સંસદના બજેટ સત્રમાં એનસીપીના અમોલ કોલ્હેની કવિતા છે ચર્ચામાં, તમે પણ સાંભળો

નવી દિલ્હીઃ હાલમાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર બાદ લોકસભાની ચૂંટણી આવશે અને ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે સત્તાપક્ષમાં કોણ બેસશે અને વિપક્ષમાં કોણ બેસશે. આથી તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે કે સત્તાપક્ષમાં તેમના સાંસદો બેશે. છેલ્લી બે ટર્મથી ભાજપની આગેવાની હેઠળ એનડીએના સરકાર સત્તા પર છે અને આ તેમની બીજી ટર્મનું છેલ્લું સત્ર છે. બે દિવસ પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે ચાલી રહેલું સત્ર આજે એક અલગ કારણથી ચર્ચમાં છે. આ સત્રમાં એનસીપીના શરદ પવાર જૂથના સાંસદ અને અભિનેતા ડૉ. અમોલ કોલ્હેએ એક કવિતા સંભળાવી છે. આ કવિતા કેન્દ્રીય સરકાર પર વાર કરી રહી છે. તેમની આ કવિતા સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ છે. કોલ્હેએ કવિતામાં રામ મંદિર સાથે બીજી બધી વાતોને સાંકળી લીધી છે.
પોતાની સ્પીચની શરૂઆતમાં કોલ્હેએ પોતાના વિસ્તારના મુદ્દા ઉઠાવ્યા હતા. દેશમાં દરેક વ્યક્તિને ભયમુક્ત જીવવાનો અધિકાર છે શિરુર લોકસભા મતવિસ્તારમાં વારંવાર થતા દીપડાના હુમલાએ મોટો મુદ્દો ઉઠાવ્યો છે. જેના કારણે ગ્રામજનોને ભયના વાતાવરણમાં જીવવું પડે છે, કોલ્હેએ આ મુદ્દે ગૃહનું ધ્યાન દોર્યું હતું. આ જગ્યાએ થ્રી ફેઇઝ વીજ પુરવઠો ન હોવાથી ખેડૂતોને તેમના પાકને પાણી આપવા માટે રાત્રીના અંધકારમાં જવું પડે છે. આ સ્થિતિમાં દીપડાના હુમલા વધી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તેમણે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 35-40 દિવસથી ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોને 2 હજાર કરોડનું નુકસાન થયું છે અને તેમણે ધ્યાન દોર્યું હતું કે નિકાસ પ્રતિબંધથી પાકિસ્તાનના ખેડૂતોને ફાયદો થયો છે અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તે બાદ તેમણે એક કવિતા વાંચી સંભળાવી હતી. આ ટ્વીટમાં 5 મિનિટ અને 16 સેકન્ડ બાદ તેમની કવિતા શરૂ થાય છે. જેમાં તેણે મોદી સરકારની વિવિધ નીતિઓ પર ચાબખાં માર્યા છે.