‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને શિંદેનું સમર્થન, પૂર્વ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. સીએમ શિંદેએ કહ્યું હતું કે દેશમાં વારંવાર ચૂંટણી કરવી એ અર્થતંત્ર માટે સારું નથી અને તેનાથી દેશના વિકાસ પણ અટકી જાય છે.
‘એક દેશ એક ચૂંટણી’ના પ્રસ્તાવને લઈને સીએમ શિંદેએ ઉચ્ચ સ્તરીય સમિતિના વડા રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો હતો. પત્રમાં શિંદેએ લખ્યું હતું કે એક સાથે ચૂંટણી કરવાનો પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના સૌથી મહત્ત્વ પૂર્ણ સુધારાના પ્રસ્તાવમાંથી એક છે.
24 જાન્યુઆરીએ લખેલા પત્રમાં સીએમ શિંદેએ આગળ લખ્યું કે અમારો વિશ્વાસ મજબૂત છે કે ‘વન નેશન, વન ઈલેક્શન’થી દેશમાં કેન્દ્રિત અને સરળ સરકાર બનશે. દેશમાં કોઈને કોઈ વિસ્તારમાં ચૂંટણી થવાને લીધે શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે અને આખું ધ્યાન ચૂંટણી જીતવા જ કેન્દ્રિત થઈ જાય છે. ચૂંટણીમાં પીએમથી લઈને સીએમ, સાંસદ, વિધાનસભ્ય અને દરકે નેતા સામેલ થાય છે, જેથી સરકાર ચલાવવામાં મુશ્કેલી આવે છે.
સીએમએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી અને મહારાષ્ટ્ર, હરિયાણા અને બીજા રાજ્યોમાં લોકસભા ચૂંટણીના છ મહિનાની અંદર ચૂંટણી કરવામાં આવે છે. દેશના રાજ્યોમાં ઓછા સમયમાં ચૂંટણી લેવામાં આવતા વધુ પૈસા ખર્ચ થાય છે. મને લાગે છે કે એકસાથે ચૂંટણીને કારણે સરકાર અને ઈલેક્શન કમિશનની સાથે રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતો ખર્ચ પણ ઓછો થઈ જશે, એવું શિંદેએ તેમના પત્રમાં જણાવ્યું હતું.