ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, કેબિનેટે યુસીસી બિલને આપી દીધી મંજૂરી
દેહરાદુન: ઉત્તરાખંડમાં આવતીકાલથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે બજેટની સાથે યુનિફોર્મ સિવિલ કોડ (uttrakhand UCC draft) નો ડ્રાફ્ટ પણ ગૃહના ટેબલ પર મૂકવામાં આવવાનો છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પહેલા જ યુનિફોર્મ સિવિલ કોડ પર સરકારનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. રાજ્ય સરકારની પાંચ સભ્યોની પેનલે શુક્રવારે આ બિલનો UCC ડ્રાફ્ટ સીએમ પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યો હતો, ત્યારબાદ સરકારની કાનૂની ટીમ પેનલની ભલામણોનો અભ્યાસ કરી રહી હતી.
ઉત્તરાખંડ કેબિનેટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી આવાસ પર યોજાયેલી કેબિનેટ બેઠકમાં UCC રિપોર્ટને મંજૂરી આપી છે. UCC બિલ 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી દાયકાઓથી ચાલી આવતી કુરિવાજો અને કુપ્રથાઓનો અંત આવશે. દરેકને સમાન અધિકાર મળશે. પુત્ર-પુત્રી અને સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ ખતમ થશે. કમિટીના સભ્યો અહેવાલ તૈયાર કરવામાં દિવસ-રાત એક કરી દીધા હતા. સૂત્રોનું કહેવું છે કે ડ્રાફ્ટમાં 400થી વધુ વિભાગો સામેલ હોઈ શકે છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત રિવાજોથી ઉદ્ભવતી અસમાનતાને દૂર કરવાનો છે.