આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાઓનું થશે કૉંક્રીટાઈઝેશન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના રસ્તાઓને ખાડા મુક્ત કરવા માટે તમામ રસ્તા સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવવાના છે. તે મુજબ અત્યાર સુધી ૨,૦૫૦ કિલોમીટર રસ્તામાંથી ૧,૨૨૪ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું છે. ૨૦૨૪-૨૫ના વર્ષમાં વધુ ૨૦૯ કિલોમીટર રસ્તાનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તે માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

હાલ કુલ ૩૯૭ કિલોમીટર રસ્તાનું સિમેન્ટ કૉંક્રીટાઈઝેશન કરવા માટે પાંચ મોટા ટેન્ડર બહાર પાડયા બાદ વર્કઓર્ડર આપવામાં આવ્યા છે, તેમાંથી ચારના કામ પ્રગતીમાં છે. ૧૧ રસ્તા કામ પૂરાં થઈ ગયાં છે. ઉપનગરમાં કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ શહેર વિભાગમાં હજી સુધી કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલુ થયું નથી.

રોડ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૨૩-૨૪માં ગયા વર્ષના ચાલી રહેલા કામ અને હાલમાં જ આપવામાં આવેલા વર્કઓર્ડર મળીને કુલ ૨૫૨ કિલોમીટર રસ્તાનાં કૉંક્રીટાઈઝેશનનાં કામ થઈ ગયાં છે. ૨૦૨૪-૨૫માં લગભગ ૨૦૯ કિલોમીટરના રસ્તાનું કૉંક્રીટાઈઝેશન કરવાનું પ્રસ્તાવિત છે.

આગામી દિવસોમાં શહેર વિભાગમાં વીર નરીમન રોડ, કુપરેજ રોડ, પશ્ર્ચિમ ઉપનગરમાં દયાલદાસ રોડ, લિંક રોડ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ પર ગોરેગામ જતો રસ્તો અને પૂર્વ ઉપનગરમાં બાજીપ્રભૂ દેશપાંડે માર્ગ, છેડા નગર રોડ નંબર એક, પી.સોમાણી માર્ગ, રહેજા વિહાર રોડનાં કામ પ્રસ્તાવિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button