ઉત્સવ

તો તો પૂતળાની સુરક્ષાઅર્થે એ થી ઝેડ પ્લસસિકયોરિટી આપવાની નોબત આવશે!

વ્યંગ -ભરત વૈષ્ણવ

બાપુજી, ડોકટર આંબેડકર સાહેબ આવ્યા છે.’ મણિબેને સરદાર પટેલ સાહેબને સૂચના આપી. સરદાર સાહેબ રેંટિયો કાંતતા હતા. રૂની પૂણી તકલીમાં ગૂંચવાઈ ગયેલ. સરદાર સાહેબ તેને ઠીક કરી.
મણિ, સવારમાં સવારમાં ભીમરાવ આવ્યા છે. પાણીનો કળશિયો લાવો. ભીમરાવ માટે આસન પાથરો!’ સરદાર સાહેબે સૂચના આપી. સરદાર સાહેબના વિશાળ ભાલપ્રદેશ પર ચિંતાની લકીરો પડી. ડોકટર આંબેડકર સાહેબ અંદર આવ્યા.

આવો, પધારો ભીમરાવ. જયહિન્દ. બધું ક્ષેમકુશળ છે ને? આપનું સ્વાસ્થ્ય બરાબર છે?’ સરદાર સાહેબે ઉમંગભેર ડોકટર આંબેડકરનું અભિવાદન કર્યુ. ડોકટર આંબેડકરને આસન ગ્રહણ કરવા કહ્યું.
સરદાર સાહેબ, હું આપની માફી માંગવા આવ્યો છું.’ ડોકટર આંબેડકર સાહેબે બે હાથ જોડી માફી માંગી.

અરે, ભીમરાવ આપને શાની માફી માંગવાની? તમે તો મને પરમ પ્રિય છો.બંધારણસભા અને સરકારમાં આપણે સાથે કામ કર્યું છે. સમાજ સેવામાં વિચારભેદ હોઇ શકે.પણ મનભેદ થયા નથી.અનેક લોકોએ તમને જીવતેજીવત ખુદ દુભવ્યા છે. હજુ પણ તમારા માટે દ્વેષ જારી છે. પરંતું, આપશ્રીએ મને,પંડિતજી કે બાપુને જાણ્યે અજાણ્યે દુભવ્યા નથી.તો પછી હવે,આપે મારી શેની માફી માંગવાની ?’ સરદાર સાહેબે સવિનય કહ્યું.

સરદાર સાહેબ આપણા સમયની વાત જુદી છે. આપણે ગમે તે પક્ષમાં હોઈએ, મતભેદ હોય પણ ક્યારેય કોઇની સામે વિષવમન કરેલ નથી . પંડિતજીએ તેમના મંત્રીમંડળમા મારા સહિત વિપક્ષના પાંચ લાયક નેતાને મંત્રી બનાવી ઉદારતા દાખવેલી હતી. અત્યારના સમયમાં વિપક્ષોને મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત બાજુ પર રહી. પરંતું, પક્ષના નેતાને માર્ગદર્શક મંડળમાં ધકેલી દે છે. નેતાઓ એકમેકને જર્સી ગાય, પચાસ કરોડની ગર્લફ્રેન્ડ, મૂર્ખના સરદાર, પપ્પુ, રાવણ જેવી ગાલી ગલોચ કરે છે! અભિનેતા આમીરખાન ગીતકાર જાવેદ અખ્તરને દેશ અસહિષ્ણુ લાગે છે. વિરોધીને પાર્ટી તગેડવાની વાતો થાય છે. દેશ ઉન્માદના નફરતી વાતાવરણ વધતું જાય છે!’ ડોકટર આંબેડકર સાહેબે વ્યથા વર્ણવી.

ભીમરાવ, જનતાના કામ માટે જાત હોમી દીધી હોય. કોઈક ટીકા કરે, ગાળ દે તો આળા ન થયે પાલવે નહીં. સમાજ નિર્માણના કામ કરવા આપણને કોઇએ કંકુચોખા કયાં ચોડ્યા હતા, લાલ જાજમ બિછાવી, એકવીસ તોપની સલામી આપી નોતરા આપેલ હતા. બાપુએ સ્વઘડતરની તાલીમ આપી છે!’ સરદાર સાહેબે સેવાનો મર્મ સમજાવ્યો.

