ભારતે ઇંગ્લૅન્ડને 399 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાથમાં આવી રહેલી બાજી ગુમાવી દેનાર રોહિત શર્માની ટીમ ઇન્ડિયાને હવે બીજી ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક છે. યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી, જસપ્રીત બુમરાહના છ વિકેટના તરખાટ, કુલદીપ યાદવના ત્રણ આંચકા અને હવે શુભમન ગિલની લાંબા ઇન્તેજાર બાદ ફટકારવામાં આવેલી સેન્ચુરીએ ટીમને જીતવાનો મોકો અપાવ્યો છે. બેન સ્ટૉક્સની ટીમને 399 રનનો મોટો ટાર્ગેટ મળ્યો છે. આટલો ઊંચો ટાર્ગેટ મેળવીને કોઈ ટીમે વિજય મેળવ્યો હોય એવું 147 વર્ષના ટેસ્ટના ઇતિહાસમાં બહુ ઓછું બન્યું છે.
જુલાઈ, 2022માં બર્મિગહૅમના એજબૅસ્ટનમાં જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતે 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે બેન સ્ટૉક્સની ટીમે છેલ્લા દિવસે ત્રણ જ વિકેટના ભોગે મેળવી લીધો હતો. બીજા દાવમાં જો રૂટ (અણનમ 142) અને જૉની બેરસ્ટૉ અણનમ 114)ની સદીથી ઇંગ્લૅન્ડે યાદગાર વિજય મેળવ્યો હતો, પરંતુ અત્યારે તેઓ ભારતમાં રમી રહ્યા છે અને અહીંની પિચ પર ચોથી ઇનિંગ્સમાં 399 રન બનાવવા ખૂબ મુશ્કેલ છે.
શુભમન ગિલ ભારતના બીજા દાવનો સુપરસ્ટાર હતો. તેણે 200 મિનિટ સુધી ક્રીઝ પર ટકી રહીને 147 બૉલમાં બે સિક્સર અને અગિયાર ફોરની મદદથી 104 બનાવ્યા જેને કારણે ભારત 255 રનનો સન્માનજનક સ્કોર મેળવીને બ્રિટિશ ટીમને 400 નજીકનો ટાર્ગેટ આપી શક્યું છે. સોમવાર અને મંગળવારનો દિવસ પણ બાકી હોવાથી બંને ટીમ પાસે પુષ્કળ સમય છે, પણ ભારતે આ મૅચ જીતીને સિરીઝને 1-1થી લેવલ કરવાની સોનેરી તક મળી છે.
શુભમન ગિલે 11 મહિને ફરી એકવાર ટેસ્ટ-સદી ફટકારી છે એટલે હવે તેના સ્થાને ચેતેશ્ર્વર પૂજારાને મોકો મળશે એવી વાતો હવે થોડો સમય બંધ થઈ જશે.
શનિવારનો ડબલ સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ રવિવારે બીજા દાવમાં ફક્ત 17 રનના સ્કોર પર જેમ્સ ઍન્ડરસનને વિકેટ આપી બેઠો હતો. રોહિત શર્મા (13), શ્રેયસ ઐયર (29), રજત પાટીદાર (9) અને શ્રીકાર ભરત (6) ફરી મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ અક્ષર પટેલે 118 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 85 બૉલમાં છ ફોર સાથે 45 રન બનાવીને ભારતને સન્માનજનક સ્કોર અપાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
રવિચન્દ્રન અશ્ર્વિને પણ 77 મિનિટની બૅટિંગમાં 61 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 29 રન બનાવીને બૅટિંગમાં પરચો બતાવ્યો હતો. કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ ઝીરોમાં આઉટ થયા હતા. જોકે પ્રથમ દાવની માફક બીજા દાવમાં પણ બોલિંગમાં સફળ થશે તો ભારતની જીત નિશ્ર્ચિત છે. બ્રિટિશ બોલરોમાં ટૉમ હાર્ટલીએ ચાર વિકેટ, રેહાન અહમદે ત્રણ અને જેમ્સ ઍન્ડરસને બે વિકેટ લીધી હતી. નવા સ્પિનર શોએબ બશીરે શુભમન ગિલની મહત્ત્વની વિકેટ લીધી હતી.