પ્રોજેક્ટ્સ માટેનો ખર્ચ રૂ. બે લાખ કરોડ, પણ પાલિકા કંગાલ
એફએસઆઇ, લીઝ હોલ્ડ, જાહેરાત દ્વારા ભંડોળ ભેગું કરવાની યોજના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા માળખાકીય પ્રોજેક્ટ માટે મુંબઈ મહાનગરપાલિકા બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચી કરી રહી છે, પરંતુ તેની સામે હાથમાં ભંડોળ ઓછું છે. તેથી પાલિકાએ આવક ઊભી કરવા માટે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં અનેક પગલાં સૂચવ્યા છે. આવકનો નવો સ્ત્રોત ઊભો કરવા માટે તેનો અભ્યાસ કરવા અને સૂચનો માટે પાલિકા સલાહકાર નીમવાની છે.
તો લીઝ હોલ્ડ અને ભાડૂત મિલકતમાંથી વાર્ષિક સ્તરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા રળવાનો પ્રાલિકા અંદાજ રાખ્યો છે. એ સિવાય ફરી એક વખત મહારાષ્ટ્રની બહારથી પાલિકાની હૉસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો માટે અલગથી ફી સ્ટ્રક્ચર ઊભું કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
મુંબઈમાં પાલિકા દ્વારા હાલ અનેક મોટા પ્રોજ્ક્ટ પર કામ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રિન્સેસ સ્ટ્રીટથી બાંદ્રા-વરલી સી લિંક સુધીનો કોસ્ટલ રોડ, ગોરેગામ-મુલુંડ લિંક રોડ અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ સમયસર પૂરા થાય તે માટે પાલિકાને મોટા પ્રમાણમાં મૂડી ખર્ચની(ભંડોળ) આવશ્યકતા છે.
તેથી આ વર્ષે પણ પાલિકા માળખાકીય પ્રોજેકટ માટે પોતાની ફિક્સ ડિપોઝિટમાંથી ૧૧,૬૨૭ કરોડ રૂપિયા ઉપાડવાની છે. તો પાલિકાના રિઝર્વ ફંડ (અનામત)માં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના ૮૮,૨૧૬ કરોડ રૂપિયા હતી, તે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ના ૮૪,૮૨૪ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
પાલિકા આવક ઊભી કરવા માટે એફએસઆઈ અને જાહેરાતના અધિકારનો ઉપયોગ કરવાનો વિચાર કરી રહી છે. સામાન્ય રીતે રસ્તાઓ અને બ્રીજ માટે ટોલ ચાર્જીસ અમલમાં મૂકીને તેમાંથી તેની જાળવણીનો ખર્ચ કરતી હોય છે. પાલિકાએ હવે આ પ્રોેજેક્ટની જાળવણી સહિત તેના અન્ય ખર્ચાને પહોંચી વળાય તે માટે સલાહ લેવા સલાહકારની નિમણૂક કરીને અભ્યાસ કરવાની છે.
પાલિકાના અધિકારીના કહેવા મુજબ જાહેરાતના અધિકારના રૂપમાં પણ આવક ઊભી કરી શકાય છે. એ સિવાય પાલિકાએ એવો આગ્રહ રાખ્યો છે કે વધારાની ૦.૫૦ એફએસઆઈ માટે પ્રીમિયમ ચાર્જિસથી પ્રાપ્ત થતી આવક ૨૫ ટકાને બદલે ૭૫ ટકા હિસ્સો આપવાની તેમ જ ફંજીબલ કોમ્પેન્સેટરી એફએસઆઈના પ્રીમિયમમાં ૫૦ ટકા હિસ્સાને બદલે ૭૦ ટકા હિસ્સો મળવો જોઈએ, તે માટે સરકારને લેખિતમાં માગણી પણ કરવામાં આવી છે.
પાલિકા રિડેવલપમેન્ટમાંથી પણ આવક ઊભી કરવાનું લક્ષ્યાંક રાખી રહી છે, જેમાં પાલિકાએ વોર્ડમાં પાલિકાની ભાડૂત મિલકતો અને ઈમારત/પ્લોટનો ક્લસ્ટર વિકાસ કરવા માટે બિડ આમંત્રિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એ સિવાય પાલિકા પ્લોટની હરાજી સહિતના વિવિધ વિકલ્પોનો પણ વિચાર કરી રહી છે. પોતાના ખાલી પડેલા પ્લોટની નાણાકીય અભ્યાસ કરી રહી છે.
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે પાલિકાની મુંબઈમાં ૩૫ લાખ કરોડની મિલકત છે, પરંતુ તેમાંથી માત્ર ૫૦૦ કરોડ રૂપિયાી આવક થાય છે. તેથી અમારી પોતાની મિલકતો પર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરશું અને પોતાની પ્રોપર્ટીમાંથી આવક ઊભી કરશું, જેમાં દહિસર અને માનખુર્દ ઑક્ટ્રોય નાકા પર ટ્રાન્સપોર્ટ એન્ડ કર્મશિયલ હબ બનાવીને વાર્ષિક સ્તરે ૩,૦૦૦ કરોડ રૂપિયાની મિલકત ઊભું કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
પાણી અને ગટરના શુલ્કમાં વધારો કરીને પણ પાલિકા આવક ઊભી કરવા માગે છે. પાલિકા સાત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન પાછળ ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે, જેની પ્રતિદિનની ક્ષમતા ૨,૪૬૪ મિલિયન લિટર ગંદા પાણી પ્રક્રિયા કરે છે. આ પ્રોેજેક્ટ પર વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે પાલિકા વોટર ચાર્જીસ અને સીવરેજ ચાર્જીસમાં સુધારા કરવા માટેના અભ્યાસ કરવાની છે.