ઉત્સવ

સોરેન પરિવારનો બચાવ કઈ રીતે થાય?

આ સમગ્ર પરિવારની ક્રાઈમ કુંડળી એવી છે કે સિસિલી- મેક્સિકોના માફિયાને પણ ઈર્ષા જાગે!

કવર સ્ટોરી -વિજય વ્યાસ

અંતે ધાર્યું હતું અને જે થવાનું હતું એ થઈને જ રહ્યું.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલભેગા થઈ ગયા. સોરેન અને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)’ વચ્ચે રાંચીની સાડા આઠ એકર જમીનની ફાળવણીમાં ભ્રષ્ટાચારના મુદ્દે લાંબા સમયથી સંતાકૂકડી ચાલ્યા કરતી હતી. સોરેન સામે સાહિબગંજમાં ગેરકાયદેસર રીતે ખાણોમાં ખનન મુદ્દે પણ ઈડી’એ કેસ કર્યો છે. આ કેસમાં પણ વારંવાર સમન્સ મોકલવા છતાં સોરેન હાજર નહોતા થતા, પણ બહુ દબાણ વધતાં છેવટે નવેમ્બરમાં હાજર થયેલા. એ વખતે ‘ઈડી’એ ૧૦ કલાક સુધી સોરેનની પૂછપરછ કરીને જવા દીધા હતા.

રાંચી જમીન કૌભાંડમાં પણ ‘ઈડી’ એ સોરેનને સાત વાર સમન્સ મોકલેલાં, પણ સોરેન હાજર ના થતાં છેવટે ‘ઈડી’ની ટીમ સોરેનના દિલ્હીના નિવાસસ્થાને ગયેલી પણ સોરેન છૂ થઈ ગયેલા. બે દિવસ લગી લાપતા રહ્યા પછી સોરેને ઝારખંડની રાજધાની રાંચીમાં પ્રગટ્યા ને પોતાની પાર્ટી ‘ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)’ના ધારાસભ્યો સાથે બેઠક કરી. ‘ઈડી’ને આ વાતની ખબર પડતાં જ એની ટીમ સોરેનના નિવાસસ્થાન એટલે કે ઝારખંડ સીએમ હાઉસ
પહોંચી ગઈ.

સોરેનને એમની ધરપકડ થવાની છે એવું જાણ કરી દેવામાં આવી એટલે સોરેને ઈડી’ ની ટીમ સાથે જ રાજ્યપાલ પાસે ગયા ને રાજીનામું ધરી દીધું.
આમ તો હેમંત સોરેનનો ગેમ પ્લાન પોતાના સ્થાને પત્ની કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાનો હતો, પણ એમનો નાનો ભાઈ બસંત અને ભાભી સીતા જ વંકાતાં છેવટે હેમંતે વરિષ્ઠ નેતા ચંપઈ સોરેનને મુખ્યમંત્રીપદે બેસાડવા પડ્યા છે.

સોરેનની ધરપકડ પછી કૉંગ્રેસ સહિતના વિપક્ષો મેદાનમાં આવી ગયા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પરેશાન કરવા કરે છે એવું કોરસ શરૂ થઈ ગયું છે. હેમંત સોરેને પણ આદિવાસી કાર્ડ રમીને એવું કહ્યું કે, એક આદિવાસી યુવા નેતા ઝારખંડનો મુખ્યમંત્રી બન્યો ને એના નેતૃત્વમાં ઝારખંડ વિકાસ કરી રહ્યું છે એ ભાજપના નેતાઓથી સહન થતું નથી તેથી અમને દબાવી દેવા એજન્સીઓને છૂટી મૂકી દેવામાં આવી છે.

વિપક્ષના નેતા બીજો પણ ઘણો એવો બકવાસ કરી રહ્યા છે જે સાંભળીને ખરેખર ગુસ્સો આવે છે કેમ કે આ નમૂના આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી ભ્રષ્ટ અને સૌથી ગુનાઈત માનસિકતા ધરાવતા રાજકીય પરિવારોમાંથી એક પરિવારનો બચાવ કરી રહ્યા છે, એમનાં પાપોને છાવરી રહ્યા છે.

સોરેન પરિવારનો ઈતિહાસ ગુનાઈત કૃત્યો અને ભ્રષ્ટાચારથી હર્યોભર્યો છે. સોરેન પરિવાર છેલ્લા પાંચ દાયકાથી રાજકારણમાં છે ને આ પરિવારના નામે એવા એવા
અપરાધ- એવા ભ્રષ્ટાચાર બોલે છે કે જેની વાત સાંભળીને માથું ચકરાઈ જાય.

ભારતમાં ઘણા રાજકીય પરિવારો એવા છે કે જેમણે બેફામ ભ્રષ્ટાચાર કરીને અબજો રૂપિયા બનાવ્યા. લાલુ પ્રસાદ યાદવ કે પ્રકાશસિંહ બાદલ વગેરે એવા નેતા છે કે જેમના પરિવારો માથાના વાળથી લઈને પગની પાની સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, પણ સોરેન પરિવાર બધાંથી બે ચાસણી ચઢે એવો છે ,કેમ કે હેમંતના પિતા શિબુ સોરેનના નામે કુખ્યાત અપરાધીના નામે હોય એવા હત્યા- ધાડ સહિતના ગુના પણ બોલે છે. શિબુ સોરેન ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા- ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા તો પુત્ર હેમંત બે વાર મુખ્યમંત્રી બન્યો ને આ દરમિયાન આ પરિવારે અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે.