સરદાર સાહેબ, મહાત્માને ચાહનારા અને ધિક્કારનારની સંખ્યા નાની નથી. પોતાની લીટી મોટી કરવા લોકો મહાત્માને ગાળો આપે છે. એટલે જ ગાંધી તું શું હતો ને શું થઇ ગયો , ગાંધી તું ખુરશી સુધી જવાનો રસ્તો થઇ ગયો એમ શેખાદમ આબુવાલા કહી ગયા છે. બાપુને આદર આપવા દેશમાં અને દેશ બહાર બાપુના પૂતળા મુકાયા છે. ભાન ભૂલેલા માણસો બાપુના પૂતળાના ચશ્મા ચોરી જવા, તોડજોડ કરવી, પૂતળા પર અભદ્ર લખાણ લખે છે. બાપુને રોજનું થયું છે!’ આંબેડકર સાહેબ બોલ્યા.

આંબેડકર સાહેબ, લોકોએ બુદ્ધની પ્રતિમાને છોડી નથી. ભગવાનની મૂર્તિ ખંડિત કરી પ્રજાને ભટકાવવામાં આવે છે. કોઇની પ્રતિમા નષ્ટ કરવાથી ઇતિહાસ ભૂંસી શકાતો નથી. કોઇ વ્યક્તિએ કરેલ કાર્યો નષ્ટ થઇ જતા નથી. હું તો નેતાના પૂતળા મૂકવાનો વિરોધી છું. કુરાનના રચયિતા મોહમ્મદ પયગંબર સાહેબની પ્રતિમા મુકવામા આવતી નથી. નહિંતર છાશવારે મૂર્તિ ખંડિત થતા રમખાણ ફાટી નીકળ્યા હોત. તમારી પ્રતિમાને પણ અવિચારી જાતિવાદી લોકો કયાં બક્ષે છે? એક સરકારે તો તમારી પ્રતિમાનું કેસરીકરણ કરી નાંખેલ!’ સરદાર સાહેબ પ્રતિમા અનાદર માટે પુણ્યપ્રકોપ ઠાલવ્યો!
ત્રિપુરામાં રાજ્ય સરકાર બદલાઇ. નવી સરકારે શોષણહીન સમાજની નીતિના પરિચારક સામ્યવાદના પ્રણેતા લેનિન અને સ્ટાલિનના પૂતળા જેસીબીથી ઉડાવી દીધા!’ ડોકટર આંબેડકર સાહેબે નિરાશા વ્યક્ત કરી .

ડોકટર આંબેડકર સાહેબ, આ દિવસો માટે આપણે અંગ્રેજો સામે લડ્યા હતા? દેશી રજવાડાનું એકત્રીકરણ કર્યું હતું. જે દેશનાયકોનું સન્માન ન કરે એ દેશને પતનથી કોઇ બચાવી ન શકે. આ શતમુખ વિનિપાતની નિશાની છે’ સરદાર વ્યથિત થઇ બોલ્યા.

ખરેખર આપણા દેશના લોકો આઝાદીને લાયક નથી. આઝાદી મળ્યાને પંચોતેર વરસ થયા .છતાં, રાષ્ટ્રગીતના ગાયન સમયે ઉભા થઇ રાષ્ટ્રગીતને સન્માન આપવા સૂચના આપવી પડે તે કેટલું કમનસીબ કહેવાય!’ ડોકટર આંબેડકર નિરાશાથી બોલ્યા.

