ઉત્સવ

જે ભણાવે છે એ સૌથી સારી રીતે ભણે છે

મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી

૨૦૧૭માં એક ગુજરાતી ફિલ્મ આવી હતી : ‘ઢ’…..હવે ‘નેટફ્લ્કિસ’ પર પણ ઉપલબ્ધ છે એ ફિલ્મમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્રણ લંગોટિયા દોસ્તારો ગુનગુન- બજરંગ અને વકીલ ભણવામાં ઠોઠ છે. ઠોઠ છે એટલું જ નહીં, રમતિયાળ પણ છે. એમને એ ખબર જ નથી કે એમના અબુધ મગજ પાસેથી વયસ્ક લોકોની નિર્મમ દુનિયા કેટલી મોટી અપેક્ષાઓ રાખે છે.

એમને શાળામાંથી અને ઘરમાંથી નિયમિત ઠપકો મળતો રહે છે. એ ત્રણેય અર્ધ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. એમને એવું ઠસી જાય છે કે એ નકામા છે અને બીજા હોશિયાર વિધાર્થીઓ સામે એમની કોઈ હેસિયત નથી. વર્ગ શિક્ષક પણ એમના ભણવા પર આશા મૂકી દે છે ને હતાશ થઇને કહે છે કે ‘કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.’

રમતિયાળ રખડપટ્ટી દરમિયાન અચાનક એમને જાણ થાય છે કે નજીકના શહેરમાં એમનો પ્રિય જાદુગર સૂર્ય સમ્રાટ જાદુના ખેલ કરવા આવ્યો છે. ત્રણેય ઘરે કે શાળામાં કહ્યા વગર શહેરમાં ઉપડી જાય છે. ત્યાં જાદુના અવનવા ખેલ જોઈને દંગ રહી જાય છે. પાછા આવે છે એટલે શાળાને બંક કરવા માટે એમને સજા થાય છે ને ઘરે પણ ફરિયાદ કરવામાં આવે છે.

ઘરવાળા ત્રણેના હરવા-ફરવા પર પ્રતિબંધ મુકે છે અને કડી મહેનત કરીને ભણવાની ફરજ પાડે છે. મુશ્કેલી એ છે કે એમના ભેજામાં કશું ઊતરતું નથી.

એક દિવસ પિતાઓએ નક્કી કરેલા ફ્રી- ટાઈમમાં ત્રણે ભેગા થાય છે અને કેવી રીતે ભણવું અને કેવી રીતે પાસ થવું તેના પર તુક્કા લડાવે છે. એમાંથી એક દોસ્તને શિક્ષકે મારેલો ટોણો યાદ આવે છે કે, કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો….
એ આ વાતને સાચી માની બેઠો હોય છે. પોતાના દોસ્તારોને એ આઈડિયા આપે છે કે, સાહેબે જ આપણને કહ્યું હતું કે જાદુથી પાસ થઇ જવાશે તો આપણે જાદુગર સૂર્ય સમ્રાટને જ આપણી મુશ્કેલી કહીએ. ત્રણે જણા ખુશ થઈને જાદુગરને પત્ર લખીને પોતાની પરિસ્થિતિ સમજાવે છે – વિનંતી કરે છે કે એમને એક એવો જાદુ શીખવાડે, જેથી એ ત્રણેય પરીક્ષામાં પાસ થઇ જાય.

એમના આશ્ર્ચર્ય વચ્ચે જવાબમાં એમને એક ભેટ મળે છે. એ ભેટ જાદુગર તરફથી આવી હોય છે. ભેટમાં ‘બિરબલ’ નામનું એક માથું હલાવતું રમકડું હોય છે. જાદુગર જવાબી પત્રમાં લખે છે કે આ જાદુ એવો છે કે તમારે જે ભણવાનું
હોય તે બધું આ બિરબલને સામે બેસાડીને તેને ભણાવી દેવાનું. એમાં જાદુ થશે અને તમે પરીક્ષામાં પાસ થઇ જશો….!
ત્રણે દોસ્તાર ખુશ થઈને બિરબલ કોની પાસે કેટલો સમય રહેશે તેનું ટાઇમ ટેબલ બનાવે છે અને ટેબલ પર તેને સામે રાખીને પાઠ્યપુસ્તકોમાંથી મોટા અવાજે તેને પાઠ ભણાવે છે. બિરબલનું ડોકું સતત હાલતું હોય છે એટલે આ ત્રણેય એવું માની લે છે કે એ જે પણ લેશન કરાવી રહ્યા છે તે બરાબર રીતે બિરબલના ભેજામાં ઊતરી રહ્યું છે.

