અનક્લેઈમ શેર્સની માહિતી પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની ઠગાઈ: માટુંગાના વેપારીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફાઈનાન્શિયલ કંપનીના અનક્લેઈમ (ગ્રાહકોએ દાવો ન કર્યો હોય તેવા) શેર્સ અંગેની માહિતી કઢાવ્યા પછી તેમના નામે બોગસ બૅન્ક-ડિમેટ એકાઉન્ટ ખોલી કરોડો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ માટુંગાના વેપારીની ધરપકડ કરી હતી.
આર્થિક ગુના શાખાએ શનિવારે મોડી સાંજે માટુંગા પૂર્વમાં ભાઉ દાજી રોડ પરની મૈત્રી હાઈટ્સ ઈમારતમાં રહેતા મનીષ રમેશચંદ્ર શાહ (60)ની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ અરવિંદ બાબુલાલ ગોયલ અને આશિષ પ્રિયવદન શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી. બન્ને હાલમાં અદાલતી કસ્ટડીમાં છે.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓ જે ગ્રાહકોએ શેર્સ અંગે દાવો ન કર્યો હોય તેમને ટાર્ગેટ કરતા હતા. આવા અનેક ગ્રાહકોની માહિતી મેળવ્યા પછી તેમના બોગસ પેન કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરી સંબંધિત ગ્રાહકોને નામે બૅન્ક ખાતું ખોલાવતા હતા. બાદમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવી તેના માધ્યમથી શેરની લે-વેચ કરી આર્થિક ઠગાઈ કરતા હતા. આ લે-વેચ બાબતે સંબંધિત ખાતાધારકોને જાણ સુધ્ધાં થતી નહોતી.
ડિસેમ્બર, 2023માંથી બોરીવલીની ફાઈનાન્શિયલ કંપનીના ધ્યાનમાં આ વાત આવી હતી. આ કંપનીના પણ ચારથી પાંચ ગ્રાહકો સાથે 14.11 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું. 2019થી આરોપીઓ આ રીતે ઠગાઈ કરતા હતા.
ફાઈનાન્શિયલ કંપનીએ આ પ્રકરણે કસ્તુરબા માર્ગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કેસ તપાસ માટે આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરાયો હતો. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપી અને માટુંગાના વેપારી મનીશ શાહ વચ્ચે વ્હૉટ્સઍપ ચૅટિંગ થયું હતું. આ ચૅટિંગ તેમ જ અન્ય પુરાવાને આધારે પોલીસે શાહને તાબામાં લીધો હતો.