મહારાષ્ટ્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રકલ્પોમાં હવે આની એન્ટ્રી; ૪૦ દુર્ગમ સ્થળોએ પહોંચવાનું બનશે સુલભ
મુંબઈઃ રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકો દૂરના પર્યટન સ્થળો, પ્રાચીન મંદિરો, ગઢ કિલ્લાઓ સુધી પહોંચી શકે તે માટે રોપવેનું નિર્માણ કરવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કે રાજ્યમાં ૪૦ સ્થળે રોપ-વે બનાવવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તાત્કાલિક સબમિટ કરવામાં આવે. તેમણે રાજ્યમાં ૮૧ રોડ પ્રોજેક્ટના કામ માટે રૂ. ૧,૬૦૦ કરોડ મંજૂર કરવામાં આવશે એવી પણ જાહેરાત કરી હતી.
નેશનલ હાઈ-વે ટ્રાફિક મેનેજમેન્ટ કંપની અને પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ વચ્ચે શનિવારે બપોરે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે રોપ-વેના નિર્માણ સંદર્ભે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નીતિન ગડકરી, જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, જાહેર બાંધકામ વિભાગના અધિક મુખ્ય સચિવ મનીષા મહૈસ્કર, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અસીમ કુમાર ગુપ્તા સહિત વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર હતા.
રોપ-વેના નિર્માણ માટે રાજ્યમાંથી ૪૦ દરખાસ્તો મળી છે. તેમાંથી છ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ માટે જરૂરી ભંડોળ પૂરું પાડશે. ગડકરીએ કહ્યું કે રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે જરૂરી જમીન આપવી જોઈએ.