નેશનલ

Ladakh Statehood Demand: કડકડતી ઠંડીમાં હજારો લોકો આ માગ સાથે રસ્તા પર ઉતર્યા, શું લદાખ બનશે બીજુ મણિપુર?

Ladakh Protest: ભારતના ઉત્તર-પૂર્વ છેડે લાગેલી આગ હજુસુધી સંપૂર્ણપણે શાંત થઇ નથી, એવામાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સામાન્ય રીતે એકદમ શાંત ગણાતા લદાખમાં આવું થવું એ ભારે આશ્ચર્યની ઘટના છે. જે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે તેમની એક ખાસ માગ છે, લદાખના લોકોનું કહેવું છે કે ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશ જ નહી, તેને એક પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઇએ. 5 ઓગસ્ટે 2019ના રોજ જમ્મુ કાશ્મીરથી તેને અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેની ઓળખ આપવામાં આવી હતી.

હજારો લોકોના વિરોધ પ્રદર્શનને કારણે મોટી સંખ્યામાં બજારો-દુકાનો બંધ કરી દેવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શનોની આગેવાની લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા કરવામાં આવી છે. હાલમાં લદાખમાં કડકડતી ઠંડી પડી રહી છે, બરફવર્ષા અને હાડ થીજાવતી ઠંડીના માહોલ વચ્ચે આ પ્રકારે સ્ત્રીઓ-પુરુષો સહિત હજારો લોકોનું રસ્તા પર આવી જવું એ દર્શાવે છે કે લદાખની પ્રજામાં ઘણીબધી વાતોને લઇને અસંતોષ છે.

જ્યારે વર્ષ 2019ની 5મી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-A હટાવી લેવામાં આવી, એ વખતે રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરને વિધાનસભા ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ જ્યારે લદાખને વિધાનસભા વગરનું કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ દરજ્જા અપાયા. શરૂઆતમાં તો લદાખની પ્રજાએ વિરોધ કર્યો નહોતો, પરંતુ ધીમે ધીમે એક અવાજ ઉભો થવા લાગ્યો અને લોકોનો સાથ મળતા તેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું.

લદાખની પ્રજા એક સૂરમાં પોતાના હકની માગણી કરી રહી છે. તેમનું કહેવું છે કે જો લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તો તેમને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાની સત્તા મળશે, જેથી લદાખનો વિકાસ થઇ શકશે. લદાખના 2 સંગઠનો લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ લદાખના 2 અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. લદાખમાં અલગ અલગ જાતિઓના અનેક સમુદાયો વસે છે, જે તેમના વિસ્તારોના વિકાસ માટે આ વિરોધ પ્રદર્શનોમાં જોડાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button