Bharat Jodo Yatra Cost 145 દિવસની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ખર્ચ કુલ આટલા કરોડ રૂપિયા…..
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વર્ષ 2022-23માં ભારત જોડો યાત્રા કરી હતી. 145 દિવસની આ યાત્રા કન્યા કુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી. ત્યારે વર્ષ 2022-23ની આ યાત્રા પર કુલ 71.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે 145 દિવસ સુધી ચાલી રહેલી ‘ભારત જોડો યાત્રા’ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. કોંગ્રેસની આ યાત્રામાં રોજનો એવરેજ 49 લાખ રૂપિયાથી પણ વધુ ખર્ચ થયો હતો. નાણાકીય વર્ષ 2022-23 માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં ફાઈલ કરવામાં આવેલા વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર 2022-23માં ચૂંટણી પહેલાના સર્વે પ્રમાણે 40 કરોડ 10 લાખ 15 હજાર 572 રૂપિયા જેટલી રકમનો ખર્ચ થયો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી બાદનો ખર્ચ 192.5 કરોડ રૂપિયાથી વધુ હતો. એટલે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રામાં રોજનો 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. એક સર્વે મુજબ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની તેમની મુસાફરીમાં તેમને પ્રતિ કિલોમીટર રૂ. 1.59 લાખનો ખર્ચ થયો હતો.
કોંગ્રેસ પાર્ટીએ 2022માં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં અને 2023ની શરૂઆતમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી લડી હતી. હિમાચલ પ્રદેશમાં પાર્ટીનો વિજય થયો હતો. અને આ ચૂંટણી લડવા માટે કોંગ્રેસને નાણાકીય વર્ષ 2022-23 માટે 452.30 કરોડ રૂપિયાનું ફંડ પણ મળ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના આ રિપોર્ટ પ્રમાણે તો પાર્ટીની આવક કરતા ખર્ચ વધી ગયો છે. 2021-22 અને 2022-23 વચ્ચે કોંગ્રેસનો કુલ ખર્ચ રૂ. 400 કરોડથી વધીને રૂ. 467 કરોડ થયો છે. કોંગ્રેસની આવક 2021-22માં 541 કરોડ રૂપિયાથી ઘટીને 2022-23માં 452 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પાર્ટીને 2021-22માં 347 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. જ્યારે 2022-23માં લગભગ 80 કરોડ જેટલું ઓછું ફંડ મળ્યું હતું.