ઉત્સવ

મંત્રીશ્રીની હાય-હાય હેરાફેરી…

કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીના જીવનમાં બે જ પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્ત્વની હોય છે,જેમકે….

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

જો આપણે મુખ્યમંત્રીના કામનું વિગતવાર વિશ્ર્લેષણ કરીએ તો એ બે જ કામ આપણને જોવા
મળશે, જેને એ અત્યંત નિષ્ઠાથી એ બિચારા દરેક પરિસ્થિતિમાં કરે છે અને એ છે- દિલ્હી જવાનું અને ત્યાંથી પાછા આવવાનું!
જ્યારે પણ પાંદડાં ખખડ્યાં, ગરમ પવન ફૂંકાયો, કૂકડાઓએ ફડફડાટ કર્યો, કીડીઓ એના દરમાંથી બહાર આવી, પક્ષીઓ શાંત થયાં અને કૂતરાઓએ કાન ઊંચા કર્યા એટલે સમજવું કે મુખ્ય મંત્રીની ગાડી એમના
ઘરેથી નીકળીને એરપોર્ટની દિશામાં દોડી અને આ બાજુ છાપાંમાં ખબર છપાઇ કે મુખ્યમંત્રી દિલ્હી ગયા!
જ્યારે ગરમ હવા ફૂંકાતી ઓછી થઈ,
કૂતરાએ પૂંછડી હલાવી, કોલસો ઓલવાયો, પક્ષીઓ એના માળામાં પાછાં
ફરવા લાગ્યા ત્યારે ખબર પડી મુખ્યમંત્રી દિલ્હીથી પાછા આવી ગયા છે.

કોણ જાણે કેટલી પરિસ્થિતિઓ હશે જેમાં રાજ્યના મુખ્યમંત્રી દિલ્હી જાય છે? કારણસર, કારણ વિના, બોલાવે ત્યારે, બોલાવ્યા વગર, ભાનમાં, બેભાન હાલતમાં, વાસ્તવિકતામાં, સપનાંઓમાં જેવી પરિસ્થિતિઓમાં એ જતા – આવતા રહે છે. એમને એ પણ ખબર નથી હોતી કે કેમ એ દિલ્હી પહોંચ્યા છે? દિલ્હીને પણ ખબર નથી કે એ કેમ દિલ્હીમાં છે?

બસ, ઉપરથી હુકમ આવ્યો ને સી.એમ. દિલ્હીમાં હાજર. ઘણી વાર તો એમનું શરીર દિલ્હીમાં હોય છે અને આત્મા એમનાં રાજ્યની રાજધાનીમાં જ હોય છે. સામાન્ય રીતે તો એવું હોય છે કે આત્મા અને
શરીર બંને દિલ્હીમાં જ હોય છે. ભારતમાં આજે ‘એકતામાં અનેકતા’નું
સૌથી મોટો પુરાવો એ છે કે નેતા કે સી.એમ., ગમે એ પક્ષના હોય અને એ કોઈ પણ રાજ્યનો મુખ્ય મંત્રી હોય તો પણ એ દિલ્હીમાં જ રખડતા જોવા મળે છે.

વિચારશીલ માણસ ભલેને ગમે એટલું વિચારતો રહે કે મુખ્યમંત્રી જ્યારે દિલ્હી ગયા ત્યારે કેવા હતા અને દિલ્હીથી પાછા આવ્યા ત્યારે કયા હાલમાં છે? સામાન્ય રીતે એ રાગ દરબારી’ ગાતા ગાતા એ દિલ્હી જાય છે અને કરુણ રાગ ‘ભીમ પલાસી’ ગાતા ગાતા પાછા આવે છે. એરપોર્ટ પર તો એ બહુ જોશમાં કહે કે અશિસ્તતા અને અરાજકતા જરાયે ચલાવી લેવામાં નહીં આવે! જેથી કરીને વિરોધી પક્ષવાળાઓ સાંભળે અને સમજી જાય કે સી.એમ.નો પાયો સરકારમાં મજબૂત છે.

પણ ખરા સમાચાર તો ત્યારે બને જ્યારે એ રાગ ખુશીનો ‘બિહાગ’ ગાતા ગાતા જાય અને કરુણ રાગ ‘ભૈરવ’ ગાતા ગાતા પાછા આવે. એટલે કે ભજન ગાતા ગાતા ગયા હતા અને મરણગીત ગાતા ગાતા પાછા આવે.

આવી પરિસ્થિતિમાં મુખ્ય મંત્રી નિરાશાની ફિલોસોફિકલ અવસ્થામાં અટવાતા અટાવાતા પોતાની રાજધાનીમાં માંડ માંડ પહોંચી જાય છે.
મુખ્યમંત્રી દિલ્હી ગયા હતા ત્યારે
આખું આકાશ એમનું પોતાનું હતું અને દિલ્હીથી પાછા આવ્યા તો પોતાના જ રાજ્યની જમીન પણ હવે સાવ પારકી થઈ ગઈ હતી. આવામાં મુખ્ય મંત્રીમાં એક સાધુના લક્ષણ આવી જતા હોય છે. એ સાધુની જેમ, જે દરેક સવાલનો વિચિત્ર જ જવાબ આપે
છે, જેમકે…
‘તમે દિલ્હી ગયા હતા?’
‘મને ખબર નથી કે હું ક્યાં ગયો હતો.’
‘જે ફ્લાઈટમાંથી તમે ઊતર્યા એ તો દિલ્હીની હતી.’
‘બની શકે કે એ ફ્લાઈટ દિલ્હીની જ હોય.’
‘તમે દિલ્હી ગયા નહોતા?’
‘છાપાં, ટી.વી. ને મીડિયા મારા કરતાં વધુ સારી રીતે જણાવી શકશે કે ત્યાં હું ગયો હતો કે નહીં?’
………….અને ચૂપચાપ એ માણસ જેને આપણે મુખ્યમંત્રી કહીએ છીએ, એ એની કારમાં બેસીને એના બંગલે જાય છે… અને ફરીથી દિલ્હી જવા માટે ને હાઇકમાંડને મળવા માટે પોતાનો આત્મવિશ્ર્વાસ ફરીથી જગાડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button