વાસ્તવમાં, એ લેશન એમના ખુદના દિમાગમાં ઊતરી રહ્યું હોય છે અને એ ત્રણેય એ બધું જ યાદ રાખતા થઇ જાય છે જે જે વિષયની
પરીક્ષા થવાની હોય છે. અંતે, ત્રણેય શાળાના શિક્ષકો અને ઘરવાળાઓના આશ્ર્ચર્ય વચ્ચે અવ્વલ નંબરે પાસ થાય છે…! .
આ ફિલ્મમાં આમ તો બાળપણની નિર્દોષતા અને વયસ્કોની દુનિયાની અપેક્ષા વચ્ચેની કશ્મકશનો ચિતાર કરતી વાર્તા છે, પરંતુ એમાં એક ગહેરો મનોવૈજ્ઞાનિક બોધપાઠ છે તે છે કે શીખવાડવાથી શીખવા મળે. ત્રણે દોસ્તાર જયારે બિરબલ નામના રમકડાને પાઠ ભણાવે છે ત્યારે વાસ્તવમાં એ ખુદને ભણાવે છે.

હજારો વર્ષોથી માણસો માનતા આવ્યા છે કે કોઈ વાત સમજવાનો શ્રેષ્ઠ રસ્તો એ વાત-બાબત કોઈને સમજાવાનો છે. આપણે કોઈકને કશુંક સમજાવીએ ત્યારે તે આપણા માટે પણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય.

કશુંક ભણવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈને ભણાવાનો છે. રોમન ફિલોસોફર સેનેકાએ સદીઓ પહેલાં કહ્યું હતું કે, ‘આપણે જયારે ભણાવીએ છીએ ત્યારે આપણે શીખીએ છે.’
હવે તો વિજ્ઞાનીઓએ પણ આ વાતને સાબિત કરી છે. ૨૦૦૭માં, ‘સાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ જર્નલ’માં પ્રકાશિત અભ્યાસોમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પહેલું બાળક એના પછી જન્મેલાં ભાઈ-બહેનો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. કેમ? કારણ કે મોટા હોવાના કારણે એના પર નાના ભાઈ-બહેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી આવી પડે છે, પરિણામે એમનો આઈક્યુ વધે છે.

‘સ્ટેનફોર્ડ’ અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી’ના ઇજનેરો અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ, ‘ઢ’ ફિલ્મના બિરબલ જેવી જ ‘બેટીઝ બ્રેન’ નામનું એક એનિમેટેડ પાત્ર બનાવ્યું હતું, જેને માધ્યમિક શાળાના સેંકડો વિદ્યાર્થીઓ પર્યાવરણીય વિજ્ઞાન શીખવાડતા હતા. આમ તો તે વર્ચ્યુઅલ શિક્ષણ હતું, પરંતુ તે પ્રક્રિયામાં વિદ્યાર્થીઓની સમજણ અને યાદશક્તિમાં ખુબ સુધારો થયો હતો. ‘બેટીઝ બ્રેન’ પર ૨૦૦૯માં ‘જર્નલ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજી’ માં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બેટીઝને સૂચનાઓ આપવામાં રોકાયેલા વિદ્યાર્થીઓનું ખુદનું શિક્ષણ સુધર્યું હતું. તેને ‘પ્રોતેજ ઈફેક્ટ’ કહે છે- પ્રોતેજ એટલે વડીલ અથવા રક્ષક હોવાની અસર. તમને ખબર પડે કે તમારે કોઈક વિષય કોઈકને ભણવાનો છે ત્યારે તમે જાત માટે ભણતાં હો તેની સરખામણીમાં, બીજાને ભણાવવા માટે એ વિષયમાં વધુ મહેનત કરો છો. એ પ્રક્રિયામાં એમનું જ્ઞાન વધુ મજબૂત થાય છે. ટૂંકમાં, ક્લાસરૂમમાં માત્ર વિદ્યાર્થી જ હોશિયાર નથી થતો- શિક્ષકનું જ્ઞાન પણ વધે છે.
તમે જે જાણતા હો તે બીજાને શીખવાડવાનું હોય, ત્યારે તમારે તેના વિશે અલગ રીતે વિચારવું પડે છે. તે તમને તમે જે શીખ્યા છો તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.

