Gujarat: ગોઝારો શનિવાર-અડધો દિવસ નથી ગયો ત્યાં પાંચને ભરખી ગયો
અમદાવાદઃ અમુક દિવસો આખા રાજ્ય માટે દુઃખદ સમાચાર લઈને આવતા હોય છે. શનિવારનો દિવસ હજુ તો અડધો નથી ગયો ત્યાં ગુજરાતના રસ્તાઓ પર લોહી રેડાઈ ચૂક્યું છે. આજના જ દિવસમાં પાંચ જણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાના સમાચાર મળ્યા છે.
રાજ્યમાં અલગ અલગ ત્રણ ઘટના બની છે, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં લીંબડી બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. જ્યારે આણંદ આંકલાવ નજીક ટેન્કર અને પીકઅપના અકસ્માતમાં 2 ના મોત થયા છે. જ્યારે બનાસકાંઠામાં સ્કુલ બસની ટક્કરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
આણંદમાં આંકલાવના મુજકુવા પાસે ટેન્કર અને પીકઅપ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ તરફ બનાસકાંઠામાં વડગામમાં સ્કુલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અભુભાઈ ઠાકોરનું મોત નીપજ્યું છે. દુ:ખદ વાત એ છેકે, 22 દિવસ પછી ઘરે લગ્ન છે ત્યારે ઘરના મોભીનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
જ્યારે અન્ય એક અકસ્માતમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જનશાળી ગામના પાટીયા પાસે સિક્સ લેન રસ્તાનું કામ ચાલુ હોવાથી રસ્તો વન – વે હતો. જેના કારણે બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 જણને ઈજા પહોંચતા સારવાર માટે હૉસ્પિટલે ખસેડવામાં આવ્યાના અહેવાલો છે.