જે વાસ્તવમાં હકીકત છે. અસત્ય એટલે એવી ઘટના કે જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી. જે ઘટના અસ્તિત્વમાં છે તેની તુલના જે ઘટના અસ્તિત્વમાં જ નથી તેની સાથે કરી જ ન શકાય. એક વાસ્તવિકતા છે જ્યારે બીજી કાલ્પનિક બાબત છે. અસત્ય એટલે સત્યનો અભાવ નહીં પણ સત્યની અસ્વીકૃતિ. અસત્ય એટલે વ્યક્તિગત ઈરાદા કે અહંકારને પોષતું વિધાન. અસત્ય એટલે અજાણતામાં કાં તો એક કાવતરાના ભાગ સ્વરૂપે રજૂ કરાતી વાત. અસત્ય એટલે ક્યાંક માની લીધેલું સત્ય અથવા કોઈને ભ્રમિત કરવા માટે કહેવાઈ ગયેલી વાત. એમ જણાય છે કે સત્ય એ હકીકત છે અને અસત્ય એ કલ્પના અથવા ઈચ્છા; અને તેથી અસ્તિત્વ માત્ર સત્યનું જ હોય. અંશત: સત્ય જેવી ઘટના પણ અસ્તિત્વમાં ન આવી શકે.
અહીં અર્થ અને અનર્થની વાત છે. અસ્તિત્વ અર્થ અને અનર્થ એ બંનેથી પર છે. અર્થ એટલે એવી ઘટના જે કારણોસર ઉદ્દભવી હોય અને કારણસર કાર્યરત રહેતી હોય. અર્થ એટલે આગળ પાછળની ઘટના સાથે સંકળાયેલી બાબતો. અર્થ ક્યારે અલાયદું અસ્તિત્વમાં ન આવી શકે. તે કાર્ય-કારણના સંબંધમાં સાક્ષી સમાન છે. અર્થ એ પરિણામનું કારણ પણ છે અને પરિણામને અંતે ઉદ્ભવતું કારણ પણ છે.
તેનાથી વિપરીત અનર્થ એટલે કે અર્થનો અભાવ. અનર્થનું અસ્તિત્વ જ નથી હોતું પણ અર્થનો અભાવ હોય છે. સૃષ્ટિના સંચાલનમાં અનર્થકારી ઘટનાની સંભાવના જ નથી. જેને અનર્થ ગણવામાં આવે છે તે અર્થના ધારા-ધોરણની અસ્વીકૃતિ છે. અનર્થ એટલે એવી પૂર્ણ ધારણા કે જેમાં સૃષ્ટિના સંચાલનના નિયમોની અવગણના થઈ હોય. અર્થ એટલે સૃષ્ટિના નિયમોને આધારે આકાર લેતી હકારાત્મક ઘટના. અનર્થ એટલે કામ, ક્રોધ, લોભ, મોહના આવેગમાં રાગ-દ્વેષ આધારિત કરાયેલ કાર્યનું પરિણામ. આ પરિણામ પણ નિયમોને આધીન જ હોય છે. “અર્થની જ આ એવી વ્યવસ્થા હોય છે કે જેનું પરિણામ નકારાત્મક હોય. કશું જ નિયમની બહાર નથી, માત્ર તેની સ્વીકૃતિનો પ્રકાર અલગ અલગ છે. અર્થ પણ નિયમોને આધારે ઉદભવતી ઘટના છે અને અનર્થ પણ. તેથી અનર્થ પણ અર્થપૂર્ણ છે.
પણ અહીં અસ્તિત્વને અર્થ અને અનર્થ એ બંનેથી ભિન્ન જણાવાયું છે. એનો અર્થ એ કે અર્થની પરિકલ્પના પણ સાંજોગિક છે. બની શકે કે અત્યારના યુગમાં – અત્યારના કલ્પના અગ્નિ ગરમી પ્રદાન કરે છે તો અન્ય કોઈ કલ્પના આવી ગરમી જળ પ્રદાન કરી શકે. આ કાળખંડમાં એક પ્રકારનું કાર્ય-કારણનું સમીકરણ હોય જે સમીકરણ અન્ય કોઈ કલ્પમાં બદલાઈ પણ શકે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોતા એમ જણાય છે કે આ સમીકરણો પણ શાશ્ર્વત ન રહી શકે. આજે જે એક પ્રકારનો અર્થ ઉદભવે કે સમજાય તે અર્થ અન્ય કોઈ કાળખંડમાં નજરે જ ન ચડે. પરિસ્થિતિ થોડી જટિલ જણાય છે પણ સમજી શકાય તેવી છે.
તેથી જ અર્થ અને અનર્થ બંનેનો એક સાથે જ છેદ ઉડાડી દેવાય છે. ગીતામાં જણાવ્યા પ્રમાણે “તે અસ્તિત્વ સત પણ છે અને અસત પણ છે. વળી એમ પણ કહેવાયું છે કે તે અસ્તિત્વને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. દરેક પ્રકારના દ્વન્દ્વથી ઉપર ઊઠવા માટે આ બાબત સમજી લેવી જરૂરી છે, એમ અષ્ટાવક્ર ગીતામાં સ્પષ્ટપણે જણાવાયું છે. અર્થ અને અનર્થના વિશ્ર્લેષણમાં પડવાને બદલે સંસાર જેને અર્થ કહે છે કે અનર્થ કહે છે, તેને સાક્ષી ભાવે જોઈ રહેવું જરૂરી છે. કોઈપણ પ્રકારના દ્વન્દ્વથી ઉપર ઉઠવાની આ વાત છે.