ડોકટર સાહેબ, મારી સાથે પણ ખેલ થયો છે. મને એકતાની મૂર્તિ માને છે. મારા નામને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડી મારી મજાક કરી છે. મને માન આપના બનાવેલી મૂર્તિની અંદર લિફ્ટ લગાવી મારી છાતીના ભાગમાંથી કેવડિયા ડેમનો નજારો પૈસા લઇ લોકને દેખાડીને મને લોખંડી પુરૂષમાંથી એમ્યુઝમેન્ટનું માધ્યમ બનાવી દીધો છે. મારી મૂર્તિની બહાર લિફ્ટ લગાવી કેવડિયાનું વિહંગાવલોકન કરાવ્યું હોત તો મારી મૂર્તિ મનોરંજનનું માધ્યમ ન બની હોત!’
સરદાર સાહેબે આપવીતી કહી!
કાશ, આપણે બંધારણમાં પૂતળાના સન્માન કરવાની બંધારણીય જોગવાઇ કે પરિશિષ્ટ ઉમેરી શકતા હોત તો આવી બાબત નિવારી શકાઇ હોત!’ ડોકટર આંબેડકરે અફસોસ વ્યક્ત કર્યો!
સરદાર સાહેબ, ઉજજેન શહેરમાં હમણાં ગજબ થઇ ગયો.’ ડોકટર આંબેડકર સાહેબ બોલ્યા.

કેમ શું થયું ? દેશી દારૂ સામે પિકેટિંગ થયું? વિદેશી કાપડની હોળી થઇ? પ્રભાત ફેરી કાઢવામાં આવી ?’ સરદાર સાહેબેધાણીફૂટ સવાલો પૂછ્યા.

ઉજજૈનના માકડોન મંડી ગેટ અને બસ સ્ટેન્ડ પાસે સરકારી જમીન ખાલી પડી છે. ત્યાં લોકોએ સરદાર સાહેબ આપની પ્રતિમા સ્થાપિત કરી હતી. કેટલાક લોકોને મારી પ્રતિમા સ્થાપિત કરવી હતી! એટલે એ લોકો લોખંડના સળિયા લઈ ફરી વળ્યા અને ટ્રેક્ટર દ્વારા સરદારની મૂર્તિને નીચે પાડી દીધી. પછી લાકડી અને પથ્થર મારીને મૂર્તિની તોડફોડ કરી. કેટલું દુખદ કહેવાય. સમજાવટથી એ લોકો મારી અને તમારી એમ બંનેની પ્રતિમાનું સન્માનપૂર્વક સ્થાપન કરી શકતા હોત!’ ડોકટર આંબેડકર આંખમાં અશ્રુ સાથે નકારમાં માથું ધુમાવી બોલ્યા.

આ વાત અહીં અટકે તો ઘણું સારું છે. આ દેશમાં કરોડો લોકોને બે ટંક ખાવાના ફાંફા છે એટલે આખો દિવસ કે અડધો દિવસના ફાકા એટલે કે ઉપવાસ છે. લોકો ડસ્ટબિનમા ફેંકી દીધેલ ઓરાકનો એંઠવાડ આરોગી પેટ ભરે છે. પચીસ ટકા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી! ત્યારે કરોડોના ખર્ચે પૂતળા મુકવામાં આવે છે.જેમના પૂતળા મુકવામાં આવે છે તેની સાફસફાઇની કોઇ વ્યવસ્થા કરવામાં આવતી નથી. પૂતળા પર પક્ષીઓ હગાર કરે છે. પૂતળા ઠંડી,,ગરમી, વરસાદ સહન કરે છે.જે પૂતળામાં મહાનુભાવત્વ આરોપિત કરવામાં આવે છે એના માટે શેડ જેવું કરવું જોઇએ. એસી બેસી ફીટ કરવું જોઇએ.ડનલોપના ગાદલા રાખવા જોઇએ.ભોજન માટે યોગ્ય પ્રબંધ કરવો જોઇએ!કેમ કે,. કોઇ મહાનુભાવ પોતાના પૂતળા મુકવા અનુરોધ કરતા નથી. ઘણાખરા પૂતળા મુકવાના વિરોધી હોય છે. વાસ્તવમાં , પૂતળા મારફતે પાવર કેપ્ચરિંગની ગેમ અચકાવવામાં નહીં આવે તો પૂતળાની રક્ષા માટે એકસથી લઇને ઝેડ પ્લસ સિકયોરિટી આપવી પડશે તે દિવસો દૂર નથી!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