સ્પોર્ટસ

રવિવારે અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર?

બેનોની: ક્રિકેટજગતના સૌથી મોટા બે કટ્ટર દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મૅચ હોય કે નૉકઆઉટ રાઉન્ડની, દુનિયાભરની નજર એ મુકાબલા પર હોય છે. પ્રેક્ષકો અને દર્શકો માટે તો એ મૅચ ક્રિકેટોત્સવ બની જ જતી હોય છે, સ્પૉન્સરો માટે પણ પોતાની બ્રૅન્ડના ફેલાવા માટે એ મૅચ બહુ મોટું પ્લૅટફૉર્મ બની જાય છે અને બ્રૉડકાસ્ટરો, સ્ટેડિયમના આયોજકો તેમ જ નાના-મોટા બિઝનેસમેનો પણ એ મૅચ વખતે ધીકતી કમાણી કરી લેતા હોય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સાવ સાધારણ મૅચ પણ જો હાઈ-વૉલ્ટેજ મુકાબલો બની જતી હોય તો ફાઇનલમાં જો ટક્કર થવાની હોય તો પૂછવું જ શું. મેન્સ વર્લ્ડ કપમાં બંને દેશો ફક્ત 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવ્યા હતા એટલે એ સિવાય નિર્ણાયક મૅચમાં એટલે કે ટૂર્નામેન્ટની ચરમસીમાએ ભારત-પાકિસ્તાનના ઘર્ષણનો બીજો કોઈ અવસર આવ્યો જ નથી. 2007માં લૉન્ગ હેરવાળા એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં ભારત સામેની ફાઇનલમાં હારી જતાં ટી-20નું સૌપ્રથમ ચૅમ્પિયન બનવાની પાકિસ્તાનની ઇચ્છા અધૂરી રહી ગઈ હતી, પણ એણે 2009ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજા ચૅમ્પિયન બનવાથી સંતોષ માની લીધો હતો.


રસપ્રદ વાત એ છે કે સાઉથ આફ્રિકામાં છોકરાઓનો જે અન્ડર-19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને એની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે એમ છે. બૉય્સ જુનિયર વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અગાઉ ફક્ત એકવાર ટક્કર થઈ હતી. 2006ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું હતું. જોકે ભારત સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બન્યું છે, પરંતુ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને, ઑસ્ટ્રેલિયા (બે વાર)ને, સાઉથ આફ્રિકાને અને ઇંગ્લૅન્ડને પરાજિત કર્યા હતા. હવે ફરી એકવાર એશિયાના બંને જાયન્ટ દેશો ફાઇનલમાં આમનેસામને આવી શકે એમ છે.


અન્ડર-19 વન-ડે વિશ્ર્વકપની સેમિ ફાઇનલ લાઇન-અપ નક્કી થઈ ગઈ છે. મંગળવારે બેનોનીમાં ભારત અને યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે (બપોરે 1.30 વાગ્યાથી) ટક્કર થશે અને ગુરુવારે એ જ સ્થળે બીજી સેમી ફાઇનલ પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે (બપોરે 1.30 વાગ્યાથી) રમાશે. જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમિ ફાઇનલમાં વિજયી થશે તો રવિવાર, 11મી ફેબ્રુઆરીએ બેનોનીમાં બંને રાષ્ટ્રો વચ્ચે (બપોરે 1.30 વાગ્યાથી) ખરાખરીનો ખેલ જોવા મળશે.


બીજી ફેબ્રુઆરીએ ભારતે નેપાળને 132 રનથી હરાવીને, એ જ દિવસે સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને 119 રનથી, શનિવારે પાકિસ્તાને બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં પાંચ રનથી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ઑસ્ટ્રેલિયાને વરસાદના વિઘ્નવાળી વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચ અનિર્ણીત રહેતાં સેમિમાં આવવા મળી ગયું. પાકિસ્તાનની ટીમ ક્વૉર્ટર જેવા મુકાબલામાં ફક્ત 155 રન બનાવી શકી હતી અને પછી બાંગ્લાદેશની ટીમ છેક 150 રને ઑલઆઉટ થતાં પાકિસ્તાને પાંચ જ રનથી વિજય મેળવવો પડ્યો હતો. એના પરથી કહી શકાય કે સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ચમત્કાર જ પાકિસ્તાનને જિતાડી શકશે, પણ જો ફાઇનલમાં ભારત આવ્યું હશે તો પાકિસ્તાન માટે બચવું મુશ્કેલ છે. કારણ એ છે કે ઉદય સહરાનની ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે અને છઠ્ઠી વાર ટ્રોફી જીતવા માટે ફેવરિટ પણ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button