ફેસબુક પર આકર્ષક વળતરની જાહેરાત મૂકી છેતરપિંડી કરનારો સુરતનો યુવક ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોગસ કંપનીને નામે ફેસબુક પર આકર્ષક વળતરની જાહેરાત પોસ્ટ કરીને અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરનારા સુરતના યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
નાગપાડા પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા મોહમ્મદ હારિશ નૂર મોહમ્મદ ગોડિલ (26) તરીકે થઈ હતી. આ કેસમાં કથિત રીતે સંડોવાયેલા સુરતના રાંડેર રોડ ખાતે રહેતા રઘુવીર પ્રજાપતિએ પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસે પૂછપરછ માટે તેને તાબામાં લીધો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીએ ટ્રેડ બૉક્સ કંપનીને નામે ફેસબુક પર જાહેરાત પોસ્ટ કરી હતી, જેમાં આ કંપનીમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચ અપાઈ હતી. દક્ષિણ મુંબઈના મનીષ માર્કેટ ખાતે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા વેપારીને રોકાણ કરવાની ઇચ્છા થતાં જાહેરાત સાથે આપેલી લિંક ઑપન કરી હતી. લિંક પર પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ એડ્રેસ ફરિયાદી આપ્યા પછી તેમને એક યુવતીએ ફોન કર્યો હતો.
ફરિયાદીને વ્હૉટ્સઍપ ચૅટિંગ દરમિયાન કંપનીમાં રોકાણ સંબંધિત સ્લૅબ વાઈઝ પ્રોફિટ રેશિયો અને રોકાણ કરવા સંદર્ભેનો ચાર્ટ મોકલવામાં આવ્યો હતો. ફરિયાદીએ અલગ અલગ તારીખે આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં 7.45 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
થોડા દિવસ બાદ ફરિયાદીએ રોકાણ પરના વળતરની વાત કરતાં કંપનીના કથિત પ્રતિનિધિ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા. બાદમાં જવાબ મળવાનો બંધ થતાં ફરિયાદીએ ઑનલાઈન તપાસ કરી હતી. કંપની બોગસ હોવાનું જાણવા મળતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે મોબાઈલ નંબર અને બૅન્ક ખાતાની વિગતોને આધારે આરોપીને સુરતમાં ટ્રેસ કર્યો હતો.