ઉત્સવ

રૉલર કૉસ્ટર રાઇડ જેવું પળે પળેરોમાંચનો અનુભવ કરાવતું એક નાટક

રંગભૂમિ -જે.ડી. મજિઠિયા

કોવિડકાળ પછી દરેક વ્યવસાયની જેમ રંગભૂમિના વ્યવસાયને પણ અસર તો થઇ જ હતી. સારાં કહી શકાય એવાં નાટકોની સંખ્યા ઉત્તરોત્તર ઓછી થતી ગઇ છે. એક સમય એવો હતો જ્યારે પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેશ દવે જેવા નાટ્યકારોથી રંગભૂમિ ગાજતી હતી. ત્યાર બાદ પણ આજે અનેક નાટ્યકારોથી રંગભૂમિ ધમધમી રહી છે, પણ હું કોઇનાં નામ નહીં લઉં. રખે ને કોઇ નામ રહી જાય. જોકે ‘માધુરી દીક્ષિત’ નાટક જોયા પછી એક અદકેરો આનંદ થયો.

નાટક એવી કળા છે જેમાં સ્ટેજ પર જીવંત પાત્રો ભજવતા કલાકારોનો ફાળો સહુથી વધુ હોય છે. અલબત્ત લેખક-દિગ્દર્શકનું મહત્ત્વ પણ છે જ, પરંતુ એમની કલ્પનાને સ્ટેજ પર જો સારી રીતે રજૂ કરી શકતા કલાકારો ન મળે તો એ નાટકમાં ક્યાંક ઊણપ રહી જાય છે. ‘માધુરી દિક્ષિત’ નાટકમાં દીક્ષિતનું પાત્ર ભજવતા હેમાંગ વ્યાસને જોયો ત્યારે એવી અનુભૂતિ થઇ કે છેલ્લાં ૩૦-૪૦ વર્ષમાં રંગભૂમિમાં જે પણ કલાકારોને જોયા તેમાં આ એક અદ્ભુત ટેલેન્ટેડ કલાકાર છે. આ જ રીતે માધુરીનું પાત્ર ભજવે છે રિદ્ધિ શુક્લા જેને આપણે ઘણા વર્ષથી સ્ટેજ પર જોઇએ છીએ. એનો અભિનય પણ અદ્ભુત છે. બેઉ કલાકારની કેમિસ્ટ્રી જોઇને એમ થાય કે માધુરી અને દિક્ષિત બેઉ પાત્રો એક ‘માધુરી દીક્ષિત’ નામના નાટકમાં એકાકાર થઇ ગયા છે. બેમાંથી એક થઇ ગયા છે. તેમની વચ્ચે બનતી ઘટનાઓ રૉલર કૉસ્ટર જેવી સવારીનો અનુભવ કરાવે છે. ઘડીકમાં આમ-ઘડીકમાં તેમ,આમ પળે પળે બદલાતી સ્થિતિ ઘણી જ મજા કરાવે છે, આનંદ કરાવે છે. બીજા કલાકારોનો અભિનય પણ યાદગાર છે.

પાત્રવરણી, લેખન અને દિગ્દર્શન પણ ઉત્કૃષ્ટ જ છે. આ નાટક રજૂ કરી રહ્યા છે એ ઉમેશ શુક્લ, સૌમ્ય જોષી અને ચેતન ગાંધીએ તો અગાઉ પણ સારાં નાટક આપ્યાં જ છે. આ નાટક પણ તેમના અનુભવને છાજે એવું નાટક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button