સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ પછી ૪૪૦ પોઇન્ટનોસુધારો નોંધાવ્યો, નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ સ્તરને સ્પર્શ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ, ઇન્ફોસિસ અને ટીસીએસની આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી જોરદાર તેજીને આધારે સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ હતી અને અંતે ૪૪૦ પોઇન્ટનો સુધારા સાથે સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ સ્તરને સ્પર્શ્યો હતો.
સરકારે રજી કરેલા ઇન્ટ્રીમ બજેટમાં કશો કશ ના હોવાથી બજારે ગુરુવારે કોઇ રિએક્શન આપ્યું નહોતું અને શુક્રવારનો આ ઉથાળો માત્ર વિશ્ર્વબજારની પાછળ છે, આમ છતાં બજેટ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધાયેલા લગભગ બે ટકા જેવા ઉછાળાને કારણે શેરબજારે પાછલા બે મહિનામાં બજારે સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે. અગાઉના સત્રમાં વચગાળાના નિરસ અને શુષ્ક બજેટને કારણે સાવ ઠંડા રહેલા બજારે તે પછીના સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ નક્કર વધારો નોંધાવ્યો હતો, જેમાં નિફ્ટીએ સત્ર દરમિયાન ૨૨,૧૨૬.૮૦ની નવી ઓલટાઇમ હાઇ સપાટીને અથડાયો હતો અને સેન્સેક્સે સત્ર દરમિયાન ૧,૪૦૦ પોઈન્ટથી વધુની તેજી બતાવી હતી.
જોકે, બપોરના સત્ર દરમિયાન ઊંચી સપાટીએ જોરદાર વેચવાલી આવવાથી મોટાભાગનો સુધારો ધોવાઇ ગયો હતો અને અંતે સેન્સેક્સ ૪૪૦.૩૩ પોઈન્ટ્સ અથવા ૦.૬૧ ટકા વધીને ૭૨,૦૮૫.૬૩ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૧૫૬.૩૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૨ ટકા વધીને ૨૧,૮૫૩.૮૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો પાછળ બજાર ઊંચા મથાળે ખુલ્યું હતું અને સવારના સત્રમાં ઝડપી ઉછાળો નોંધાવ્યો હતો, પરંતુ ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગને કારણે મોટાભાગનો સુધારો ધોવાઇ ગયો હતો. વ્યાપક બજારમાં જોકે, લેવાલી જળવાઇ હતી અને નાના શેરોમાં ફરી કરંટ જોવા મળ્યો હતો. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૮૦ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૪૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ દિવસના સર્વોચ્ચ ૭૩,૦૮૯.૪૦ પોઇન્ટના સ્તરથી ૧,૦૦૩.૭૭ પોઇન્ટ નીચી સપાટીએ સેટલ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૨૨,૧૨૬.૮૦ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી સામે ૨૭૩ પોઇન્ટ નીચી સપાટીએ ઘટ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ ઈન્ટ્રાડે ૪૬,૮૯૨.૩૫ની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ ૦.૫ ટકાના ઘટાડા સાથે ૪૫,૯૭૦.૯૫ પોઇન્ટની નીચી સપાટીએ સરકી ગયો હતો.
આ બજેટ સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાનો વધારો થયો હોવાથી બજારે બે મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ અને એનટીપીસી હતા, જ્યારે ટોપ લૂઝર્સ શેરોમાં આઇશર મોટર્સ, એક્સિસ બેન્ક, એચડીએફસી લાઇફ, એચડીએફસી બેન્ક અને એચયુએલ હતા. સેન્સેક્સના ટોપ ગેઇનર શેરોમાં પાવરગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી, ટાટા સ્ટીલ, ટીસીએસ, જેએસડબલ્યુ સ્ટીલ, વિપ્રો, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ અને બજાજ ફાઇનાન્સ ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં હતા. જ્યારે એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, લાર્સન એન્ડ ટૂબ્રો અને આઇટીસી ટોપ લુઝર્સ શેરોમાં હતા. સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૪.૧૦ ટકા, એનટીપીસી ૩.૩૪ ટકા, ટીસીએસ ૨.૯૮ ટકા, ટાટા સ્ટીલ ૨.૮૯ ટકા અને જેએસડબલ્યૂ સ્ટીલ ૧.૭૬ ટકા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૧.૪૨ ટકા, એચડીએફસી બેન્ક ૧.૩૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૮૧ ટકા, આઈટીસી ૦.૬૦ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો ૦.૫૭ ટકા ઘટ્યા હતા.
સરકારના તદ્દન કશ વિહોણા અને નિરસ અંદાજપત્રની રજૂઆતથી નિરાશ થયેલા રોકાણકારોએ ખાસ કરીને કેપિટલ ગૂડસ, મેટલ અને રિઅલ્ટી શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કય્રું હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરકી ગયાં હતાં. અમેરિકાની ફેડરલ બેન્કે વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવાનું ટાળવા સાથે તેના અમલનો સમય પણ પાછળ ઠેલવાના સંકેત આપ્યા હોવાથી પણ બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોઈ મોટી જાહેરાતો વિનાનું અપેક્ષિત વચગાળાનું બજેટ રજૂ કર્યા પછી ગુરુવારના સત્રમાં શેરબજારમાં સહેજ અફડાતફડી જોવા મળી હતી, પરંતુ ખાસ કરીને કરવેરામાં કોઇ ફેરફાર ના હોવા સાથે અન્ય કોઇ મોટી જાહેરાત પણ ના હોવાથી શેરબજારમાં પણ કોઇ સ્પષ્ટ ટ્રેન્ડ જોવા મળ્યો નહોતો. સત્રને અંતે સેન્સેક્સ ૧૦૬.૮૧ પોઈન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૭૧,૬૪૫.૩૦ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૨૮.૨૦ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા ઘટીને ૨૧,૬૯૭.૫૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સ દિવસ દરમિયાન ૭૨,૧૫૧.૦૨ પોઇન્ટ અને ૭૧,૫૭૪.૮૯ પોઇન્ટની વચ્ચે અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૨૧,૮૩૨.૯૫ પોઇન્ટ અને ૨૧,૬૫૮.૭૫ પોઇન્ટની વચ્ચે અથડાયો હતો. સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૮૭ ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૪૫ ટકા, એનર્જી ૩.૪૪ ટકા, હેલ્થકેર ૦.૨૩ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૧૮ ટકા, આઈટી ૨.૧૭ ટકા, યુટિલિટીઝ ૨.૧૮ ટકા, ઓટો ૦.૩૭ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૦૩ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૩૮ ટકા, મેટલ ૨.૯૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૪.૨૨ ટકા, પાવર ૧.૮૧ ટકા, રિયલ્ટી ૦.૮૫ ટકા, ટેક ૧.૬૮ ટકા અને સર્વિસીસ ૨.૨૨ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૦.૧૮ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૨૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૬૨ ટકા અને બેન્કેક્સ ૦.૫૨ ટકા ઘટ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૮૭૧.૬૭ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૭,૫૩૨ સોદામાં ૧૧,૮૦૬ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૧,૦૫,૬૭,૭૩૭ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.