Maratah Reservation: ‘ …મેં 2 મહિના પહેલા જ રાજીનામું આપી દીધું હતું’, શિંદે સરકારના પ્રધાનનો ઘટસ્ફોટ
મુંબઈ: મરાઠા અનામતને બબાતે રાજ્યનું રાજકારણ ગરમાયું છે, એવામાં શિંદે સરકારમાં પ્રધાન અને NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સરકારમાંથી રાજીનામું આપી દીધું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવાર જૂથના પ્રધાન છગન ભુજબળે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. OBC નેતા છગન ભુજબળે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર મરાઠા સમુદાયને OBC ક્વોટા માટે પાછળથી સમર્થન આપી રહી છે.
શનિવારે અહમદનગરમાં એક રેલીને સંબોધતા NCPના સિનીયર નેતા ભુજબળે કહ્યું કે, તેઓ મરાઠાઓને અનામત મળવાની વિરુદ્ધ નથી, પરંતુ હાલના OBC ક્વોટાને વહેંચવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, “ઘણા વિપક્ષી નેતાઓ, મારી સરકારના નેતાઓ પણ કહે છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ. કોઈએ કહ્યું કે ભુજબળને કેબિનેટમાંથી બરતરફ કરી દેવા જોઈએ.”
છગન ભુજબળે કહ્યું, “હું વિપક્ષ, સરકાર અને મારા પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે 17 નવેમ્બરે અંબાડમાં આયોજિત OBC એલ્ગાર રેલી પહેલા જ મેં 16 નવેમ્બરના દિવસે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે પછી હું કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો.”
છગન ભુજબળે વધુમાં કહ્યું કે તેઓ બે મહિનાથી વધુ સમય સુધી મૌન રહ્યા કારણ કે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને તેમને આ અંગે બોલવાની મનાઈ કરી હતી. તેમણે કહ્યું કે મને બરતરફ કરવાની કોઈ જરૂર નથી, મેં મારું રાજીનામું આપી દીધું છે. હું OBC સમાજ માટે અંત સુધી લડીશ.
મરાઠા અનામતની માંગને પૂર્ણ કરવા માટે, મહારાષ્ટ્ર સરકાર OBC ક્વોટામાંથી જ મરાઠાઓને અનામત આપવા માંગે છે. આ અંગે છગન ભુજબળ સતત વિરોધ કરી રહ્યા છે. જે બાદ સરકારમાં સામેલ નેતાઓએ તેમના રાજીનામાની માંગ કરી હતી.
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યએ કહ્યું હતું કે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવા બદલ ભુજબળને બરતરફ કરવા જોઈએ.
છગન ભુજબળે કહ્યું, “અમે મરાઠા સમુદાય માટે આરક્ષણનો વિરોધ નથી કરતા, પરંતુ તેમને અલગ અનામત આપવી જોઈએ. અમારા (ઓબીસી) ક્વોટા હેઠળ ના આપો.”
તેમણે કહ્યું કે રાજ્યની વસ્તીમાં ઓબીસી 54-60 ટકા, એસસી/એસટી 20 ટકા અને બ્રાહ્મણો 3 ટકા છે, તેમ છતાં તમામ વિધાનસભ્યો અને સાંસદોને મરાઠા મતો ગુમાવવાનો ડર છે.