વલસાડમાં તિથલ રોડ પર એકકલાકના ગાળામાં બે યુવક ઢળી પડ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની રહ્યો છે. વલસાડમાં એક કલાકના ગાળામાં જ હાર્ટ એટેકથી બેના મોત નિપજ્યા હતા. જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વલસાડના તિથલ રોડ પર જ રસ્તે ચાલતા એક રાહદારીને હાર્ટ એટેક આવ્યો હતો. સેગવીના રાજેસિંઘે નામના વ્યક્તિ રસ્તે ચાલતા જ ઢળી પડ્યા હતા. જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બસ આ ઘટનાના એક કલાક બાદ એ જ તિથલ રોડ પર ફોન પર વાત કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ચાલતા ચાલતા ઘરેથી નોકરી જવા નીકળ્યા હતા. જીમીત રાવલ (ઉં.વ.૩૦) વાત કરતા કરતા અચાનક ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જીમીત રાવલ વલસાડ આરટીઓમાં નોકરી કરતા હતા. આમ, તિથલ રોડ પર ૫૦૦ મીટરના અંતરે હાર્ટ એટેકથી બેનાં મોતથી ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ, સુરતમાં જહાંગીરપુરા વિસ્તારના તેજસ રાઠોડ (ઉં.વ.૨૨) નામના યુવકને ઘરમાં અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તેને સારવાર મળે તે પહેલા તબીબે મૃતક જાહેર કર્યા હતા. તેજસ રાઠોડને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુ:ખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.