વર્સોવા-ગોરેગામથી રૂ. 2.21 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત: બે નાઇજીરિયન સહિત ચાર જણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્સોવા અને ગોરેગામ વિસ્તારમાંથી રૂ. 2.21 કરોડની કિંમતનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને બે નાઇજીરિયન સહિત ચાર જણની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓ શુક્રવારે વર્સોવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર શખસ પર પડી હતી. શખસની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસ ટીમે તેને તાબામાં લીધો હતો. તેની ઝડતી લેવામાં આવતાં રૂ. 2.04 કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
આરોપી આ ડ્રગ્સ અહીં જેને વેચવા આવ્યો હતો, તેને પણ બાદમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ મહેન્દ્ર ચંદ્ર સિંહ (40) અને સૈયદ મુર્તઝા સૈયદ રેઝા ફાહમી (37) તરીકે થઇ હતી.
દરમિયાન એએનસીના ઘાટકોપર યુનિટના સ્ટાફે ગુરુવારે ગોરેગામમાં આરે કોલોનીમાં બસસ્ટોપ નજીક કાર્યવાહી કરીને બે નાઇજીરિયનને તાબામાં લીધા હતા. બંને પાસેથી રૂ. 17.40 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી બંને નાઇજીરિયન વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને 6 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આરોપીઓ વિરુદ્ધ એમઆરએ માર્ગ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરોમાં ગુના દાખલ હોઇ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જામીન પર છૂટ્યા બાદ બંને આરોપી ગોરેગામ, વસઇ, વિરાર, નાલાસોપારામાં ડ્રગ્સ વેચવા લાગ્યા હતા.