Happy Birthday: કરિયરનો ગ્રાફ ઊંચો ચડતો હતો, પણ પ્રેમમાં પડી ને…
પ્રેમ વ્યક્તિને આગળ જવામાં મદદ કરવો જોઈએ. બે પ્રેમી એકબીજાની સફળતાના સાક્ષી બને ત્યારે જ તે સંબંધ સાચો કહેવાય, પરંતુ આમ થતું નથી. ઘણીવાર પ્રેમમાં માણસ એવા નિર્ણયો લઈ લે છે જે વ્યક્તિગત જીવન સાથે વ્યાવસાયિક જીવનને પણ ઊંડી ખાઈ તરફ લઈ જાય છે. આવું જ કંઈક થયું છે આજની બર્થ ડે સેલિબ્રિટી સાથે. તેણે સંઘર્ષ કર્યો, સફળતાની સીડીઓ પણ ચડી, પણ થોડે ઊંચે ગઈ અને પછી ખોટા નિર્ણયો કરી નીચે ખાબકી. સુંદર અને પ્રતિભાશાળી આ સેલિબ્રિટીનું નામ છે ઉર્મિલા માતોંડકર. (Urmila Matondkar) આ મુંબઈ ચી મુલગીનો આજે 50મો જન્મદિવસ છે. પોતાની કારકિર્દીમાં તેણે ઘણી સારી ફિલ્મો આપી છે અને મોટો ચાહકવર્ગ ઊભો કર્યો છે. રાજકારણમાં પણ હાથ અજમાવી ચૂકેલી ઉર્મિલાએ જો એ સમયે સાચા નિર્ણયો લીધા હોત તો તે પણ શ્રીદેવી, માધુરીની જેમ ઘણી લાંબી રેસ દોડી શકી હોત.
ઉર્મિલા માતોંડકર(Urmila Matondkar) 90ના દાયકાની બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. બોલિવૂડની રંગીલા ગર્લ માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેની હિટ ફિલ્મોના પાત્રો માટે પણ પ્રખ્યાત છે. ફિલ્મ આ ગલે લગ જામાં ઉર્મિલાનો રોલ લોકોને પસંદ આવ્યો હતો, પરંતુ 1995માં રિલીઝ થયેલી ફિલ્મ રંગીલા સાથે અભિનેત્રીની કિસ્મત બદલાઈ ગઈ હતી. અભિનેત્રીએ રાતોરાત સ્ટારડમ હાંસલ કરી લીધું હતું.
ફિલ્મ રંગીલા પછી અભિનેત્રીની કરિયરનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હતો. આ ફિલ્મના દિગ્દર્શક રામ ગોપાલ વર્મા હતા. આ પછી અભિનેત્રીએ રામ ગોપાલ વર્મા સાથે 13 ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધવા લાગી. માનવામાં આવે છે કે રામ ગોપાલ વર્મા સાથેનામ સંબંધોના કારણે તેણે સારી ફિલ્મો ઠુકરાવી અને ઈન્ડસ્ટ્રીમાં ઘણા નિર્દેશકો સાથે સંબંધો પણ બગાડ્યા. વર્મા સાથેની તેની ઘણી ફિલ્મો હીટ તો ઘણી ફ્લોપ ગઈ. આ કરતા પણ મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે રામ ગોપાલ વર્માની પત્નીને તેમના પ્રેમસંબંધોની ખબર પડી તો તેણે ઘણો હંગામો મચાવ્યો. એવા પણ અહેવાલ છે કે ડિરેક્ટરની પત્નીએ ઉર્મિલા પર હાથ પણ ઉપાડ્યો હતો. બસ આ કારણે અભિનેત્રીનું કરિયર બરબાદ થઈ ગયું. તે જાણે ગાયબ થઈ ગઈ તેવું કહેવાયું. તે પાછી આવી, પણ હવે એ સોનેરી સમય વીતી ગયો હતો.
ઉર્મિલાએ ઓછા સમયમાં પણ ઘણી સારી ફિલ્મો આપી જેમાં પિંજર, મૈંને ગાંધી કો નહીં મારા, પ્યાર તુને ક્યા કિયા, જુદાઈ વગેરેનો સમાવેશ થાય છે. નૃત્યમાં પારંગત ઉર્મિલાના ઘણા ગીતો પણ સુપરહીટ રહ્યા અને એક સમયે તે માધુરી દિક્ષિતને ટક્કર આપે છે તેમ કહેવાતું હતું.
ગઈ લોકસભાની ચૂંટણીમાં તે ઉત્તર ભારતથી કૉંગ્રેસની બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. તે બાદ તેણે પાર્ટી બદલી ને તે શિવસેનામાં ગઈ. હાલમાં તે રાજકીય રીતે પણ એક્ટિવ હોવાનું જણાતું નથી. આશા રાખીએ તે ફરી અભિનયના ઓજસ પાથરે. અભિનેત્રીને તેના જન્મદિવસની શુભકામના.