દાખલા તરીકે, એક પ્રોફેસરને બાળમંદિરમાં ભણાવાનું આવે તો, એણે બાળ મનના સ્તરે આવીને સમજાવવું પડે. તેનાથી એના જ્ઞાનની જટિલતા વધુ સરળ અને સુબોધ બને છે.

જ્યારે તમે કોઈને કંઈક શીખવો છો ત્યારે તમારે તેને તમારા પોતાના શબ્દોમાં મૂકવું પડે. તેનાથી તે વાત તમારા મગજમાં દ્રઢ રીતે બેસી જાય છે અને પછીથી તેને યાદ રાખવાનું સરળ બને છે. જ્યારે તમે બીજાને કંઈક સમજાવો છો ત્યારે તમને ઘણીવાર તમારી પોતાની સમજણમાં અંતર જોવા મળે છે. પછી તમે વધુ સંશોધન અથવા અભ્યાસ કરીને તે અંતરને ભરો છો.

માટીકામના એક શિક્ષકે એના ક્લાસને બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથને કહ્યું કે, તમારે આ સત્રમાં માટીકામ, આયોજન, ડિઝાઈન અને એક પરફેક્ટ વાસણ બનાવવાનું છે. સત્રના અંતે કોનું વાસણ શ્રેષ્ઠ છે તેની હરીફાઈ થશે.

બીજા જૂથને શિક્ષકે કહ્યું, તમે આ સત્ર બહુ બધાં વાસણો બનાવવાનું કામ કરશો. કોણ વધુ વાસણો બનાવે છે તેના પર સત્રના અંતે માર્ક્સ મળશે અને તમારા શ્રેષ્ઠ વાસણને હરીફાઈમાં મૂકવાની તક મળશે.
પહેલું જૂથ એક શ્રેષ્ઠ વાસણ કેવી રીતે બને તેનો અભ્યાસ કરવામાં અને અને ઉત્તમ ડિઝાઈન બનાવામાં વ્યસ્ત થઇ ગયું.

બીજું જૂથ ફટાફટ બહુ બધી માટી લઇ આવીને નાનાં-મોટાં, સાદાં-જટિલ વાસણો બનાવવા લાગી ગયું. અનેક અઠવાડિયા સુધી મહેનત કરીને એમના હાથ પણ તાકાતવર થઇ ગયા. સત્રના અંતે, બંને જૂથ પોતપોતાનાં શ્રેષ્ઠ વાસણો લઈને હરીફાઈમાં આવ્યાં. છેેલ્લે, પરિણામ જાહેર થયું ત્યારે જે છોકરાઓને બહુ બધાં વાસણો બનાવાની પ્રેક્ટિસ કરી હતી એમનાં વાસણ વધુ સારાં સાબિત થયાં, જયારે જેમણે એક શ્રેષ્ઠ વાસણ બનાવવા માટે આયોજન કર્યું હતું એમનું વાસણ ઉતરતું સાબિત થયું.

    આનો સાર એટલો કે જીવનમાં કોઈ કુશળતા હાંસલ કરવી હોય તો બહુ બધાં વાસણ બનાવવાં....

‘ઢ’ ફિલ્મમાં ત્રણ દોસ્તારોએ બિરબલને બહુ બધું ભણાવીને જ કુશળતા હાંસલ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…