સંથાલ પરિવારમાં જન્મેલા શિબુ સોરેને ૧૮ વર્ષની ઉંમરે ‘સંથાલ નવયુવક સંઘ’ની સ્થાપના કરી પછી એ વખતના બિહારમાં કાળો કેર વર્તાવેલો. શિબુ સોરેને ૧૯૭૨માં એ.કે. રોય અને બિનોદ બિહારી મહાતો સાથે મળીને ‘ઝારખંડ મુક્તિ મોરચા’ની રચના કરેલી. રાજકીય પક્ષ સ્થાપ્યા પછી શિબુએ આદિવાસીઓને અધિકારો અપાવવાના નામે ચળવળ શરૂ કરીને હાલના ઝારખંડના પ્રદેશમાં સમાંતર સરકાર જ શરૂ કરી દીધી હતી. બિનઆદિવાસીઓની જમીનો પર કબજો કરીને ખેતી કરવી સહિતના ધંધા શિબુ સોરેન કરતા.

શિબુ પોતાની અદાલત ભરતા ને ન્યાય આપતા. એમના ચુકાદાનું પાલન ના કરે તેનું શું થતું એ કહેવાની જરૂર નથી. ૧૯૭૫માં શિબુએ બહારનાં લોકોને આદિવાસી વિસ્તારોમાંથી હાંકી કાઢવા ચળવળ શરૂ કરી. આ ચળવળ દરમિયાન સત્તાવાર રીતે ૧૧ લોકોની હત્યા થયેલી, બિન સત્તાવાર રીતે આંકડો બહુ મોટો હતો. ૨૩ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ ચિરુદીહમાં ૯ મુસ્લિમ સહિત ૧૦ લોકોની હત્યા થયેલી ને શિબુ તેમાં મુખ્ય આરોપી હતા.

રસપ્રદ વાત એ છે કે, ૨૦૦૪માં આ કેસ ખૂલ્યો ત્યારે શિબુ સોરેન કેન્દ્રની કૉંગ્રેસ સરકારમાં મંત્રી હતા. કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢતાં શિબુએ પણ દીકરા હેમંતની જેમ ભાગી જવું પડેલું. પોલીસે એમને પકડ્યા પછી મહિનો જેલમાં પણ રહેવું પડેલું. શિબુ સોરેન ૧૯૯૩ના ‘જેએમએમ’ લાંચ કેસમાં પણ બદનામ થયેલા. નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરવા બદલ સોરેને લાખોની લાંચ લીધેલી. એમનો પર્સનલ સેક્રેટરી શશિકાન્ત ઝા આ વિશે જાણતો હતો. એણે પોતાનો હિસ્સો માગતાં એને પતાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં શિબુ સોરેનને આજીવન કેદની સજા થયેલી. ભારતના ઈતિહાસમાં કોઈ કેન્દ્રીય મંત્રીને ખૂન કેસમાં સજા થઈ હોય એવું પહેલી વાર બનેલું. શિબુ સોરેન પછીથી નિર્દોષ છૂટેલા એ અલગ વાત છે.

શિબુના આવા ‘ભવ્ય’ ભૂતકાળનો વારસો એમનાં સંતાનોને પણ મળ્યો છે. શિબુનો રાજકીય વારસ એમનો મોટો દીકરો દુર્ગા હતો. દુર્ગા પણ સમાંતર સરકાર ચલાવતો ને પોતાની અદાલતો ભરીને ન્યાય તોળતો. ૨૦૦૯માં બ્રેઈન હેમરેજના કારણે એનું શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ ગયું પછી શિબુએ બીજા નંબરના દીકરા હેમંતને રાજકીય વારસ તરીકે આગળ કર્યો. હેમંતનાં કારનામાં તો સૌને ખબર છે જ. હેમંત ઓડિશાની કલ્પનાને પરણ્યો છે કે જે બિઝનેસ વુમન’ તરીકે ઓળખાય છે. એની કંપનીઓને હેમંતે સરકારી જમીનોની મફતના ભાવે લહાણી કરી છે.

હેમંતના મોટા ભાઈ દુર્ગાની પત્ની સીતા પણ રાજકારણમાં છે ને અત્યારે ધારાસભ્ય છે. એ પણ ઓછી માયા નથી . એ તો વળી માફિયા ક્વીન છે. ૨૦૧૨માં રાજ્યસભાની ચૂંટણી વખતે મતના બદલામાં નાણાં લેવાના કેસમાં નવ મહિના જેલની હવા ખાઈ આવેલી સીતા અત્યારે જામીન પર બહાર છે. સીતાને મુખ્યમંત્રીપદના અભરખા છે. હેમંતનો સૌથી નાનો ભાઈ બસંત ‘જેએમએમ યુવા મોરચા’નો પ્રમુખ છે એને પણ મુખ્યમંત્રી બનવું છે. બસંત પણ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલો છે ને એના નામે પણ બીજાં અનેક કાંડ બોલે જ છે.

સોરેન પરિવારની એકદમ ટૂંકાણમાં દર્શાવેલી આ કરમ કુંડળી છે, બાકી ઈતિહાસ ઉખેળો તો આખો ચોપડો ભરાય. હવે આવા પરિવારને કૉંગ્રેસના નેતા દૂધે ધોયેલો ગણાવી રહ્યા છે – મોદી સરકાર એની કનડગત કરી રહી છે એવું કહી રહ્યા છે એ જોયા પછી કૉંગ્રેસનાં નીતિમત્તાનાં ધોરણે વિશે કશું ઉમેરવાની જરૂર ખરી ?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…