રાજ્યમાં અપરાધો રોકવા માટે સીએમ શિંદેનું રાજીનામું લેવું જોઈએ, આવી માગણી કોણે કરી
ઠાણે: કલ્યાણ શહેરના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જુથના એક કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને વધુ એક વ્યક્તિ પર ગોળીબાર કરતાં શહેરમાં હોબાળો મચ્યો છે. ભાજપના વિધાનસભ્યએ આ રીતે કાયદો હાથમાં લેતા વિરોધી પક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી છે.
ગોળીબાર કરતાં ગણપત ગાયકવાડે કહ્યું હતું કે મે કરેલા કૃત્ય પર મને કોઈ પણ અફસોસ નથી. ગણપત ગાયકવાડે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પુત્ર વિધાનસભ્ય શ્રીકાંત શિંદે પર ગંભીર આરોપ લગાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદે પાસેથી રાજીનામું લેવું જોઈએ એવું એવી પણ માગણી કરી હતી.
એક મીડિયા રિપોર્ટ મુજબ ગાયકવાડે આરોપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રને ગુનેગારોનું રાજ્ય બનાવી રહ્યા છે. તેમના સીએમ રહેવાથી મહારાષ્ટ્રમાં ગુનેગારો પેદા થશે. શિંદેએ અમારા જેવા સારા માણસોને અપરાધી બનાવ્યા છે. મે માનસિક ત્રાસને લીધે ગોળીબારી કરી હતી. મારી સામે મારા છોકરા સાથે પોલીસ સ્ટેશનમાં ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે. હું મહેશને જીવે મારવા નહોતો માગતો મે આ કૃત્ય આત્મરક્ષણ માટે કર્યું હતું.
આરોપી વિધાનસભ્ય ગણપત ગાયકવાડે સીએમ શિંદે પર રાજ્યમાં અપરાધોને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ કર્યો હતો અને રાજ્યમાં ગુનાઓને સમાપ્ત કરવા માટે શિંદેનું રાજીનામું લેવું જોઈએ એવું પણ કહ્યું હતું. ગાયકવાડે કહ્યું કે મને આ કૃત્યનો અફસોસ નથી હું માત્ર એક વેપારી છું. મે આ બધુ મારા પુત્ર માટે કર્યું છે.
શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે ગદ્દારી કરી છે અને તે હવે ભાજપ સાથે પણ ગદ્દારી કરશે. એકનાથ શિંદે પાસે મારા કરોડો રૂપિયા બાકી છે. હું વડાપ્રધાન મોદી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે તેમણે એકનાથ શિંદેનું રાજીનામું કેવું જોઈએ.
શું છે સંપૂર્ણ ઘટના?
ગણપત ગાયકવાડે કહ્યું હતું કે દસ વર્ષ પહેલા એક જગ્યા ખરીદી હતી. જમીનના માલિકને મે પૈસા આપ્યા હતા પણ તે દસ્તાવેજો પર સહી નહોતી કરી. જેથી કોર્ટમાં ફરિયાદ કરી અને કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જમીન અમારા નામે થયા બાદ મહેશ ગાયકવાડે તે જમીન પર ગેરકાયદે કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ગુંડાઓ બોલાવી પોલીસ સ્ટેશનમાં મારા દીકરા સાથે ધક્કાબુકકી કરી જેથી મે તેના પર ગોળીબાર કર્યો હોવાની માહિતી ગણપત ગાયકવાડે આપી હતી.