‘ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને વાહિયાત ભૂમિકાઓ મળે છે..’ Vikrant Masseyએ શા માટે કરી આવી ટિપ્પણી?

’12મી ફેલ’ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહેલા જાણીતા અભિનેતા Vikrant Masseyએ તેના એક ઇન્ટરવ્યુમાં ટીવી ઇન્ડસ્ટ્રી વિશે એક મોટું નિવેદન આપી દીધું છે. નાના પડદે જે પ્રકારનું કન્ટેન્ટ બને છે તેનાથી પોતે નાખુશ હોવાનું તેણે જણાવ્યું હતું.
27 ઓક્ટોબર 2023ના રોજ રિલીઝ થયેલી ’12મી ફેલ’ ફિલ્મના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે, બોલીવુડ જગતની હસ્તીઓની પ્રશંસા, વિવિધ ફિલ્મ ફેસ્ટીવલોમાં વખાણ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડ મળવા સુધી દરેક રીતે આ ફિલ્મે સફળતા મેળવી છે. વિક્રાંત મેસી આજે ફક્ત એક ટીવી અભિનેતા રહ્યો નથી, તે બોલીવુડના પ્રતિભાવાન કલાકારોની યાદીમાં સામેલ થઇ ગયો છે, ત્યારે એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં વિક્રાંતે જે ક્ષેત્રથી તેણે અભિનયમાં ડગ માંડ્યા તે ટીવી ઉદ્યોગ વિશેની અમુક નકારાત્મક વાતો પણ તેણે બેધડકપણે જણાવી હતી.
વિક્રાંતે કહ્યું, “એક ખાસ કારણ હતું કે મેં ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું છોડી દીધું. તેઓ (ટીવી ઉદ્યોગના લોકો) જે પ્રકારનું કન્ટેન્ટ બનાવે છે, તેની સાથે હું સંમત નથી. મને તે આજે પણ હલકી કક્ષાનું લાગે છે. કદાચ તેમના માટે એ જ મનોરંજન છે. તેઓ મહિલાઓને વાહિયાત ભૂમિકાઓ આપે છે.”
”હું બાલિકા વધૂનો ભાગ હતો, અને આ શો એ સમાજમાં મહિલાઓના સ્થાન, તેમના ભણતર વગેરે જેવી બાબતો દર્શાવીને ઘણું જ સારું યોગદાન આપ્યું હતું, પણ પછી શોના કન્ટેન્ટને લઇને મને મેકર્સ સાથે વાંધો પડ્યો અને મેં શો છોડી દીધો,” તેવું વિક્રાંતે જણાવ્યું હતું.
વિક્રાંત હવે તાપસી પન્નુ સાથે ‘ફિર આઇ હસીન દિલરૂબા’, ‘સેક્શન 36’ સહિત એકતા કપૂરના પ્રોડક્શનમાં બનનારી ફિલ્મમાં જોવા મળશે.